|
કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આદિપુરના અંતરજાળમાં ધોળા દિવસે ઘરના એક રૂમનો પાછલો દરવાજો ખોલીને તસ્કરો ૫.૭૦ લાખના સોનાના ઘરેણાં અને ૧.૭૦ લાખ રોકડાં મળીને ૭.૪૦ લાખ રૂપિયાની માલમતા ચોરી ગયા હોવાનો બનાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. અંતરજાળના ઘનશ્યામનગરમાં રહેતા ૫૦ વર્ષિય બાબુભાઈ હમીરભાઈ આહીરે પોલીસને જણાવ્યું કે ગઈકાલે રવિવારે સાડા દસ વાગ્યે પત્ની સાથે નંદગામમાં ભાગવત કથા સાંભળવા ઘરને તાળું મારીને નીકળેલાં. નજીકમાં આવેલા મિનરલ પાણીનો પ્લાન્ટ સંભાળતા બે દીકરાને ઘરની ચાવી આપતાં ગયેલા. સાંજે સાડા ચાર વાગ્યે ઘેર પાછાં ફર્યાં ત્યારે બેઉ દીકરા સૂતાં હતા.
ફરિયાદી પોતાના રૂમની બહારથી લાગેલી સ્ટોપર ખોલીને અંદર પ્રવેશ્યાં ત્યારે બધો સરસામાન વેરવિખેર જોવા મળેલો. અજાણ્યા ચોર અંદરના કબાટમાંથી સોનાની ચાર બંગડી, સોનાની ત્રણ ચેઈન, ત્રણ વીંટી અને રોકડ રકમ મળી ૭.૪૦ લાખ રૂપિયાની માલમતા ચોરી ગયા હોવાનું સ્પષ્ટ થયેલું.
રૂમનો પાછલો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. ઘરમાં સૂતેલાં બેઉ પુત્રોને જગાડીને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે તેઓ સાડા ત્રણ વાગ્યે ઘેર આવેલાં. બેઉને રૂમમાં થયેલી ચોરી અંગે કોઈ અણસાર આવ્યો નહોતો. આદિપુર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચોરીના બનાવમાં જાણભેદુની સંડોવણીની શક્યતા સાથે પોલીસ તપાસ આગળ ધપી રહી છે. પીઆઈ મહેશભાઈ સી. વાળા તપાસ કરી રહ્યા છે.
Share it on
|