કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના સોની બજારમાં આવેલી SBI બેન્કના નાણાં જમા અને ઉપાડ કરવાના મશીનના કેબલ સાથે ચેડાં કરીને ત્રણ અજાણ્યા યુવકોએ બેન્કને ૪.૬૯ લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. જમા અને ઉપાડ થયેલા નાણાંની રકમનો તફાવત ધ્યાને આવતા બેન્કે સીસીટીવી કેમેરા ચેક કરતા ચોર ત્રિપુટીનું કારનામું બહાર આવ્યું છે. બ્રાન્ચ મેનેજર કમલેશ લંબોદરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમની શાખાની પ્રિમાઈસીસમાં ઑટોમેટેડ ડિપોઝીટ કમ વિડ્રૉઅલ મશિન (ADWM) રાખેલું છે. ૧૯ સપ્ટેમ્બરના રોજ રીજનલ કચેરીએ ADWM મશિનની કૅશના હિસાબમાં ૪.૬૯ લાખ રૂપિયા ઓછાં હોવાની જાણ કરેલી.
જેથી ફરિયાદીએ કૅશ ઈન્ચાર્જ સાથે એટીએમ ટ્રાન્ઝેક્શનની વિગતો ચેક કરતા ૧૧થી ૧૪ સપ્ટેમ્બરના રોજ જુદાં જુદાં ૭ બેન્ક ખાતાના એટીએમથી વધુ પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયાં હોવાનું બહાર આવ્યું હતું.
ત્યારબાદ મશિન પાસે રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં આ દિવસો દરમિયાન ૩૦થી ૩૫ વર્ષના ત્રણ યુવકો આ ટ્રાન્ઝેક્શન કર્યાં હોવાનું સ્પષ્ટ થયેલું.
૧૪ સપ્ટેમ્બરે એકસાથે ૩.૯૯ લાખ વિડ્રૉ કરેલા
આ ત્રિપુટી ૧૧, ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે બેન્કના આ મશિન પર રોજ બે-ત્રણ વખત ટ્રાન્ઝેક્શન કરીને થોડાં થોડાં રૂપિયા ઉપાડેલાં અને ૧૪ સપ્ટેમ્બરે એકસાથે ૪૦ વખત ટ્રાન્ઝેક્શન કરીને ૩.૯૯ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. મશિનના ડેટા કેબલ સાથે ચેડાં કરીને ઉપાડવામાં આવતા નાણાં ખાતામાં ડેબિટ ના દેખાય તે રીતે ઉપાડી લેવાયા હતા. ઘટના અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Share it on
|