કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની કુખ્યાત તોડબાજ પત્રકાર બેલડી વાજીદ ચાકી અને અલી મામદ ચાકી સામે નિરોણા પોલીસ મથકે ખંડણીની માંગણી કરી પચાસ હજાર રૂપિયા પડાવવા સબબ વધુ એક ફોજદારી ફરિયાદ દાખલ થઈ છે. સુમરાસર જતમાં રહેતા ડમ્પર માલિકના ડમ્પરને અટકાવીને બંને તોડબાજે પચાસ હજાર રૂપિયા વસૂલ્યાં હતા. ભુજના સુમરાસર (જત) ગામના દાઉદ મામદ જતે ફરિયાદમાં જણાવ્યું કે તેની પાસે લોડર અને ડમ્પર છે. નિરોણા નજીક કાયદેસરની લીઝમાંથી લીઝ માલિકની મૌખિક સંમતિથી તે રેતી ખનન કરીને પરિવહન કરતો હતો. સાડા આઠ માસ અગાઉ આ તોડબાજ બેલડીએ નિરોણા નજીક રેતી ભરેલું ડમ્પર અટકાવેલું. ડ્રાઈવરે ફોન પર જાણ કરતા તે સ્થળ પર દોડી આવેલો. વાજીદ અને અલી ચાકીએ તેને ધમકી આપી રૂપિયા માંગેલા.
તમે જે લીઝમાંથી રેતી ઉપાડો છો તેના માલિક બીજા છે અને આ રીતે રેતી ચોરી કરો છો, તમારે ધંધો કરવો હોય તો અમને મહિને પચાસ હજાર રૂપિયા આપવા પડશે, રુપિયા નહીં આપો તો અમારી ખાણ ખનિજ અને પોલીસ ખાતામાં ઓળખાણ છે તમારો ધંધો બંધ કરાવી દઈશું કહીને રૂપિયા માગેલાં.
દાઉદે પોતે કાયદેસરની લીઝમાંથી રેતી ઉપાડે છે કહીને રૂપિયા આપવાનો ઈન્કાર કરી દીધેલો. બનાવના ચાર પાંચ દિવસ બાદ ખાણ ખનિજ વિભાગે દાઉદ જતનું ડમ્પર પકડેલું અને સાડા ત્રણ લાખનો દંડ ફટકાર્યો હતો.
દરોડાના થોડાં દિવસો પછી તોડબાજ બેલડી તેની લીઝ પર ફરી આવીને ધમકી આપેલી કે જોયું ને, અમે તને કહેલું કે ધંધો કરવો હોય તો પચાસ હજાર આપવા પડશે પણ તું માન્યો નહીં, હજુ પણ ધંધો ચાલુ રાખવો હોય તો તારે પચાસ હજાર આપવા પડશે તેમ કહી નાણાં માગેલાં. ડરી ગયેલા દાઉદ જતે બેઉને પચાસ હજાર રૂપિયા આપ્યા હતા.
ત્યારબાદ બેઉ જણ અમે ગમે ત્યારે આવીએ તારે અમને પચાસ હજાર રુપિયા આપવા પડશે કહીને જતા રહેલાં. બનાવ બાદ ફરિયાદીએ ડરના માર્યાં તેનું લોડર વેચી માર્યું હતું. જે-તે સમયે તે બેઉ સામે ફરિયાદ નોંધાવવામાં ડરતો હતો પરંતુ આ બેલડી સામે લોકો ફરિયાદ નોંધાવવા હિંમતભેર આગળ આવતા આજે દાઉદે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|