click here to go to advertiser's link
Visitors :  
29-May-2025, Thursday
Home -> Bhuj -> Bhuj POCSO Court sentenced 20 year rigorous prison to rape convict
Tuesday, 27-May-2025 - Bhuj 6527 views
બાળકીનો વીડિયો ઉતારી વારંવાર બળાત્કારઃ કૉર્ટે ગુનેગારને ફટકારી ૨૦ વર્ષની કેદ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સગીર વયની બાળકી પર અસંખ્યવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં ભુજની વિશેષ પોક્સો કૉર્ટે નખત્રાણાના સુરલભીટ્ટ વિસ્તારમાં રહેતા મોહન રતનશી કોલી નામના ૨૭ વર્ષિય યુવકને ૨૦ વર્ષની સખ્ત કેદ સાથે ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. ગુનાનો ભોગ બનનારી બાળકી ૧૪ વર્ષની હતી ત્યારથી ત્રણ સંતાનના પિતા એવા મોહને તેના પર નજર બગાડવાનું શરૂ કરી દીધેલું. દીકરી એકવાર ઘરે એકલી હતી ત્યારે મોહને બળજબરીપૂર્વક તેને દબોચી લઈને ચુંબન કરતી સેલ્ફી પાડી લીધી હતી.

ત્યારબાદ આ ફોટો વાયરલ કરવાની બીક બતાડતો હતો.

થોડાંક સમય બાદ દારૂ પીધેલી હાલતમાં મોહને ફરી એકવાર દસમા ધોરણમાં ભણતી દીકરીની એકલતાનો ગેરલાભ લઈ તેના ઘરમાં ઘૂસી જઈને બળાત્કાર ગુજાર્યો હતો. તે સમયે પણ અશ્લીલ વીડિયો ક્લિપ રેકોર્ડીંગ કરી લીધી હતી.

દીકરી ધોરણ ૧૧ અને ૧૨મા પોતાના ગામથી બીજા ગામની હાઈસ્કુલમાં ભણવા જતી હતી ત્યારે મોહન અવારનવાર તેને બળજબરીથી ગામના સીમાડે બાવળોની ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ કરતો હતો.

ઉંમરલાયક થયા બાદ ભોગ બનનારે તેની સાથે કોઈ સંબંધ ના રાખવા નિર્ણય કરેલો પરંતુ બે દીકરી અને એક દીકરાનો બાપ એવો મોહન તેને ઈમોશનલ બ્લેકમેઈલ કરતો.

જો તું મને મળવા નહીં આવે તો હું મરી જઈશ અને તારા લીધે મર્યો છે તેવો વીડિયો રેકોર્ડ કરતો જઈશ કહીને સતત પીડિતાને પોતાના તાબે કરતો હતો.

જૂલાઈ ૨૦૨૪માં ભુજથી અપહરણ કરેલું

ગત જૂલાઈ ૨૦૨૪ના પીડિતા તેના ભાઈ સાથે એસટી બસમાંથી ભુજ બસ સ્ટેશનમાં ઉતરેલી. ભાઈ બાથરુમ કરવા ગયો તે સમયે મોહન ત્યાં આવી પીડિતાને મુંદરા લઈ ગયો હતો. ત્યાંથી દ્વારકા લઈ ગયેલો અને રસ્તામાં લક્ઝરી બસમાં પરાણે શારીરિક સંબંધ બાંધ્યો હતો. પીડિતાના પરિવારે ભુજ એ ડિવિઝન પોલીસને જાણ કરેલી. બંને દ્વારકાથી ઝડપાઈ ગયેલાં. બનાવ અંગે ૦૫-૦૭-૨૦૨૪ના રોજ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે પીડિતાએ મોહન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

