|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં ૪૦ હજારની લાંચ લઈને એન્ટી કરપ્શન બ્યૂરૉની ટીમને થાપ આપી કારમાં નાસી છૂટેલાં વાયોરના PSI ઈન્દ્રવિજયસિંહ ઊર્ફે ઈન્દુભા રાજેન્દ્રસિંહ ગોહિલને ભુજની કૉર્ટે આજે જેલહવાલે કરવા હુકમ કર્યો છે. ACBના છટકાની ગંધ આવી જતા નાસી છૂટેલા ઈન્દુભાએ ૧૪ જૂલાઈના રોજ ACB સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ACBએ તેને કૉર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રીમાન્ડની માંગણી કરતા કૉર્ટે બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં હતા. ACBએ આજે ફરી કૉર્ટમાં રજૂ કરીને વધુ ૪ દિવસના રીમાન્ડની માંગણી કરેલી પરંતુ કૉર્ટે માંગણી ગ્રાહ્ય ના રાખીને આરોપીને જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલી દેવા હુકમ કર્યો છે.
૪૦ હજાર રૂપિયાની રીકવરી નથી થઈ
ACBનો આરોપ છે કે સરકારી પંચોની હાજરીમાં આરોપી PSIએ અરજદારને પોતાની કારમાં બેસાડીને ૪૦ હજારની લાંચ સ્વિકારી હતી. ત્યારબાદ ACB ટ્રેપની ગંધ આવી જતા રૂપિયા લઈને તે ફરાર થઈ ગયો હતો. રીમાન્ડ દરમિયાન PSIએ પોતે કોઈ રૂપિયા મેળવ્યાં ના હોવાનું રટણ કર્યાં કરતા ખાસ રસાયણયુક્ત પાઉડરવાળી ચલણી નોટોની રીકવરી થઈ શકી નથી. ટ્રેપ બાદ આરોપી PSIના ઘર અને બેન્ક લૉકરની જડતી લેવાઈ હતી પરંતુ કંઈ વાંધાજનક મળ્યું નહોતું. ભુજ ACB ઈન્સ્પેક્ટર જે.જે. ચૌધરી ગુનાની તપાસ કરી રહ્યા છે.
Share it on
|