કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છમાં ખાખીની રહેમનજર યા નિષ્ક્રિયતાથી બેફામ રીતે ચાલતી દારુ જુગારની પ્રવૃત્તિ પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે છેલ્લાં અઢી ત્રણ માસથી વિશેષ ધ્યાને કેન્દ્રીત કર્યું છે. SMCએ માંડવીના કોડાય પોલીસ મથકની હદના પીપરી ગામે લાંબા સમયથી ચાલી રહેલી ધાણી પાસાની બહુચર્ચિત હરતી ફરતી જુગાર ક્લબ પર દરોડો પાડી છ ખેલીને ૪૪ હજાર ૫૦૦ રોકડાં રુપિયા મોબાઈલ અને ૪ વાહનો મળી ૨.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં છે. દરોડા સમયે ૧૧ જણાં પોલીસને થાપ આપીને નાસી છૂટ્યાં હતા.
જાણો, કોણ કોણ ઝડપાયાં
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ રાત્રે આઠ વાગ્યાના અરસામાં પીપરી ગામની ઉગમણી સીમમાં જખુ હાજા સંઘારના ખેતર નજીક ખુલ્લામાં ધાણી પાસા રમતાં ખેલીઓ પર ત્રાટકીને ૬ ખેલી રંગેહાથ ઝડપી પાડ્યાં હતા. ઝડપાયેલાં ખેલીઓમાં ધવલ અનિલભાઈ રાજગોર (માલાણી ફળિયું, ભુજ), ધીરેન હિરજી સંઘાર (રહે. પીપરી), કિશોર વાલજી સંઘાર (રહે. બિદડા), લીલાધર બેચરભાઈ સંતોકી (પંચાસર રોડ, મોરબી), જગદીશ મેઘજીભાઈ મોતીવરસ (દિવાદાંડી રોડ, માંડવી), ધવલ શંભુભાઈ મંગે (રહે. ધવલનગર- ૨, માંડવી)નો સમાવેશ થાય છે.
નાસી ગયેલાં એ ૧૧ ખેલાડીઓ કોણ કોણ?
દરોડા સમયે નાસી છૂટેલાં ૧૧ ખેલીઓમાં ક્લબ સંચાલક અશોક કેસરભાઈ સંઘાર (પીપરી) અને તેના પાર્ટનર હિરેન આશિષભાઈ સંઘાર (રહે. પીપરી), હિરેન ઊર્ફે પિન્ટુ શાંતિલાલ રાજગોર (રહે. ભુજ), પુજન ગિરીશભાઈ રાજગોર (રહે. ભુજ), જાવેદ હિંગોરજા (રહે. ભુજ), સાજીદ હિંગોરજા (રહે. ભુજ), રામજી ઊર્ફે રામો હિરાલાલ સંઘાર (પીપરી), મહાદેવ શિવજીભાઈ સંઘાર (પીપરી), જખુભાઈ હાજાભાઈ સંઘાર (પીપરી), અનિયો બાપુ (માંડવી) અને GJ-12 EK-6641 નંબરની એક્ટિવાના ચાલક યા માલિકનો સમાવેશ થાય છે. SMCએ ૪૪ હજાર ૫૦૦ રોકડાં રૂપિયા, ૧ લાખની કિંમતના ૪ દ્વિચક્રી વાહનો, ૯૫ હજારના ૬ મોબાઈલ વગેરે મળી કુલ ૨.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ આરોપી સામે જુગારધારાની કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરાયો છે.
SMC અગાઉ પણ એકવાર ત્રાટકેલી પણ...
પીપરીની આ હરતી ફરતી જુગાર ક્લબને લાંબા સમયથી ખાખીની લીલી ઝંડી મળી હોવાનું ચર્ચાતું હતું. થોડાંક માસ અગાઉ SMCએ આ ક્લબ પર દરોડો પાડવા પ્રયાસ કરેલો પરંતુ ગામમાં પ્રવેશી સીમાડે જતાં અજાણ્યા વાહનો પર નજર રાખતાં માણસો ક્લબ સંચાલકોને એલર્ટ કરી દેતાં હોય પોલીસ ત્રાટકે તે પૂર્વે સૌ અંધારામાં પલાયન થઈ જતાં હતા.
