કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ અંદાજે ૯ વર્ષ અગાઉ ૨૦૧૬માં એક અરજદાર પાસે પાંચ હજાર રૂપિયાની લાંચની માંગણી કરનારા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકના તત્કાલિન હેડ કોન્સ્ટેબલ (અનાર્મ્ડ) ફિરોજખાન જુસબખાન પઠાણ વિરુધ્ધ ગુનો દાખલ થયો છે. લાંચની માંગણી અંગે નવ વર્ષથી ચાલતી ગહન તપાસ બાદ ગાંધીધામ એસીબી પોલીસ મથકમાં લાંચની માંગણીનો ગુનો દાખલ થયો છે. આરોપી હેડ કોન્સ્ટેબલ હાલ પંચમહાલ ગોધરા પોલીસ હેડ ક્વાર્ટરમાં તૈનાત છે. ગાંધીધામના ભારતનગરમાં રહેતા મગનભાઈ રામભાઈ સોઢીયાએ ફિરોજખાને ફોન પર કરેલી લાંચની માંગણીની વાતચીતની સીડીના પુરાવા સાથે ૨૩-૦૯-૨૦૧૬ના રોજ એસીબી, અમદાવાદ હેડક્વાર્ટરમાં ફરિયાદ રજૂઆત કરેલી.
ગાડી સળગી જવાના કેસમાં માગી હતી લાંચ
૨૭-૦૮-૨૦૧૬ના રોજ મગનભાઈએ ઘર બહાર પાર્ક કરેલી સ્વિફ્ટ કાર પર જીવંત વીજ વાયર તૂટી પડતાં આગ લાગેલી અને કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ અંગે મગનભાઈએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ અને ફાયર બ્રિગેડને બનાવના દિવસે જાણ કરેલી. બનાવ અંગે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી થઈ હતી અને તપાસ ફિરોજખાનને સોંપાઈ હતી. બનાવ બાદ એફએસએલ અધિકારીએ સ્થળ પર આવીને તપાસ કરી હતી. ત્યારબાદ આરોપી કોન્સ્ટેબલે મગનભાઈને ફોન કરીને એફએસએલ અધિકારીને સેમ્પલ લેવાના બદલે શોર્ટ સર્કિટથી ગાડીમાં આગ લાગેલી તેવો અભિપ્રાય લખી આપવા વિનંતી કરી હોવાનું અને તે બદલ તેમણે દસ હજાર રૂપિયા માગ્યા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, આ તો એમના છે મારા પણ પાંચેક હજાર રૂપિયા જેવું થશે તેમ કહેલું.
વોઈસ સ્પેક્ટોગ્રાફી માટે અસહમતિ દર્શાવેલી
કોન્સ્ટેબલે કરેલી લાંચની માંગણીની વાતચીતનું મગનભાઈએ તેમના મોબાઈલ ફોનમાં રેકોર્ડીંગ કરી લીધેલું અને વાતચીતની સીડી બનાવીને એસીબી મુખ્યમથકે અરજી આપી હતી. જેના આધારે ગાંધીધામ એસીબીને તપાસ કરવા હુકમ થયો હતો. એસીબીએ એફએસએલ અધિકારી શૈલેષ ઠાકરનું નિવેદન લેતા તેમણે પોતે કોઈ લાંચની રકમ માગી હોવાનો ઈન્કાર કર્યો હતો.
એસીબીએ વાતચીતમાં અરજદાર અને આક્ષેપિતનો જ અવાજ છે કે કેમ તે ખરાઈ કરવા બંનેનો વોઈસ સ્પેક્ટોગ્રાફી ટેસ્ટ કરાવવા નક્કી કરેલું પરંતુ કોન્સ્ટેબલે લેખિતમાં આ ટેસ્ટ આપવાની અસહમતિ દર્શાવી હતી.
સીડીમાં કોઈ ચેડાં થયાં ના હોવાનું એફએસએલ રિપોર્ટમાં સ્પષ્ટ થયાં બાદ ગાંધીધામ એસીબી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ લાલજીભાઈ શામળભાઈ ચૌધરીએ આજે ફિરોજખાન વિરુધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૭ મુજબ વિધિવત્ ફરિયાદ દાખલ કરી છે.
Share it on
|