|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ સસ્તાં સોનાના સોદાના નામે ચાર ચીટરોની ટોળકીએ બિકાનેરના વેપારીને ગાંધીધામ બોલાવી, કારમાં બેસાડીને પિસ્તોલની ધમકી આપી ૨૫ લાખ રોકડાં રૂપિયા ભરેલી બેગ બળજબરીથી ઝૂંટવીને ફરાર થઈ ગયાં છે. મંગળવારે બપોરે બે વાગ્યાના અરસામાં ઝોન ગોલાઈ પાસે બનેલાં બનાવ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે ચીટરોએ નકલી નામ ધારણ કર્યાં હોવાનું અને એક જણો આદિપુરનો રીઢો શખ્સ હોવાનું સ્પષ્ટ થયું છે. ફરિયાદી ૩૦ વર્ષિય રામનિવાસ જગદીશપ્રસાદ શર્મા રાજસ્થાનના બિકાનેર જિલ્લાના ડુંગરગઢ તાલુકાના ગામમાં રહીને માર્કેટમાં અનાજની લે-વેચનો વેપાર કરે છે. દોઢ મહિના અગાઉ રામનિવાસને તેના પરિચિત બંસી સારસ્વતે જણાવેલું કે ઘનશ્યામ ઉપાધ્યાય નામનો તેનો એક મિત્ર (મૂળ રહે. ચુરુ, રાજસ્થાન હાલ રહે. રાજવીબાગ સોસાયટી, ગળપાદર) ગાંધીધામ રહે છે અને તેના મિત્રો સસ્તાં ભાવે સોનાની લે-વેચ કરે છે. રામનિવાસે ફોન પર ઘનશ્યામનો સંપર્ક કરેલો અને ઘનશ્યામે દીપક તથા વિશાલ નામના તેના બે મિત્રો સસ્તાં ભાવે સોનાની ડીલ કરતાં હોવાનું જણાવેલું.
રામનિવાસ ડીલ કરવા મિત્રને સાથે લઈ આવેલો
ઘનશ્યામે ૨૪ કેરેટ ૧૦૦ ગ્રામ ગોલ્ડ બિસ્કિટનો રેટ ૧૧.૨૦ લાખ હોવાનું જણાવતાં સોનું ચેક કર્યાં બાદ ડીલ કરવાનું વિચારીને રામનિવાસ બિકાનેરમાં જ્વેલરી શૉ-રૂમ ચલાવતાં જાણકાર મિત્ર પવનકુમાર સ્વામીને લઈ ૧૨ ઑગસ્ટના રોજ ગાંધીધામ આવી શિવ રિજન્સી હોટેલમાં રોકાયેલો. બીજા દિવસે નંબર વગરની વર્ના કારમાં વિશાલ અને દીપકને લઈને ઘનશ્યામ હોટેલ બહાર આવેલો. કારમાં રામનિવાસ અને પવનને બેસાડીને ચા પીવા લઈ ગયેલાં. દીપક અને વિશાલે ‘હાલમાં શેઠ પાસે ગોલ્ડ નથી, બે ત્રણ દિવસ લાગશે’ તેમ જણાવતાં બેઉ જણ હોટેલમાં જ રોકાઈ ગયેલાં.
સામખિયાળી લઈ જઈને અસલી ગોલ્ડ બિસ્કિટ બતાડેલું
૧૪મીના રોજ ઘનશ્યામ ફરી વિશાલ અને દીપકને લઈ હોટેલ પર આવેલો. બેઉ જણને પોતે ઘરમાં એકલો જ રહેતો હોવાનું કહીને હોટેલનું ભાડું ભરવાના બદલે પોતાના ઘરે રોકાવાની ઘનશ્યામે ઑફર કરતાં બેઉ જણ હોટેલમાંથી ચેકઆઉટ કરી ઘનશ્યામ જોડે નીકળી ગયેલાં.
આરોપીઓ ચા નાસ્તો કરવાના નામે કારને સામખિયાળી પાસે આવેલી એક હોટેલ પર લઈ ગયેલાં. ત્યાં એક અજાણ્યો યુવક ગોલ્ડ બિસ્કિટ લઈને આવેલો. વિશાલે ‘આ અમારો માલ નથી, બીજી પાર્ટીનો માલ છે’ કહીને જોવા તપાસવા માટે તે ગોલ્ડ બિસ્કિટ આપેલું.
પવને ચેક કરતાં તે અસલી ગોલ્ડ બિસ્કિટ હતું. ત્યારબાદ આરોપીઓ ત્રણેને ઘનશ્યામના ઘેર મૂકી ગયેલાં. હોટેલ પર ગયાં તે સમયે પવને ચોરીછૂપે તેના મોબાઈલમાં દીપક અને વિશાલનો ફોટો પાડી લીધો હતો.