નાસી છૂટેલાં ભુજના બે જણ અઠંગ ખેલાડી છે
દરોડા સમયે નાસી છૂટેલાં ભુજના બે આરોપી પૂજન ગિરિશ ગોર અને હિરેન ઊર્ફે પિન્ટુ શાંતિલાલ ગોર અગાઉ અનેકવાર ભુજમાં જુગાર રમતાં કે ક્લબ ચલાવતાં રંગેહાથ ઝડપાઈ ચૂકેલાં અઠંગ ખેલાડીઓ છે. ગત ૨૨-૦૮-૨૦૨૪ના રોજ તત્કાલિન એસપી સાગર બાગમારે ભુજ બી ડિવિઝનની હદમાં નાગોર રોડ પર પાંજરાપોળ નજીક બાવળોની ઝાડીઓમાં ચાલતી પૂજન ગોરની ક્લબ પર ભુજ એ ડિવિઝન પોલીસ મારફતે ક્રોસ રેઈડ કરાવીને ૫.૨૩ લાખ રોકડાં મળી ૪૧.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કરાવ્યો હતો. તે સમયે એસપી બાગમારે ખુદ ગાંધીધામ ખાતે બોલાવીને પૂજનનું ઈન્ટરોગેશન કર્યું હતું.
કોડાય પોલીસ અને LCB જ અંધારામાં હતા!
SMCની હાજરી વચ્ચે લોકલ ક્રાઈમ બ્રાન્ચે સૂચક રીતે એક્ટિવ થઈને ગત રાત્રે ભુજ તાલુકાના ઝુરા ગામના સીમાડે ધાણી પાસાની હરતી ફરતી જુગાર ક્લબ પર રેઈડ કરીને ૨૫ હજાર રોકડાં, પાંચ બાઈક મળી ૧.૬૫ લાખના મુદ્દામાલ સાથે પાંચ ખેલીને ઝડપ્યાં હતા, જો કે, સંચાલકો સહિત ૧૩ જણાં ફરાર થઈ ગયાં હતા. પીપરીમાં લાંબ સમયથી બિન્ધાસ્ત રીતે ચાલતી આ જુગાર ક્લબ વિશે આખું કચ્છ વાકેફ હતું. ૨૨-૦૮-૨૦૨૪ના રોજ એક અહેવાલમાં કચ્છખબરે પીપરીમાં જુગાર ક્લબ ધમધમતી હોવાનું લખ્યું હતું પરંતુ ફક્ત કોડાય પોલીસ અને LCBને જ આ ક્લબની કશી ખબર નહોતી! બોલો, માનવામાં આવે છે?
આટ-આટલાં દરોડા પણ કોઈના પેટનું પાણી હલતું નથી!
આ અગાઉ કોડાય પોલીસની હદમાં આવતા જખણિયા ગામે ભુજના ચિંતન ગોર નામના યુવકની ભુજના સાળા બનેવીએ સરાજાહેર હત્યા કરેલી તે સમયે જુગારના રૂપિયાની લેતી-દેતીમાં ડખ્ખો થયો હોવાનું જોરશોરથી ચર્ચાયું હતું. પરંતુ, કોડાય પોલીસે કશો ફોડ પાડ્યો નહોતો.
એ જ રીતે, ચાર દિવસ અગાઉ કોડાય પોલીસની હદમાં તલવાણા ગામ પાસે કટીંગ કરવા હેતુ રોડ પર પાર્ક કરાયેલાં ટેન્કરમાંથી રીઢા બૂટલેગર યુવરાજ જાડેજાએ મગાવેલો ૧ કરોડ ૫૩ લાખ ૮૬ હજારનો વિદેશી શરાબનો જંગી જથ્થો LCBએ જપ્ત કરેલો.
આ અગાઉ બિદડા ગામે પુત્રએ નાસી જઈને કરેલા પ્રેમ લગ્નની અદાવતમાં એક વૃધ્ધની ત્રણ મહિલાએ જાહેરમાં ધોકા મારીને હત્યા કરી નાખેલી તે પ્રકરણમાં મરણ જનાર વૃધ્ધે પોતાના પર જીવલેણ હુમલો થવાની દહેશત સાથે કોડાય પોલીસ અને ભુજમાં એસપીને લેખીતમાં અનેકવાર રજૂઆતો કરીને ચપ્પલ ઘસી નાખેલા પરંતુ પોલીસે કોઈ જ પ્રિવેન્ટીવ એક્શન લીધા નહોતાં અને આખરે તે વૃધ્ધને જીવ ગુમાવવાનો વારો આવેલો.
પશ્ચિમ કચ્છમાં વ્યાપ્ત દારૂ જુગારના કારોબારના એક પછી એક ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યાં છે, છતાં ગુજરાતના ડીજીપી કે ગૃહ વિભાગના પેટનું પાણી હલતું નથી તે બાબત અત્યંત નિંદનીય અને નિરાશાજનક છે.
Share it on
|