|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની જૂની રાવલવાડીમાં આવેલી આશાપુરા સોસાયટીમાં આવેલા ટંકારાના મામલતદારના બંધ રહેણાકમાં ચોરી કરનાર ટોળકીને LCBએ ઝડપી પાડી છે. બે સગાં ભાઈ સહિત ત્રણ જણને પકડી પાડીને પોલીસે ૧.૩૫ લાખનો સોનાનો સેટ (બે બુટ્ટી સાથે) અને ચાંદીની ચીજવસ્તુઓને ઓગાળીને બનાવેલી ૪૨ હજારની લગડી તથા ચોરીમાં વપરાયેલાં ઓજારો પોલીસે રિકવર કર્યાં છે. ટંકારાના મામલતદાર પી.એન. ગોરે બનાવ અંગે પાંચ દિવસ અગાઉ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ૨૫ ઘરમાંથી ૨૫ હજાર રોકડાં રૂપિયા અને સોના ચાંદીના ઘરેણાં, ચીજવસ્તુ મળી ૨.૫૩ લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
ક્રાઈમ બ્રાન્ચને સૂત્રો પાસેથી માહિતી મળેલી કે ચાંદીના ચોરેલાં ઘરેણાંની લગડી બનાવવા એક જણો સોની પાસે પહોંચ્યો છે. જેના આધારે પોલીસે આ ટોળકીને દબોચી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર અશોક એમ. મકવાણાએ જણાવ્યું કે પકડાયેલો રાહુલ મુકેશ દેવીપૂજક અને તેનો ભાઈ આનંદ બેઉ જણ ભુજ શહેરમાં ભંગારની ફેરી કરે છે. દસેક દિવસ અગાઉ વડોદરાથી આનંદનો કૌટુંબિક સાળો રાહુલ પટણી રાખડીઓની ફેરી કરવા ભુજ આવેલો.
ફેરી કરતી વખતે ટોળકીએ લાંબા સમયથી બંધ પડેલા મકાનની રેકી કરેલી અને ચોરી કરવાનો પ્લાન બનાવેલો.
આનંદે ચોરી કરવા માટે પડોશમાં રહેતા મિત્ર સુનીલ કૈલાસ વાઘરીને પણ સામેલ કરેલો. વડોદરાનો રાહુલ પટણી હાલ પોલીસના હાથ લાગ્યો નથી. બંને રાહુલ સામે ભુજ અને વડોદરામાં અગાઉ ઘરફોડના ગુના નોંધાયેલાં છે.
Share it on
|