|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ માદક અને નશાકારક પદાર્થોના સેવન માટે ગુજરાતમાં રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન અને પરફેક્ટ રોલ જેવા ઝેરી રાસાયણિક તત્વોમાંથી બનેલાં પેપરનો ઉપયોગ થાય છે. આ બાબત ધ્યાને આવતાં ગુજરાતના ગૃહ વિભાગે આવા ગોગો પેપરના વેચાણ, સંગ્રહ, વિતરણ અને હેરાફેરી પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રગટ કર્યું છે. પ્રતિબંધ અમલી બન્યાં બાદ પોલીસે આવા ગોગો પેપર વેચનારાં લોકો પર તવાઈ ઉતારવાનું શરૂ કર્યું છે.
ગાંધીધામ શહેરના સેક્ટર નવમાં મોરખીયા ચેમ્બરમાં આવેલી કમલેશ કોલ્ડ્રીંક્સ નામની દુકાનમાં ગોગો પેપર વેચાતાં હોવાની બાતમી મળતાં એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને ૮૧૦ રૂપિયાની કિંમતના ૮૧ નંગ ગોગો થ્રી પેપર અને ૬૯૦ રૂપિયાના મૂલ્યના ૪૬ નંગ ગોગો રોલીંગ કોન જપ્ત કર્યાં છે.
દુકાનદાર કમલેશ ગોવિંદભાઈ હાલાણી (ઠક્કર) વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
બી ડિવિઝને ત્રણ દુકાનેથી ૬૬૬ નંગ ગોગો પેપર જપ્ત કર્યાં
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે શહેરના સપનાનગર અને ગણેશનગરમાં આવેલી કરિયાણાની બે દુકાનો તથા કચ્છ આર્કેડમાં આવેલી ચાની દુકાનમાંથી ૬૬૬ નંગ ગોગો પેપર અને રોલ જપ્ત કર્યાં છે. પીઆઈ એસ.વી. ગોજીયાના માર્ગદર્શનમાં પોલીસે ભવાનભાઈ કરમશી બારવડીયા (પટેલ) (રહે. સપનાનગર)ની દુકાનમાંથી ૪૪૦૦ની કિંમતના ૪૪૦ નંગ ગોગો પેપર અને રોલ, ગણેશનગરમાં પ્રદીપ રત્નાકરભાઈ પ્રધાનની દુકાનમાંથી ૯૫૦ની કિંમતના ૯૫ નંગ ગોગો પેપર અને રોલ તથા કચ્છ આર્કેડમાં મોહનસિંહ ગણેશસિંહ રાવતની ચાની દુકાનમાંથી ૧૩૧૦ રૂપિયાની કિંમતના ૧3૧ નંગ ગોગો પેપર અને રોલ જપ્ત કરી ત્રણે વિરુધ્ધ જાહેરનામા ભંગ મુજબ ગુનો દાખલ કર્યો છે.
ગોગો પેપરમાં આવા હાનિકારક તત્વો હોય છે
પીઆઈ એમ.ડી. ચૌધરીએ જણાવ્યું કે આવા પેપરમાં ટાઈટેનિયમ ઑક્સાઈડ, પોટેશિયમ નાઈટ્રેટ, આર્ટિફિશિયલ ડાઈસ કેલ્સિય કાર્બોનેટ, ક્લોરનિ બીચ જેવા ઝેરી રાસાયણિક તત્વો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. આગામી દિવસોમાં પોલીસ આવા પેપર વેચતાં લોકો સામે કડક કાર્યવાહી જારી રાખશે.
Share it on
|