|
કચ્છખબરડૉટકોમ, સામખિયાળીઃ સામખિયાળીમાં રહેતા યુવાન વકીલના ઘરમાંથી ભેદી સંજોગોમાં સોના ચાંદીના ઘરેણાં અને ૧૦ હજાર રોકડાં રૂપિયા મળી ૫.૬૪ લાખની માલમતાની ચોરી થઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે. બે મહિના અગાઉ થયેલી ચોરીના બનાવમાં જાણભેદુની સંડોવણી હોવાની આશંકાના પગલે વકીલે પોતાની મેળે ચોર શોધવા તપાસ કરેલી પરંતુ ભેદ ના ઉકેલાતાં અંતે પોલીસનું શરણું લીધું છે. સામખિયાળીના શાંતિધામ વિસ્તારમાં રહેતો ૩૨ વર્ષિય ફરિયાદી નરેશભાઈ અજાભાઈ ચૌહાણ રેવન્યૂ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. ચાર ભાઈના સંયુક્ત પરિવારમાં રહેતા ફરિયાદીએ જણાવ્યું કે ઘરમાં આવેલા લાકડાના કબાટમાં તેની પત્ની, ભાભી અને સદગત માતાના સોના ચાંદીના ઘરેણાં રહે છે. કબાટની ચાવી તેની પત્ની પાસે રહે છે.
૧૮ જૂનના રોજ પત્નીને પ્રસંગ અર્થે પિયર જવાનું હોઈ દાગીના લેવા માટે તેણે કબાટનું તાળું ખોલી ચેક કરતાં કબાટમાંથી સાડા ત્રણ તોલા સોનાનો હાર, સોનાની આઠ ગ્રામની બે બુટ્ટી, દોઢ તોલાનું મંગળસૂત્ર, બે ગ્રામની સોનાની વીંટી, એકસો ગ્રામ ચાંદીનો ઝૂડો અને દસ હજાર રોકડાં રૂપિયા ગાયબ થઈ ગયાં હોવાનું માલૂમ પડેલું.
કોઈએ કબાટનું તાળું તોડીને ચોરી કરવા પ્રયાસ કર્યો હોવાનું જણાતું ના હોઈ ચોરી કરનાર જાણભેદુ હોવાની શંકાથી પરિવારે બે મહિના સુધી ચોરને શોધવા પોતાની મેળે તપાસ કરી પરંતુ કોઈ કડી મળી નથી. સામખિયાળી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Share it on
|