કચ્છખબરડૉટકોમ, ભુજઃ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ભુજથી મુંબઈ જવા ઈચ્છતાં ૧૩ પ્રવાસીને લીધા વગર જ વિમાન ઊડી જતાં પ્રવાસીઓએ દેકારો મચાવ્યો હતો. એર ઈન્ડિયાએ તેમને રીફંડ આપવાનો ઈન્કાર કરી દેતાં પ્રવાસીઓનો રોષ વધુ ઉગ્ર બન્યો હતો. અંતે તમામ પ્રવાસીઓ માટે એર ઈન્ડિયાએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી હતી. મુંબઈ ભુજ મુંબઈ વચ્ચે એર ઈન્ડિયા દ્વારા ૧૮૨ સીટ ધરાવતી એરબસ (AI 321) ઓપરેટ થાય છે. પરંતુ, કોઈ ટેકનિકલ કારણે આજે અચાનક AI 321ના બદલે ૧૬૪ સીટર AI 320 એરક્રાફ્ટ આવેલું. એરક્રાફ્ટમાં ૧૬૪ સીટ સામે ૧૭૭ પ્રવાસીઓનું બુકિંગ બોલતું હતું. તેમાં’ય અમુક પ્રવાસી બૉર્ડિંગના નિયત સમય કરતાં અડધો કલાક મોડા આવતાં બૉર્ડિંગ કાઉન્ટર બંધ કરી દેવાયું હતું.
૧૩ પ્રવાસીઓની દલીલો વચ્ચે ફ્લાઈટ ૮:૫૫ કલાકે મુંબઈ માટે ટેક ઑફ્ફ થઈ જતાં રઝળી પડેલાં પ્રવાસીઓ વીફર્યાં હતાં. પ્રવાસીઓના આક્રોશ વચ્ચે એર ઈન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફે શરૂઆતમાં રીફંડ આપવાનો ઈન્કાર કરી દેતાં મામલો વધુ વણસ્યો હતો.
જો કે, બાદમાં રહી ગયેલાં તમામ ૧૩ પ્રવાસીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.
એર ઈન્ડિયા, ભુજના મેનેજર એસ.બી. સિંઘે જણાવ્યું કે ૧૩ પ્રવાસીઓ પૈકી ૮ પ્રવાસી બૉર્ડિંગના નિયત સમય કરતા મોડાં આવતાં તેમને બૉર્ડિંગ પાસ ઈસ્યૂ કરાયાં નહોતાં.
૧૩ પ્રવાસી પૈકી ૭ પેસેન્જરને એર ઈન્ડિયા દ્વારા એસી બસમાં અમદાવાદ મોકલી ત્યાંથી ઉપડતી ફ્લાઈટમાં મુંબઈ જવા માટે વ્યવસ્થા કરી આપી હતી. ૩ પેસેન્જરને તેમની મરજી મુજબ ભુજથી દિલ્હી જતી ફ્લાઈટમાં એડજસ્ટ કરવામાં આવ્યા હતા. અન્ય ૩ પેસેન્જરે ટિકિટ રીશિડ્યુઅલ કરી આપવાની માંગણી કરતાં તેમની મરજી મુજબ ટિકિટ ૧૬ જૂલાઈની ફ્લાઈટમાં રીશિડ્યુઅલ કરી આપવામાં આવી હતી.
ટૂંકમાં, ઓછી સીટ ધરાવતા એરક્રાફ્ટ અને લેટ બૉર્ડિંગના કારણે ૧૩ પ્રવાસીઓને ફ્લાઈટથી વંચિત રહેવું પડ્યું હતું.
સિંઘે નિયત પ્રવાસીઓ કરતાં વધુ ટિકિટો બૂક કરાઈ હોવાના ઓવરબુકિંગના આરોપનો ઈન્કાર કર્યો હતો.
Share it on
|