૧૧ માસની અંદર કૉર્ટે આપ્યો ચુકાદો

આ ગુનામાં ભોગ બનનારની ગુનાને સમર્થનકારી જુબાની અને તેની સાથે શરીર સંબંધ બંધાયો હોવાના વૈજ્ઞાનિક પુરાવાને અનુલક્ષીને આજે વિશેષ પોક્સો કૉર્ટના જજ જે.એ. ઠક્કરે મોહનને પોક્સો એક્ટની કલમ ૬ હેઠળ ૨૦ વર્ષની સખ્ત કેદની સજા સાથે ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. બીએનએસની કલમ ૩૫૧ (૧) (૨) હેઠળ ૧ વર્ષની કેદ અને પાંચ હજાર દંડ ફટકાર્યો છે. ગુનાનો ભોગ બનનાર દીકરીને કૉર્ટે ૪ લાખ રૂપિયા વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને સૂચના આપી છે. આ ગુનામાં ભુજ એ ડિવિઝનના તત્કાલિન પીઆઈ એ.જી. પરમારે તપાસ કરી હતી. ફરિયાદ પક્ષ તરફે પોક્સો કેસના વિશેષ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી. ગુનો નોંધાયાના ૧૦ માસ અને ૨૨ દિવસમાં કૉર્ટે ચુકાદો આપી દીધો છે.

આવા શિકારીઓથી હરણી જેવી દીકરીઓ બચાવવી જરૂરી

ગુનેગારને સજા ફટકારતી વેળા જજે જણાવ્યું કે પીડિતા દસમા ધોરણમાં આવેલી ત્યારે મોહને તેની પર બળાત્કાર ગુજારેલો અને બારમા ધોરણ સુધી ભણતી હતી ત્યાં સુધી વારંવાર ગુનો આચરેલો. ગુનામાં સખ્ત સજાની જોગવાઈઓની ચર્ચા કરતાં જજે જણાવ્યું કે ગુનાના લીધે પીડિતા બારમા ધોરણ સુધી જ ભણી શકી અને તેના ભવિષ્યને નુકસાન થયું હોવાની હકીકત નકારી શકાતી નથી. એક દીકરીનો વિકાસ અટકી પડેલ છે.

સમાજમાં આ પ્રકારના કિસ્સા બનવાના કારણે માવતરો પોતાની દીકરીઓને નિર્ભય રીતે શાળા કે કામકાજના સ્થળે સગીર દીકરીઓને ઘર બહાર મોકલી શકતાં નથી કારણ કે માવતરના મનમાં આ બાબતનો સતત ડર રહે છે.

જ્યારે આવો એક બનાવ બને છે ત્યારે સમાજની કેટલીક બાળકીઓનો અભ્યાસ અટકી પડે છે. બાળકીઓનું ભાવિ અંધકારમય બને છે. આવા બનાવો અંતે તો સમાજ અને દેશને અસર કરે છે.

ગુનાનો ભોગ બનનાર જેટલી નાની દીકરીઓ જ્યારે સમાજમાં સુંદર હરણીની જેમ હરતી ફરતી હોય છે ત્યારે મોહન જેવા શિકારીઓ દ્વારા તેમનો શિકાર કરવામાં આવતો હોય છે. જેનાથી તેમના કુમળા બાળ માનસને ખૂબ જ ઊંડી અસર થાય છે.

સમાજમાં આ પ્રકારના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે તેથી આ પ્રકારના શિકારીઓને રોકવા જ પડશે નહીંતર નાની કુમળી વયની દીકરીઓ સમાજમાં નિર્ભય રીતે હરી ફરી શકશે નહીં. કૉર્ટે ચાઈલ્ડ વેલફેર કમિટી અને ડિસ્ટ્રીક્ટ ચિલ્ડ્રન પ્રોટેક્શન યુનિટને આ દીકરીનો તત્કાળ સંપર્ક કરી તેનું કાઉન્સેલિંગ કરવા અને જરૂર મુજબની તમામ મદદ માર્ગદર્શન આપવા, આગળ ભણવું હોય તો જરૂરી કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.

Share it on
   

Recent News  
ગાંધીધામ DGGIએ નવતર આર્થિક સ્કેમનો કર્યો પર્દાફાશઃ દિલ્હીના બે શખ્સોની ધરપકડ
 
કચ્છની ૪૦૭ પંચાયતોમાં ૨૨ જૂને ચૂંટણીઃ અનેક ગામોમાં વહીવટદાર રાજનો આવશે અંત
 
SMCએ ભુજમાં બીજીવાર દરોડો પાડી ચાલતી કારમાં ઓનલાઈન સટ્ટો રમાડતાં બુકીને ઝડપ્યો