click here to go to advertiser's link
Visitors :  
13-Sep-2026, Sunday
Home -> Gandhidham -> Ganja Gains Gone East Kutch Police Flatten Local Drug Paddler Pintu
Thursday, 06-Aug-2026 - Gandhidham 26319 views
ગાંજાની કમાણીથી વસાવેલી મિલકતો જપ્તઃ પૂર્વ કચ્છ પોલીસે પિન્ટુને રસ્તે લાવી દીધો!
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંજાની હેરાફેરી અને વેચાણમાંથી વાહનો મકાન વસાવનારા એક આરોપીની સંપત્તિ જપ્ત કરીને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે તેને રીતસરનો ‘રસ્તે લાવી દીધો’ છે. આરોપી હાલ એક ડ્રગ્ઝ કેસમાં ગળપાદર જેલમાં કેદ છે. કાયદાનો ડર રાખ્યા વગર વારંવાર ડ્રગ્ઝનો કારોબાર કરતા રીઢા આરોપીઓ માટે પૂર્વ કચ્છ પોલીસની આ પહેલ ચેતવણીરૂપ છે.
૧૪ લાખના ગાંજા સાથે પકડાયો ને IG SPની ‘નજરે’ ચઢ્યો

વરસામેડીમાં રહેતો પિન્ટુ વેદાનંદ ઊર્ફે બેદાનંદ યાદવ મૂળ બિહારનો વતની છે. ૨૦૧૯માં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે તેની વિરુધ્ધ ગાંજાના વેચાણ અંગે બે ગુના અને ૨૦૨૨માં અંજાર પોલીસ મથકે એક ગુનો નોંધાયેલો. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ પોલીસે પિન્ટુ યાદવને ૧૪ લાખ ૬ હજારની કિંમતના ૧૪૦ કિલો ૬૦૦ ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડેલો. કાયદાની નજરે આ જથ્થો ‘કૉમર્સિયલ ક્વૉન્ટિટી’ ગણાય છે. પરિણામે, પિન્ટુ રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારની નજરે બરોબરનો ચઢી ગયો હતો.

૨૦૨૦માં પિન્ટુ ‘પીટ’ તળે પણ ફીટ થયેલો

અસામાજિક પ્રવૃત્તિઓ કરતા આરોપીઓ સામે જેમ ‘પાસા’ હેઠળ કાર્યવાહી કરાય છે તેમ માદક દ્રવ્યોના વેચાણ, પરિવહન, સંગ્રહ સાથે સંકળાયેલાં આરોપીઓને ‘પીટ (પ્રિવેન્શન ઑફ ઈલ્લીસીટ ટ્રાફિકીંગ)’ હેઠળ જેલહવાલે ધકેલાય છે. ૨૦૨૦માં પિન્ટુ યાદવ ‘પીટ’ તળે જૂનાગઢ જેલ ધકેલાયો હતો.

NDPS Act તળે સંપત્તિ સીઝ કરી સકંજો કસ્યો

જેલમાંથી બહાર આવ્યા બાદ પિન્ટુ ફરી ગાંજાનો જ ધંધો કરવા મંડી પડતો. જેથી વડા અધિકારીઓએ પિન્ટુ પર સંકજો કસવા SAFEMA (સ્મગલર એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર) Act/ NDPSA તળે સંપત્તિ સીઝ કરવા નક્કી કર્યું હતું. NDPS Actની કલમો તળે માદક દ્રવ્યોના કારોબારમાંથી આરોપીએ વસાવેલી સંપત્તિ પણ સીઝ કરવાની જોગવાઈ છે.

SOGએ પિન્ટુ યાદવની મિલકતોની યાદી સાથે તેણે આચરેલાં ગુનાઓની યાદી સાથે વિગતવાર દરખાસ્ત તૈયાર કરીને જાન્યુઆરીમાં મુંબઈસ્થિત SAFEMA/ NDPSAના સક્ષમ પ્રાધિકરણ સમક્ષ મિલકત જપ્તીની મંજૂરી મેળવવા રજૂઆત કરી હતી.

મુંબઈમાં આ અંગે સુનાવણી હાથ ધરાયેલી અને આરોપી પિન્ટુ યાદવને પણ તેણે વસાવેલી મિલકતો કાયદેસરના સ્ત્રોતની કમાણીમાંથી વસાવેલી હોવા અંગે જરૂરી આધાર પુરાવા રજૂ કરવાની તક અપાઈ હતી. પરંતુ, આરોપી પોતાની મિલકત કાયદેસરના સ્ત્રોતમાંથી વસાવેલી હોવાનું સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો.

મકાન વાહનો મળી ૨૧.૩૧ લાખની મિલકત જપ્ત

મિલકત જપ્તીનો હુકમ મળ્યાં બાદ SOGએ પિન્ટુ યાદવે તેની પત્ની ઉષાના નામે વરસામેડીમાં ખરીદેલું ૬૪ વારનું ૧૫ લાખનું રહેણાક મકાન, પિન્ટુના નામની રેનોલ્ટ કંપનીની ૬.૨૫ લાખની કાર અને બે દ્વિચક્રી વાહનો મળી કુલ ૨૧.૩૧ લાખની મિલકત જપ્ત કરી છે.

૩ વર્ષમાં પહેલીવાર ગુજરાતના જિલ્લા યુનિટની પહેલ

ગુજરાતમાં સામાન્યતઃ આ પ્રકારની કાર્યવાહી ATS અને NCB જેવી એજન્સીઓ કરે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં પહેલીવાર કોઈ જિલ્લા પોલીસના યુનિટે આ કાર્યવાહી કરીને ડ્રગ્ઝના દૂષણ સામેની લડાઈમાં રહેલાં દ્રઢ સંકલ્પનો પરિચય આપ્યો છે. આઈજી, એસપીના માર્ગદર્શન હેઠળ આ સફળ કામગીરીમાં SOGના પૂર્વ પીઆઈ ડી.ડી. ઝાલા અને હાલના પીઆઈ બી.વી. બોરીસાગર સાથે SOG સ્ટાફે  કચ્છ મુંબઈ વચ્ચે ધક્કા ખાવા સાથે જરૂરી ફિલ્ડ અને પેપર વર્ક કર્યું હતું.

Share it on
   

Recent News  
કંડલા OTB નજીક કોલસો ભરેલું વિશાળ જહાજ અન્ય શિપ સાથે ટકરાઈને જળસમાધિના આરે
 
કંડલામાં એ મજૂરનું મોત રોડ અકસ્માતમાં નહીં પણ ૩૦ ફૂટ ઉપરથી નીચે પડવાથી થયેલું
 
‘સિંઘમ સ્ટાઈલ’માં ખનિજ ચોરી પર રેઈડ કરવા નીકળેલાં IAS ખરેખર પથરાં ખાતાં બચ્યાં?