ડીલ નક્કી થતાં આંગડિયામાં ૨૫ લાખ મગાવ્યાં
રામનિવાસ અને પવન બેઉ જણ માલ આવવાની રાહ જોતાં ઘનશ્યામના ઘરે રોકાઈ ગયેલાં. ગઈકાલે બપોરે એકથી દોઢના અરસામાં વિશાલ એક અજાણ્યા યુવક સાથે બ્લેક સ્વિફ્ટ કાર લઈને ઘનશ્યામના ઘેર આવેલો. તેણે એક પાર્ટી પાસે ૨૦૦ ગ્રામ ગોલ્ડ બિસ્કિટ હોવાનું કહીને ડીલ કરવા માટે પેમેન્ટની વ્યવસ્થા કરવા જણાવેલું. રામનિવાસે જોધપુર રહેતા તેના સાળાને કહીને તાત્કાલિક આંગડિયા મારફતે ૨૫ લાખ રોકડાં રૂપિયા મગાવેલાં અને ગાંધી માર્કેટમાં આવેલી કમલેશ કાન્તિ આંગડિયા પેઢીમાં જઈ લઈ આવેલો.
ડીલના નામે કારમાં બેસાડી ઝોન પુલિયા લઈ જવાયાં
‘સોનું બીજી પાર્ટીનું છે અને જોવા માટે ત્યાં જવું પડશે’ કહીને વિશાલ સ્વિફ્ટ કારમાં પોતાની સાથે ઘનશ્યામ, રામનિવાસ અને પવનને બેસાડીને કંડલા ઝોન ગોલાઈ નજીક પુલિયા પાસે લઈ આવેલો. અહીં એક સફેદ ક્રેટા કાર આવેલી. વિશાલે ક્રેટામાં દીપક ગોલ્ડ લઈને આવ્યો હોવાનું જણાવેલું. દરમિયાન, ક્રેટામાંથી અજાણ્યો યુવક ઉતરીને તેમની કાર પાસે આવેલો. તેણે રૂપિયા બતાડવા માટે જણાલતાં રામનિવાસે ખોળામાં રહેલી બેગ ખોલીને રોકડાં રૂપિયા બતાવ્યાં બાદ તે યુવક પરત ક્રેટા કારમાં બેસી ગયેલો.
ઘનશ્યામ અને પવન કારમાંથી નીકળતાં વેંત ખેલા થયો
વિશાલે ઘનશ્યામ અને પવનને ક્રેટામાં જઈને ગોલ્ડ ચેક કરી લેવા જણાવતાં બેઉ જણ કારમાંથી બહાર નીકળી ક્રેટા તરફ આગળ વધેલાં. તેઓ માંડ પાંચથી છ ડગલાં આગળ વધ્યાં હતા ને અચાનક રામનિવાસ વિશાલ સાથે જે સ્વિફ્ટ કારમાં બેઠેલો તેના ડ્રાઈવરે કારને પૂરઝડપે દોડાવવાનું શરૂ કરી દીધેલું. પાછળ ક્રેટા આવતી હતી.
અજુગતું થતું હોવાનું પામી ગયેલાં રામનિવાસે કારની હેન્ડબ્રેક ખેંચી લેતાં ક્રેટા કાર આગળ નીકળી ગયેલી. આ સમયે વિશાલે રામનિવાસના ખોળામાં રહેલી બેગ ઝૂંટવી લઈને કાર ચલાવી રહેલા યુવકને ‘પિસ્તોલ કાઢ, પિસ્તોલ’ કહેતાં રામનિવાસ ડરીને કારમાંથી નીચે ઉતરી ગયો હતો.
આરોપીઓ કંડલા તરફ રૂપિયા ભરેલી બેગ સાથે કાર હંકારી ગયાં હતા. વિશાલનો ફોન પર કોન્ટેક્ટ કરતાં ફોન બંધ થઈ ગયો હતો. બનાવ અંગે તેમણે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે આવીને વાત કરતાં પોલીસે મોબાઈલમાં રહેલાં ફોટોના આધારે બેઉ જણની તપાસ હાથ ધરેલી.
દીપક બનેલો શખ્સ હકીકતમાં આદિપુરના મહેંદીનગરમાં રહેતો કાદરશા ગુલામશા સૈયદ હોવાનું સ્પષ્ટ થયેલું. જો કે, તેની સાથે રહેલો વિશાલ તથા અન્ય બે અજાણ્યા યુવકો કોણ છે તે સ્પષ્ટ થયું નથી.
વિવિધ ભારેખમ કલમો તળે ગુનો દાખલ કરીને પીઆઈ એમ.જે. રાઠોડ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચારે જણને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
Share it on
|