કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભંગારની લારીની ફેરી કરવાના બહાને બંધ રહેણાક મકાનોની રેકી કરીને લાગ મળ્યે ચોરી કરી લેતા રીઢા ચોરને ભુજ શહેર એ ડિવિઝન પોલીસે પોણા બે મહિનાની સતત તપાસના અંતે તેના સાગરીત સાથે ઝડપી પાડ્યો છે. ગત ઓક્ટોબર માસના અંતિમ સપ્તાહમાં શહેરના પ્રમુખસ્વામીનગર ખાતે બ્રહ્મસમાજની ભાગવત કથા સપ્તાહનું આયોજન થયેલું. જેમાં દેશભરમાંથી બ્રહ્મસમાજના લોકો ઉમટી પડેલાં.
ભુજના સહજાનંદ પાર્કમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
છત્તીસગઢથી કથાશ્રવણ માટે આવેલા એક પરિવારને આયોજકોએ શહેરના મુંદરા રોડ પર આવેલા સહજાનંદ પાર્કમાં ઉતારો આપ્યો હતો. ૨૯ ઓક્ટોબરની સવારે આ પરિવાર કથાશ્રવણ માટે આવેલો અને રાત્રે ઉતારા પર પરત ફર્યો ત્યારે અજાણ્યો ચોર ૯ તોલા સોનાના ઘરેણાં, ચાંદીની પાતળી ચેઈન, પાયલ અને ૩૦ હજાર રોકડાં રૂપિયા મળી ૨.૬૬ લાખની માલમતા ચોરી ગયો હોવાનું બહાર આવેલું.
બાથરુમની બારીની ગ્રીલ વાટે ચોર મકાનમાં પ્રવેશ્યો હતો.
ચોરીના આ બનાવ અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરેલી. ગહન તપાસ દરમિયાન સીસીટીવીમાં એક શકમંદ શખ્સનો ચહેરો જોવા મળ્યો હતો. તપાસ કરતાં સ્પષ્ટ થયેલું કે આ શકમંદ શખ્સ અંજારના ભગતસિંહ નગર, ગાયત્રી ચોક ખાતે રહેતો હિરા રમેશ વડેચા (દેવીપૂજક) છે. પોલીસે પાકી ઓળખ કર્યા બાદ હિરાને દબોચી લેતાં તેણે સહજાનંદ પાર્કમાં કરેલી ચોરીની કબૂલાત આપી છે.
ભુજમાં કરેલી અન્ય બે ચોરીનો પણ તાગ મળ્યો
ભુજ એ ડિવિઝન પીઆઈ એ.એમ. પટેલે જણાવ્યું કે હિરા સાથે ચોરીમાં બાબુ ઊર્ફે બબુ કેશાભાઈ કુંવરીયા નામનો અન્ય એક સાગરીત પણ સામેલ રહેતો. હિરો ભંગારની લારીની ફેરીના નામે બંધ મકાનોની રેકી કરી ચોરી કરતો. આરોપીઓ પોતાની પાસે મોબાઈલ ફોન રાખતાં નથી. હિરાની પૂછપરછમાં બહાર આવ્યું છે કે ભુજના ત્રિમંદિર સામે આવેલા ગાર્ડન સીટી ફાર્મ હાઉસ બંગ્લૉઝના એક બંધ મકાનમાં પણ તેણે ગત જૂન માસમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરીને દરવાજા તોડીને નુકસાન પહોંચાડેલું. જે અંગે ૨૧ જૂનના રોજ ફરિયાદ દાખલ થયેલી.
બે વર્ષ અગાઉ હિરાએ એસટી વર્કશોપ સામે આવેલા યોગીરાજ પાર્કમાં એક બંધ રહેણાક મકાનના આંગણામાં રહેલા હિંચકાની ૬૦ હજારની કિંમતની પિત્તળની ચાર સાંકળ ચોરી હતી જે અંગે ૦૪-૧૦-૨૦૨૩ના રોજ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
એટલું જ નહીં, તેની સામે વર્તમાન વર્ષમાં રાજકોટના ધોરાજી અને વિંછીયા પોલીસ મથકે પણ બે-બે મળી ચોરીના ચાર ગુના નોંધાયેલાં છે.
ચોરીના ઘરેણાં બેન્કમાં ગીરવે રાખી લોન મેળવેલી
હિરાની પૂછપરછમાં બહાર આવ્યું કે ચોરીનો માલ તેણે ભુજની રામનગરીમાં રહેતા ભરત કમલેશ દેવીપૂજકને વેચવા માટે આપ્યો હતો. પોલીસે ભરતને પકડીને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ચોરીનો માલ તેણે બેન્કમાં ગીરવે રાખીને લોન મેળવી હતી. પોલીસે સોનાના મંગળસૂત્ર, હાર, બુટ્ટી, વીંટી મળી ૫.૧૬ લાખની કિંમતના પાંચ ઘરેણાં રીકવર કર્યાં છે. બાબુ કુંવરીયા હજુ ઝડપાયો નથી. ગુનાના ડિટેક્શનમાં પીઆઈ એ.એમ. પટેલના માર્ગદર્શનમાં પીએસઆઈ આર.જે. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ ભરતજી ઠાકોર, રાજુભા જાડેજા, યુવરાજસિંહ જાડેજા, લાખાભાઈ બાંભવા, કૈલાસભાઈ ચૌધરી, દશરથભાઈ ચૌધરી, મુકેશભાઈ તરાલ વગેરે સ્ટાફ જોડાયો હતો.
Share it on
|