click here to go to advertiser's link
Visitors :  
19-Jul-2026, Sunday
Home -> Gandhidham -> Gandhidham Police Detects Murder Mystery and Caught Accused From Bihar Read More
Saturday, 18-Jul-2026 - Gandhidham 1507 views
પગ બાંધી, કોથળામાં પેક કરી નાળામાં ફેંકાયેલી લાશના કેસનું પગેરું બિહાર લંબાયું
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામની ભાગોળે શાંતિલાલ ગોડાઉન પાસે રેલવે ટ્રેક નજીક ગટરના વહેતા ગંદા પાણીના નાળામાંથી બંને પગ બાંધેલી હાલતમાં કોથળામાં પેક કરેલી મળી આવેલી યુવકની લાશના બનાવના ભેદ પોલીસે ૧૪ દિવસમાં ઉકેલી દીધો છે. પોલીસે યુવકની હત્યા કરવાના ગુનામાં છેક બિહારના પટણા જિલ્લાના અંતરિયાળ ગામમાં જઈ એક હત્યારાના પકડી લાવી છે. પહેલી નજરે ‘બ્લેન્ક’ જણાતી મર્ડર મિસ્ટરીનો ભેદ બી ડિવિઝન પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે ડિટેક્ટ કરી દીધો છે.
૪થી જૂલાઈએ નાળામાં પડેલા કોથળામાંથી લાશ મળેલી

૪થી જૂલાઈના રોજ પોલીસને બાતમી મળેલી કે શાંતિલાલ ગોડાઉન પાસે આવેલા નાળાના પાણીમાં એક કોથળો પડ્યો છે અને તેમાં કોઈની લાશ છે. પોલીસે સ્થળ પર દોડી જઈને કોથળો બહાર કાઢી ખોલતાં તેમાંથી ફૂલી ગયેલી અને વિકૃત થઈ ગયેલી અજાણ્યા યુવકની લાશ મળી આવેલી. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે સૌપ્રથમ મૃતકના ફોટો સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરી તેની ભાળ મેળવવા પ્રયાસ કરેલો. તે જ દિવસે સાંજે GIDC ઝૂંપડપટ્ટીમાં રહેતો અશોક પરસોત્તમ વડેચા (દેવીપૂજક) સ્વજનો સાથે હોસ્પિટલમાં દોડી આવેલો અને લાશ તેના ૨૬ વર્ષિય નાના ભાઈ પ્રકાશની હોવાનું જાહેર કરેલું.

મૃતક પ્રકાશ બીજી જૂલાઈની બપોરથી ગુમ થયેલો

પ્રકાશની અંતિમવિધિ બાદ અશોકે ૧૦ જૂલાઈના રોજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે ભાઈની હત્યા કરવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. અશોકે પોલીસને જણાવેલું કે તેનો ભાઈ બીજી જૂલાઈના રોજ બપોરે એક વાગ્યે ઘરેથી નીકળી ગયેલો. ત્યારબાદ તેનો કોઈ પત્તો નહોતો. તેનો મોબાઈલ ફોન પણ બંધ થઈ ગયેલો. તેની હત્યા કોણે કરી, કેવી રીતે કરી અને શા માટે કરી તેની કોઈ પ્રાથમિક માહિતી નહોતી.

મૃતક કઈ તરફ ગયેલો તે રૂટ જાણી પોલીસ એક્ટિવ થઈ

પીઆઈ એસ.વી. ગોજીયા અને તેમની ટીમ મર્ડરનો ગુનો ડિટેક્ટ કરવા માટે સૌપ્રથમ સંબંધિત વિસ્તારના કલાકો લાંબા સીસીટીવી ફૂટેજનું નિરીક્ષણ કરેલું. જેમાં મૃતક પ્રકાશ નાળાથી અડધો કિલોમીટર દૂર રેલવે ટ્રેક પાસે આવેલી કાર્ગો ઝૂંપડપટ્ટી તરફ જતો દેખાયેલો.

પોલીસના ડિટેક્શન સ્ટાફે ગુપ્ત રીતે નજર રાખી માહિતી એકઠી કરતાં જાણવા મળેલું કે પ્રકાશ ગાયબ થયો તે સમયની આસપાસ કાર્ગો ઝૂંપડપટ્ટીમાં રહેતા ત્રણ બિહારી યુવકોની એક યુવક સાથે માથાકૂટ થયેલી.

