કચ્છખબરડૉટકોમ, અંજારઃ કચ્છમાં શિયાળાના આરંભ સાથે હવે તસ્કરોની સીઝનની પણ શરૂઆત થઈ ગઈ છે. અંજારના વરસામેડીના સીમાડે આવેલી નીલકંઠ હોમ્સ નામની સોસાયટીના બંધ મકાનમાંથી તસ્કરોએ ૫૦ હજાર રોકડાં રૂપિયા અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ ૫.૨૮ લાખ રૂપિયાનો હાથફેરો કર્યો છે. મીઠીરોહરમાં લાકડાનો બેન્સો ચલાવતા ગૌરવ અમૃતભાઈ પટેલે અંજાર પોલીસને જણાવ્યું કે વડોદરા રહેતા સંબંધીને ત્યાં લગ્નપ્રસંગ હોઈ બુધવાર ૨૦ નવેમ્બરે તેઓ ઘરને તાળું મારીને સપરિવાર વડોદરા ગયા હતાં. શુક્રવારે સવારે સોસાયટીના સિક્યોરીટી ગાર્ડે ફોન કરીને જાણ કરી હતી કે રાત્રે સોસાયટીમાં ચોર આવેલા અને તમારા ઘરનું તાળું તૂટેલું છે.
ગૌરવે ઘરે આવીને જોયું તો બધો સરસામાન વેરવીખેર પડ્યો હતો. તસ્કરો ઘરમાંથી ૫૦ હજાર રોકડાં, ૪.૬૮ લાખના મૂલ્યના સોનાના વિવિધ દાગીના તથા ૧૦ હજારની કિંમતના ચાંદીના ૧૦ સિક્કા મળી ૫.૨૮ લાખની માલમતા ચોરી ગયાં હતાં.
તસ્કરોએ તેમના ઘરની પાછળની લાઈનમાં રહેતા અન્ય એક શખ્સના ઘરમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. અંજાર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Share it on
|