કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ વાગડને અડીને આવેલા કચ્છના નાના રણમાં મીઠું પકવવા માટે ગેરકાયદે સરકારી જમીન વાળી લેવાની પ્રવૃત્તિએ લાંબા સમયથી હિંસક ગુનાખોરીને જન્મ આપ્યો છે. આજે ભચાઉના શિકારપુરની હદના નાના રણમાં સરકારી જમીન પર હક્ક કબજો જમાવવા મુદ્દે બે જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે હિંસક ધિંગાણું ખેલાયું છે. ધિંગાણા દરમિયાન વૈભવી કારના કાફલા સાથે આવેલા માફિયાઓના એક જૂથે ટોળાં પર ફાયરીંગ કર્યું હતું. હિંસક ગેંગવૉરમાં ચાર લોકોને ઈજા પહોંચી છે, જેમાંથી દિનેશ કોલી નામના એક યુવકના માથામાં ગોળી વાગતાં ગંભીર હાલતમાં તેને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડાયો છે. અન્ય ત્રણ લોકોને સામખિયાળી સહિતની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એક જૂથે મીઠું પકવવા માટે ગેરકાયદે વાળેલી જમીન પર કબજો જમાવા બીજું જૂથ હિંસક હથિયારો સાથે આવ્યું હતું. બંને પક્ષે લગભગ બસ્સોથી અઢીસો લોકો વચ્ચે ધિંગાણું ખેલાયું હતું.
ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં કાનમેર નજીક આ જ કારણોસર હિંસક અથડામણ સર્જાઈ હતી. મોટાભાગના આરોપીઓ પણ તેમાંના જ છે. વન વિભાગ હસ્તકની જમીન પર મીઠું પકવવા ચાલી રહેલી હિંસક અથડામણ પાછળ ગાંધીધામ બાજુ રહેતાં યુવા રાજકીય નેતાનું પ્રોત્સાહન હોવાની ચર્ચા છે. જેથી જે વૈભવી કારના કાફલા લઈને માફિયાઓ આવે છે તેવી વિવિધ કાર પકડવામાં આવતી નથી અથવા તેમાં ઊંડા ઉતરી તપાસ કરાતી નથી.
કચ્છના ઉદ્યોગજગતમાં દલાલ તરીકે જાણીતા આ યુવા નેતાના ઉપર સુધી છેડા અડતાં હોઈ માફિયાઓ સામે ચોપડા પર કાર્યવાહી કરી કામગીરી કર્યાનો ‘હર્ષ’ માની લેવાય છે.
જેનું કામ આ બધુ જોવાનું છે તે ખાતું જ આવો ફાલતું ‘હર્ષ’ માની લેતું હોઈ કચ્છના મોટા રણમાં મીઠા માટે ભાડાપટ્ટે જમીનો મેળવવાથી લઈ નાના રણમાં વન વિભાગની જમીનો પચાવવા માટે પર આ પ્રકારની હિંસક ગેંગવોર અવારનવાર થતી રહે છે.
Share it on
|