કચ્છખબરડૉટકોમ, પાલનપુરઃ લખપતના સરહદી નરા ગામે ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતી મૂળ પંજાબની યુવતી કોરિયાણીના પુરુષ મિત્ર સાથે ક્રેટા કારમાં રાજસ્થાનથી પોસ ડોડાનો જથ્થો લાવતાં રંગેહાથ ઝડપાઈ ગઈ છે. પોલીસે NDPS તળે બેઉ સામે ગુનો દાખલ કર્યો છે. બનાસકાંઠાના ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નેનાવા ચેકપોસ્ટ ખાતે શુક્રવારે વહેલી પરોઢે સાડા છ વાગ્યે પસાર થઈ રહેલી કચ્છ પાસિંગની સફેદ ક્રેટા કારને અટકાવીને પોલીસે ડીકીની તલાશી લેતા તેમાં માદક દ્રવ્ય હોવાની શંકા ગયેલી. માહિતી મળતા ધાનેરા પીઆઈ એમ.જે. ચૌધરી અને તેમની ટીમ ચેકપોસ્ટ ખાતે દોડી ગઈ હતી.
કારની ડીકીમાં પ્લાસ્ટિકના ત્રણ કોથળામાંથી ૧.૧૭ લાખની કિંમતનો ૩૯.૨૪૪ કિલોગ્રામ પોસ ડોડાનો જથ્થો જપ્ત કરાયો હતો.
GJ-12 DA-3718 નંબરની ક્રેટા કાર હંકારતા શખ્સ દેવુભા નથુભા કલાજી સોઢા (ઉ.વ. ૨૭, રહે. કોરિયાણી, લખપત) અને બાજુની સીટ પર રહેલી સિમરનજીત W/o ગુરુદેવસિંઘ ભૂપેન્દ્રસિંઘ રાયશીખ (ઉ.વ. ૨૮, રહે. પંજાબી વાંઢ, નરા)ની પોલીસે પૂછપરછ કરતાં દેવુભાએ જણાવ્યું કે ગાડી તેના મામાના પુત્ર ચતુરસિંહ અગરાજી જાડેજાની માલિકીની છે અને પોસ ડોડાનો માલ લેવા સિમરનને લઈને તે ગુરુવારે સવારે રાજસ્થાનના બાખાસર ખાતે ગયો હતો.
ડીકીમાંથી પોલીસે ટ્રોલી બેગ, કાળા રંગની બે ડાયરી અને ડૉગ બિસ્કીટ વગેરે કબજે કર્યા છે.
બેઉ આરોપીના મોબાઈલ ફોન, આઠ લાખની કાર વગેરે મળી કુલ ૯.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
સિમરન નરામાં જીઆરડીની કર્મચારી છે
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સિમરનજીત નરામાં ગ્રામ રક્ષક દળની કર્મચારી તરીકે ફરજ બજાવે છે. કોરોના સમયે તેના પતિનું નિધન થઈ ગયું હતું. લાંબા સમયથી તે ડ્યુટી પર આવી નથી. સિમરન પકડાઈ તે સમયે તેણે યુનિફોર્મ ધારણ કરેલો હોવાનો પણ સૂત્રોએ દાવો કર્યો છે. આ બનાવે થોડાંક સમય અગાઉ ભચાઉના ચીરઈના રીઢા બૂટલેગર સાથે દારૂની ખેપ મારતાં ઝડપાયેલી સીઆઈડી ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલની ઘટનાની યાદ તાજી કરી દીધી છે.
Share it on
|