કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ૨૦૨૩માં કંડલા સેઝમાં કસ્ટમે જપ્ત કરેલાં કરોડોની કિંમતના કાળાં મરીનો માલ છોડાવવા માટે નકલી બેન્ક ગેરન્ટી રજૂ કરનાર દિલ્હીની કંપનીના ભાગીદાર ને મુખ્ય આરોપીની આગોતરા જામીન અરજી ગાંધીધામ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. દિલ્હીની કથબર્ટ વિન LLPના પાર્ટનર સમીર કિશોરકમલ અરોરા સામે ગત ૨૮-૦૩-૨૦૨૫ના રોજ કંડલા સેઝસ્થિત કસ્ટમ એસેસમેન્ટ ઑફિસરે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફોર્જરીની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. જાણો, શો છે આખો મામલો
સમીરની પેઢીએ ફેબ્રુઆરી ૨૦૨૩માં એ ટૂ ઝેડ ગલ્ફ જનરલ ટ્રેડિંગ કંપની પાસેથી કાળાં મરીનો જથ્થો ઈમ્પોર્ટ કર્યો હતો.
માલ દુબઈનો હોવા છતાં સમીરની પેઢીએ તેમાં ‘કન્ટ્રી ઑફ ઓરીજીન’ તરીકે અફઘાનિસ્તાનનું નામ દર્શાવ્યું હતું.
કંડલા સેઝમાં આવેલા મેસર્સ આદિત્ય એક્સપોર્ટસના વેરહાઉસમાં મરીનો જથ્થો સ્ટોર કરાયો હતો. કૌભાંડની ગંધ લુધિયાણામાં બેસેલાં ડીઆરઆઈ અધિકારીઓને આવી જતાં તેમણે એપ્રિલમાં કંડલા સેઝમાં ત્રાટકીને વેરહાઉસમાં રહેલો મરીનો જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરી હતી.
ત્યારબાદ, ગલ્ફ જનરલ ટ્રેડિંગ કંપનીએ જપ્ત થયેલો મરીનો જથ્થો છોડાવીને, તેને ભારતની સ્થાનિક બજાર (ડોમેસ્ટિક ટેરીફ એરિયા)માં વેચવા દેવા માટે ગુજરાત હાઈકૉર્ટમાં અરજી કરેલી.
હાઈકૉર્ટે ૧૮-૧૦-૨૦૨૩ના રોજ ડીફરન્શિયલ ડ્યુટીની ત્રીસ ટકા રકમની ત્રણ બેન્ક ગેરન્ટી કસ્ટમમાં રજૂ કરવાની શરતે મરીનો જથ્થો મુક્ત કરવા હુકમ કર્યો હતો.
બીજીવાર કસ્ટમની આંખમાં ધૂળ નાખવા પ્રયાસ કરાયેલો
કૉર્ટના હુકમના દસ માસ બાદ સમીર અરોરાએ કંડલા સેઝ સમક્ષ મુંબઈની બેન્ક ઑફ બરોડાએ જારી કરેલી ત્રણ બેન્ક ગેરન્ટીના લેટર/ બોન્ડ કસ્ટમ ઑફિસમાં રજૂ કર્યાં હતાં. બેન્ક ગેરન્ટી સમીરના નામે જારી કરાયેલી હતી. દિલ્હીના એડવોકેટ કમ નોટરી રાજકુમારે તેને સાચી હોવા તરીકે પ્રમાણિત કરેલી,
હાઈકૉર્ટના હુકમ મુજબ ૭૬ લાખ, ૭૫ લાખ અને ૧ કરોડ ૧૨.૫૦ લાખની ત્રણ બેન્ક ગેરન્ટી રજૂ કરાઈ હતી.
કંડલા કસ્ટમે તે જ દિવસે ત્રણે બેન્ક ગેરન્ટી અંગે મુંબઈની બેન્ક ઑફ બરોડામાં ખરાઈ કરતાં બેન્ક મેનેજરે જણાવ્યું હતું કે તેમની બેન્કે સમીર અરોરાના નામે આવી કોઈ બેન્ક ગેરન્ટી જ જારી કરી નથી.
દિલ્હીના નોટરી રાજકુમારે પણ તેના નામની સહી અને સ્ટેમ્પ ખોટાં હોવાનું જણાવી ખુલાસો કર્યો હતો કે સ્ટેમ્પમાં જે નંબર પ્રિન્ટ થયેલો છે એ નંબર તો હકીકતે તેના નોટરી ઈન્ટરવ્યૂનો રૉલ નંબર છે!
આમ, સમીરે બેન્ક ગેરન્ટીના નકલી કાગળિયા તૈયાર કરીને કસ્ટમની આંખમાં ધૂળ નાખવા પ્રયાસ કરતાં તેની સામે માર્ચ ૨૦૨૫માં ફોજદારી ફરિયાદ નોંધાવાઈ હતી.
કૉર્ટે આમ જણાવી આગોતરા અરજી ફગાવી
નોટરી અને બેન્ક મેનેજરે બેન્ક ગેરન્ટીના દસ્તાવેજો બોગસ હોવાના આપેલા નિવેદનોની નોંધ કરીને આરોપી સામે પ્રથમદર્શનીય ગુનો બનતો હોવાનું, પોલીસ તપાસ ચાલું હોવાનું અને આરોપીનું કસ્ટોડિયલ ઈન્ટરોગેશન જરૂરી હોવાનું જણાવીને ચોથા અધિક સેશન્સ જજ એ.એમ. મેમણે સમીર અરોરાની આગોતરા અરજી ફગાવી દીધી છે.
Share it on
|