પોલીસે આ ત્રણે બિહારી યુવકોની ભાળ મેળવવા પ્રયાસ કરતા તેમની ઓરડીઓ પર તાળાં લટકતાં જોવા મળેલાં. જેથી ત્રણે જણાં પર પોલીસના રડાર પર આવ્યાં હતાં.

બિહારી વેશ ધારણ કરીને પોલીસે એક શકમંદને પકડ્યો

ટેકનિકલ સર્વેલન્સમાં ત્રણે જણ બિહાર નાસી ગયાં હોવાનું બહાર આવતાં પીએસઆઈ નવઘણ બામ્ભાની આગેવાનીમાં ચાર જણની એક ટીમ તેમને પકડવા માટે બિહારના પટણા જિલ્લાના ભદોર પોલીસ સ્ટેશનની હકુમત હેઠળ આવતા બકમાબિઘા ગામે પહોંચેલી. શકમંદો પોલીસની હાજરીથી સતર્ક ના થઈ જાય તે માટે પોલીસે સ્થાનિક પહેરવેશ ધારણ કરીને રાઉન્ડ મારી વૉચ રાખતી હતી. આખરે ત્રણ પૈકીનો એક શકમંદ ૩૮ વર્ષિય લાલકુમાર મહતો પોલીસના હાથમાં આવી ગયેલો.

મોબાઈલ ચોરીની આશંકામાં પ્રકાશને મારી નાખેલો

લાલકુમારને ગાંધીધામ લઈ આવીને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરતાં તેણે પ્રકાશની હત્યાનો ગુનો કબૂલી લીધો છે. લાલકુમારે જણાવ્યું કે બનાવની બપોરે મૃતક પ્રકાશ શંકાસ્પદ હાલતમાં તેમની ઓરડીઓ આસપાસ ફરતો જોવા મળેલો. પ્રકાશ ચોરી કરવા આવ્યો હોવાની શંકાના આધારે લાલકુમાર અને નજીકમાં રહેતા અન્ય બે જણે તેને પકડીને પૂછપરછ કરેલી.

પ્રકાશના ખિસ્સામાંથી બે મોબાઈલ ફોન મળી આવતા તેમનો શક વધુ ઘેરો બનેલો. બિહારી ત્રિપુટીએ પોલીસની સ્ટાઈલમાં પૂછપરછ કરવા પ્રકાશને મુક્કા-લાતો માર્યાં હતા.

મુઢ મારના લીધે પ્રકાશ બેહોશ થઈ ગયેલો. પ્રકાશ મરી ગયો હોવાનું માનીને ત્રણે જણ ડરી ગયેલાં.

ત્રણે જણ પ્રકાશની લાશના બેઉ પગ બાંધી દઈને, કોથળામાં પેક કરીને રાત્રિના અંધકારના સમયે તેમની ઓરડીઓથી રેલવે ટ્રેક સમાંતર અડધે કિલોમીટર દૂર નાળામાં લાશને ફેંકી આવ્યાં હતા.

લાશનો નિકાલ કર્યાં બાદ ત્રણે જણ ટ્રેન પકડીને બિહાર નાસી આવ્યાં હતા. મુઢ માર માર્યાં બાદ પ્રકાશ ખરેખર મૃત્યુ પામ્યો હતો કે બેહોશ પ્રકાશને મૃત માનીને કોથળામાં પેક કરી નાળામાં ફેંકી દેવાયેલો તેના અંતિમ નિષ્કર્ષ પર પોલીસ હજુ આવી નથી. પોલીસ ફોરેન્સિક ઑટોપ્સીના રિપોર્ટની રાહ જોઈ રહી છે. અન્ય બે ફરાર આરોપીઓ હજુ પકડાયાં નથી.

Share it on
   

Recent News  
લવ જેહાદ અને પોક્સો ગુનામાં અપરાધીને અંતિમ શ્વાસ સુધીનો સખ્ત આજીવન કારાવાસ
 
ભુજમાં મધરાતે બોલેરોની ટક્કરે ટ્રિપલસવારી એક્ટિવાસવાર યુવકનું ગંભીર ઈજાથી મોત
 
૪૦ હજારની લાંચ લઈ ફરાર થયેલા PSIનું આત્મસમર્પણઃ બે દિ’ના રીમાન્ડ બાદ જેલહવાલે