click here to go to advertiser's link
Visitors :  
18-Jul-2026, Saturday
Home -> Bhuj -> Bhuj Court Awards Rigorous LI till last breath to POCSO and Love Jihad convict
Saturday, 18-Jul-2026 - Bhuj 1328 views
લવ જેહાદ અને પોક્સો ગુનામાં અપરાધીને અંતિમ શ્વાસ સુધીનો સખ્ત આજીવન કારાવાસ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છની કિશોરી સાથે મિત્રતા કરી, પોતાનો ધર્મ છૂપાવીને દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન કરવા દબાણ કરીને ગુનો આચરનાર મહારાષ્ટ્રના યુવક જીયાદને ભુજની પોક્સો કૉર્ટે અંતિમ શ્વાસ સુધીની સખ્ત આજીવન કારાવાસ ફટકાર્યો છે. કચ્છમાં લવ જેહાદની કલમો તળે ૨૦૨૪માં નોંધાયેલા આ ગુનામાં પહેલીવાર ભુજની કૉર્ટે આરોપીને અપરાધી ઠેરવી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.
જાણો શો હતો લવ જેહાદનો એ બનાવ

વર્ષોથી પરિવાર સાથે મહારાષ્ટ્રમાં રહેતી મૂળ માંડવીના એક ગામની અનુસૂચિત જાતિની પીડિતા સગીર વયની હતી ત્યારે ફોનમાં ફ્રી ફાયર મેક્સ નામની ગેમ રમતી હતી ત્યારે જીગર નામની આઈડી ધરાવતા પ્લેયરના સંપર્કમાં આવેલી. જીગર નામની આઈડી હકીકતમાં મહારાષ્ટ્રના પુણેના જીયાદ ઊર્ફે સમીર લતીફ શેખ (ઉ.વ. ૨૨)એ બનાવી હતી.

જીયાદે પોતાનો ધર્મ છૂપાવીને પીડિતાને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને, લગ્ન કરવાની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. પીડિતા સાથેના અમુક અશ્લીલ ફોટોગ્રાફ પણ પાડી લીધા હતા.

ત્યારબાદ આ અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને પીડિતાને હેરાન કરવાનું શરૂ કરેલું. જીયાદે ફોટોના આધારે બદનામ કરવાની ધમકી આપી પીડિતા સાથે ફરી વખત દુષ્કર્મ આચરી, તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી પોતાની સાથે નિકાહ કરવાનું દબાણ કરેલું.

પીડિતાએ નિકાહ કરવાનો ઈન્કાર કરીને તેની સાથેના સંબંધો તોડી નાખેલાં. છતાં આરોપીએ સતત તેની પજવણી ચાલું રાખેલી.

જીયાદના ત્રાસથી કંટાળીને પીડિતાને લઈ પરિવાર બે વર્ષથી વતન કચ્છ રહેવા આવી ગયેલો. પીડિતાની એક યુવક સાથે સગાઈ કરેલી. બીજી તરફ, જીયાદે ફેક આઈડી બનાવીને પીડિતાના અશ્લીલ ફોટોગ્રાફ  વાયરલ કરેલાં. જેના લીધે તેની સગાઈ તૂટી ગયેલી. એટલું જ નહીં, સહઆરોપી કાસમ ઓસમાણ હિંગોરજા અને અલ્તાફ જુમા લાખા (બંને રહે. ગોધરા, માંડવી)ની મદદથી ગોધરા આવીને પીડિતાના ઘર અને પરિવારના સભ્યોની રેકી કરી તેમના વિશે માહિતી મેળવવાનું શરૂ કરેલું.

જીયાદના ત્રાસથી ત્રસ્ત યુવતીએ ૧૬-૧૦-૨૦૨૪ના રોજ ભુજમાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જીયાદ શેખ, કાસમ હિંગોરજા અને અલ્તાફ લાખા સામે ફરિયાદ નોંધાવી હતી.

પીઆઈ એલ.પી. બોડાણાએ જીયાદ સહિત ત્રણે વિરુધ્ધ લવ જેહાદના નામથી વધુ ઓળખાતાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ ૨૦૨૧ એક્ટ, પોક્સો એક્ટ, એટ્રોસિટી એક્ટ, આઈટી એક્ટ તથા ઈપીકો કલમ ૩૭૬ (૨) (એન), ૫૦૬ હેઠળ ગુનો દાખલ કરીને મહારાષ્ટ્રમાં રહેલી એક ટીમને સૂચના આપીને તત્કાળ જીયાદની ધરપકડ કરી લીધી હતી.

ગુનાની તપાસ ST/SC સેલના DySP એમ.જે. ક્રિશ્ચિયને કરીને આરોપીઓ વિરુધ્ધ ૪૫ દસ્તાવેજી પુરાવા અને ૧૬ સાક્ષીઓ સાથે પોક્સો કૉર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

આ કેસમાં આજે વિશેષ જજ જે.એ. ઠક્કરે જીયાદને પોક્સો એક્ટની કલમ ૬ અંતર્ગત અંતિમ શ્વાસ સુધીની સખ્ત આજીવન કેદની સજા સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ ૨૦૨૧ની કલમ ૪ હેઠળ ૩ વર્ષની સખ્ત કેદ સાથે ૫૦ હજાર દંડ અને IT Actની કલમ ૬૬ અને ૬૭ હેઠળ ૩ વર્ષની સખ્ત કેદ સાથે ૫૦ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.

કૉર્ટે વસૂલાત થયેલા દંડની રકમ ઉપરાંત ગુનાનો ભોગ બનનાર પીડિતાને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા DLSAને ભલામણ કરી છે. અન્ય બે સહઆરોપીને કૉર્ટે નિર્દોષ ઠેરવી છોડી દીધા છે.

આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને સાક્ષીઓ તપાસી દલીલો કરી હતી.

કચ્છમાં લવ જેહાદના કેસમાં પહેલીવાર આરોપીને સજા

કચ્છમાં લવ જેહાદના કેસમાં પહેલીવાર કૉર્ટે આરોપીને દોષી ઠેરવ્યો છે. ગુજરાતમાં ૨૦૨૧માં નવો સુધારા અધિનિયમ અમલી બન્યો તેના એકાદ વર્ષ બાદ કચ્છમાં પ્રથમ કેસ ૧૬-૦૬-૨૦૨૨ના રોજ દયાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. ગુનાની તપાસના સપ્તાહ બાદ આરોપી બે સગાં ભાઈ સામે લવ જેહાદના કાયદાની કલમ ઉમેરાઈ હતી. જો કે, કૉર્ટે બેઉને નિર્દોષ જાહેર કર્યાં હતા.

Share it on
   

Recent News  
ભુજમાં મધરાતે બોલેરોની ટક્કરે ટ્રિપલસવારી એક્ટિવાસવાર યુવકનું ગંભીર ઈજાથી મોત
 
૪૦ હજારની લાંચ લઈ ફરાર થયેલા PSIનું આત્મસમર્પણઃ બે દિ’ના રીમાન્ડ બાદ જેલહવાલે
 
વરસામેડીના જમીન મામલામાં હવે ભત્રીજાએ કાકા સહિત બે સામે ફોર્જરીની નોંધાવી ફરિયાદ