click here to go to advertiser's link
Visitors :  
24-Aug-2026, Monday
Home -> Bhuj -> No Chargesheet in Time Lower Court Grants Default Bail to 4 Accused
Sunday, 23-Aug-2026 - Bhuj 1033 views
નિયત સમયમાં ચાર્જશીટ દાખલ ના થતાં કૉર્ટે ૪ આરોપીને ડિફોલ્ટ બેઈલ પર છોડી મૂક્યાં!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોઈ ગુનામાં આરોપીની ધરપકડ થાય તો કાયદાની જોગવાઈ મુજબ આરોપી સામે તપાસ કરી, ઉપલબ્ધ પુરાવા સાથે ૬૦ અથવા ૯૦ દિવસની સમયમર્યાદામાં કૉર્ટમાં ચાર્જશીટ રજૂ કરવી ફરજિયાત છે. જો સમયમર્યાદામાં ચાર્જશીટ એટલે તહોમતનામું રજૂ ના થાય તો જે-તે આરોપી સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જામીન મેળવવા હક્કદાર બને છે અને અદાલતે પણ તેને છોડવો પડે છે.

આત્મહત્યા માટે યુવકને મજબૂર કરવાના ગુનામાં પકડાયેલાં ૪ આરોપી સામે પોલીસે નિયત ૬૦ દિવસની સમયમર્યાદામાં ચાર્જશીટ ફાઈલ ના કરતાં ચારે જણને ૬૨મા દિવસે ભુજના જ્યુ. મેજિસ્ટ્રેટએ ડિફોલ્ટ બેઈલ પર મુક્ત કર્યાં છે.

જાણો શો હતો એ કેસ

ભુજના ભીરંડિયારા નજીક ભંડારીવાંઢના ૨૩ વર્ષિય રઝાક વલીમામદ રાયશીએ ૧૧-૧૨ જૂનની રાત્રે વીજ થાંભલા પર ફાંસો બનાવી આત્મહત્યા કરી લીધી હતી. મરતાં અગાઉ રઝાકે લખેલી સ્યુસાઈડ નોટ તેના તકિયા નીચેથી મળી આવેલી.

નજીકના સંબંધીની દીકરી જોડે રઝાકને પ્રેમ હતો. એપ્રિલમાં યુવતીને ભગાડીને બાડમેર લઈ ગયેલો. અહીં બેઉ જણે પહેલાં મૈત્રીકરાર અને બાદમાં નિકાહ કરી લીધેલાં. સામાજિક રીતે નિકાહ કરાવવાનું વચન આપીને સંબંધીઓ બેઉને મનાવીને પરત કચ્છ લઈ આવેલાં.

કચ્છ આવ્યાં બાદ સંબંધીઓના કહેવાથી યુવતીએ રઝાક સામે જ આદિપુરમાં બળાત્કારની ફરિયાદ નોંધાવેલી. આ ગુનામાં રઝાકની ધરપકડ થયેલી અને તે દરમિયાન યુવતીની ભંડારી વાંઢના અન્ય યુવક સાથે શાદી કરાવી દેવાયેલી. એટલું જ નહીં, આરોપીઓ રઝાકને મારી નાખવાની ધમકી આપતાં હતા. કંટાળીને રઝાકે આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસે રઝાકને મરવા મજબૂર કરવા સબબ પાંચ જણ સામે ધોરડો પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૮ હેઠળ ગુનો દાખલ થયેલો.

પોલીસે ૧૫-૦૬-૨૦૨૬ની સાંજે જામીન સુમાર રાયશી, ઈશાક સુમાર રાયશી, ગુલાબી દરીયા રાયશી અને દરીયા ગુલાબી રાયશીની ધરપકડ કરી બીજા દિવસે કૉર્ટમાં રજૂ કરતાં કૉર્ટે તેમને ન્યાયિક હિરાસતમાં મોકલી આપેલાં. પોલીસે નિયત ૬૦ દિવસમાં ચાર્જશીટ દાખલ ના કરતાં ચારેય જણે નીચલી અદાલતમાં ડિફોલ્ટ બેઈલ માટે અરજી કરેલી.

કૉર્ટે કહ્યું ડિફોલ્ટ બેઈલ આરોપીનો અધિકાર છે

પ્રોસિક્યુશન તરફે સરકારી વકીલે રજૂઆત કરેલી કે આ ગુનામાં ચાર્જશીટની સમયમર્યાદા ૯૦ દિવસ સુધીની છે, તેથી અરજી ટકવાપાત્ર નથી. પરંતુ કૉર્ટે બચાવ પક્ષના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને ઠેરવ્યું કે ગુનામાં મહત્તમ દસ વર્ષની કેદની સજા અને દંડની જોગવાઈ છે. આજીવન કેદ અથવા ફાંસીની સજાને પાત્ર ગુનો હોય તો જ ચાર્જશીટની સમયમર્યાદા ૯૦ દિવસ સુધીની મળે. આજે ૬૨મો દિવસ છે અને ચાર્જશીટ રજૂ થઈ નથી. આરોપીઓને ડિફોલ્ટ બેઈલ મેળવવાનો અધિકાર છે તેમ જણાવી કૉર્ટે કેસના ગુણદોષમાં પડ્યાં વગર ચારેને BNSS ૧૮૭ (૩) હેઠળ જામીન મુક્ત કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સેશન્સ કૉર્ટે ચારે આરોપીની નિયમિત જામીન અરજી ફગાવી દીધી હતી.

તપાસકર્તા અમલદાર પર તોળાતી તલવાર

એડિશનલ JMFC એમ.આર. જૈને આ હુકમની એક નકલ DSP ઑફિસને મોકલવા જણાવ્યું છે. સામાન્ય રીતે, નિયત સમયમર્યાદામાં ચાર્જશીટ દાખલ ના થાય તો સંબંધિત તપાસકર્તા અમલદાર સામે ખાતાકીય પગલાં લેવાતાં હોય છે. ૨૩.૫૯ લાખના કોકેઈન સાથે ઝડપાયેલાં એક આરોપીને મે ૨૦૨૪માં ગાંધીધામ સેશન્સ કૉર્ટે ડિફોલ્ટ બેઈલ પર છોડી મૂક્યો હતો. તે કેસમાં તત્કાલિન મહિલા પીઆઈ હિના હુંબલને એસપીએ સસ્પેન્ડ કરેલાં. દરમિયાન આ કેસના તપાસકર્તા મહિલા પીઆઈ તેજલ ડી. ચુડાસમાએ કચ્છખબરને જણાવ્યું કે અમે તો ૫૬ દિવસમાં જ કૉર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરેલી, કદાચ તેના નંબર પડ્યાં નહીં હોય.

Share it on
   

Recent News  
દુબઈની કંપનીએ ૧.૩૭ કરોડના બાસમતી ચોખા ખરીદીને ભારતીય કંપનીને ચૂનો ચોપડ્યો
 
ડ્રાઈવીંગ સાથે ડ્રગ્ઝનો કારોબાર! SOGએ ૩૭ લાખના હેરોઈન સાથે પંજાબી યુવક ઝડપ્યો
 
જાતિના આધાર પર દ્વેષ રાખીને કચ્છ યુનિ.માં કરાયું એવું હલકું કામ કે FIR નોંધાઈ