કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ જે ડ્રગ પેડલરના લીધે ભૂતકાળમાં પૂર્વ કચ્છના એક મહિલા પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો હતો તે પંજાબનો ડ્રગ પેડલર આજે ફરી ૫૮ લાખ ૮ હજારના મૂલ્યના ૧૧૬.૧૬ ગ્રામ હેરોઈન સાથે ગાંધીધામમાં પકડાયો છે. પંજાબના રીઢા ડ્રગ પેડલર કુલવિન્દરસિંઘ હરદેવસિંઘને SOGએ તેના સાગરીત લખવિન્દરસિંઘ ગુરનામસિંઘ સાથે ડ્રગ્ઝનું છૂટક વેચાણ કરતાં ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે SOG પીઆઈ ડી.ડી. ઝાલા અને તેમના સ્ટાફે ગાંધીધામમાં રેલવે ફાટકથી એસટી બસ સ્ટેશન જતા નેશનલ હાઈવેને સમાંતર સર્વિસ રોડ પર બાવળોની ઝાડી નજીક છૂટક હેરોઈન વેચવા ઊભેલાં બેઉ જણની ધરપકડ કરી છે.
કુલવિન્દરના કબજામાંથી પ્લાસ્ટિકના પારદર્શક બે પાઉચમાંથી ૧૧૬.૧૬ ગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.
તેના કબજામાંથી ત્રણ મોબાઈલ ફોન, પ્લાસ્ટિકના પારદર્શક ૩૧ ખાલી પાઉચ, એક ડિજીટલ વજનકાંટો મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ હેરોઈન તેણે પોતાના વતન સંગતપુરા, નૌશહરા, તરનતારનમાં રહેતા સુખા નામના શખ્સ પાસેથી મેળવ્યું હોવાનું કબૂલ્યું છે. પોલીસે ત્રણે સામે એનડીપીએસની વિવિધ ધારાઓ તળે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
કુલવિન્દર રીઢો ડ્રગ પેડલર, ગત વર્ષે પકડાયેલો
કુલવિન્દર રીઢો ડ્રગ પેડલર છે. આ અગાઉ ગયા વર્ષે ૦૩-૦૨-૨૦૨૪ના રોજ એસઓજીએ તેને ૨૩.૫૯ ગ્રામ હેરોઈન સાથે ગાંધીધામમાંથી ઝડપ્યો હતો. તે સમયે પોતે અગાઉ છથી સાત વખત ગાંધીધામમાં હેરોઈન લઈને છૂટક વેચાણ કરી ગયો હોવાનું કબૂલેલું.
કુલવિન્દરને ડિફોલ્ટ બેઈલ મળતાં પીઆઈ સસ્પેન્ડ થયેલા
૨૩.૫૯ લાખના હેરોઈનની તપાસ તત્કાલિન કંડલા મરિન પીઆઈ હિના કે. હુંબલને સોંપાઈ હતી. જો કે, હુંબલે નિયત ૬૦ દિવસની અંદર આરોપી સામે ચાર્જશીટ દાખલ ના કરતા ગાંધીધામ કૉર્ટે આરોપીને ડિફોલ્ટ બેઈલ પર છોડી મૂક્યો હતો. આ બાબતની વડા અધિકારીઓએ ગંભીર નોંધ લીધેલી અને હુંબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
Share it on
|