કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની પટેલ ચોવીસીના એક ગામમાં રહેતી ૨૨ વર્ષની યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધીને, તેના અભદ્ર ફોટોગ્રાફ વાયરલ કરનાર દહિંસરાના ૪૧ વર્ષિય દિનેશ મુળજીભાઈ અજાણીએ ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. નારાણપર (રાવરી) ગામમાં કોલ્ડ્રીંક્સની દુકાન ચલાવતા દિનેશે તેની દુકાને વસ્તુ ખરીદવા આવેલી યુવતી જ્યારે સગીર હતી ત્યારે તેની સાથે બળજબરી શારીરિક સંબંધ બાંધીને મોબાઈલમાં અશ્લીલ ફોટોગ્રાફ પાડી લીધાં હતાં. પુખ્ત વયની થયાં બાદ યુવતીએ બીજા યુવક સાથે લગ્ન કરી લેતાં દિનેશે ઉશ્કેરાઈને લગ્નના એકાદ માસ બાદ વિદેશી નંબર પરના વોટસએપ પરથી યુવતીના પતિ, ભાઈ, તેમના મિત્રો સહિત પાંચ જણને તેના નગ્ન ફોટો મોકલ્યાં હતાં.
એટલું જ નહીં, ૧ માર્ચના રોજ યુવતી ગામમાં જતી હતી ત્યારે તેને આંતરીને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા દેવાની બિભત્સ માંગણી કરીને ન્યૂડ ફોટોગ્રાફ સમાજના વોટસએપ ગૃપમાં વાયરલ કરવાની ધમકી આપી હતી. બનાવ અંગે માનકૂવા પોલીસ મથકે ૧૭ માર્ચના રોજ યુવતીએ દિનેશ સામે BNS કલમ ૭૫ (૨), ૭૮ (૧) (i), પોક્સો એક્ટ તથા ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ ૬૬ (e), ૬૭ (A) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ચાર્જશીટ બાદ દિનેશે કરેલી નિયમિત જામીન અરજીને પોક્સો કૉર્ટે ફગાવી દેતાં જણાવ્યું કે આરોપી સામે પ્રથમદર્શનીય રીતે મજબૂત કેસ છે, આરોપી અને સાક્ષીઓના મોબાઈલ ફોનના એફએસએલ અહેવાલ આવવાના બાકી હોઈ કેસની તપાસ પૂરી થઈ ગઈ હોવાનું ના માની શકાય.
ચાર્જશીટ દાખલ થવાથી કેસ નબળો પડતો નથી પરંતુ વધુ મજબૂત બને છે તેવા સુપ્રીમ કૉર્ટે આપેલા એક ચુકાદાના તારણો ટાંકીને વિશેષ પોક્સો જજ જે.એ. ઠક્કરે અરજી ફગાવી દીધી છે.
આરોપીને છોડવાથી સમાજમાં પડનારી અસરો અને ફરિયાદ પક્ષના કેસને નુકસાન થવાની સંભાવના મુદ્દે પણ કૉર્ટે ચિંતા દર્શાવી હતી. આ કેસમાં સરકાર તરફે વિશેષ વકીલ એચ.બી. જાડેજા અને મૂળ ફરિયાદ પક્ષે એડવોકેટ આર.એસ. ગઢવીએ દલીલો કરી હતી.
કેમ્પ એરિયાના હત્યા કેસમાં આરોપીને જામીનનો ઈન્કાર
નાણાંની ઉઘરાણી મુદ્દે ગત ૨૧ ફેબ્રુઆરીની રાત્રે ભુજના કેમ્પ એરિયામાં રહેતા જાકબ અબ્દુલ્લા બકાલી (સમા)ની છરી મારી હત્યા કરી દેનારા આવેશ ફારુક તુરીયા નામના ૨૬ વર્ષિય આરોપીએ ચાર્જશીટ બાદ દાખલ કરેલી જામીન અરજી સેશન્સ કૉર્ટે નામંજૂર કરી દીધી છે. ગુનાની ગંભીરતા સાથે આરોપીની પ્રથમદર્શનીય સંડોવણી, ગુનાને નજરે જોનાર સાક્ષીઓની જુબાની, લોહીના નમૂનાના મેચિંગના પુરાવા, ગુનામાં સજાની જોગવાઈ મૃત્યુદંડ યા આજીવન કેદની સજાને પાત્ર હોઈ તેની ગંભીરતાને અનુલક્ષીને સેશન્સ જજ અંબરિષ એલ. વ્યાસે અરજી ફગાવી દીધી છે. આ કેસમાં સરકાર પક્ષે એડવોકેટ સુરેશ એ. મહેશ્વરીએ દલીલો કરી હતી.
Share it on
|