કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ જામનગરના જોડીયા તાલુકાના બાલંભા ગામના સરપંચની હત્યાના ગુનામાં અઢી વર્ષ અગાઉ જેલમાંથી પેરોલ પર બહાર નીકળી ફરાર થઈ ગયેલો રીઢો આરોપી દેશી પિસ્તોલ સાથે ગાંધીધામમાં ઝડપાયો છે. પોલીસ પૂછપરછમાં આ યુવકે અગાઉ અંજાર, ગાંધીધામ, આદિપુર અને મોરબીમાં કરેલી ઘરફોડ અને વાહન ચોરીના ૬ ગુનાનો ભેદ ઉકેલાયો છે. શનિવારે રાત્રે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે મીઠીરોહર ગામેથી ચોરાયેલી સફેદ રંગની એક્સેસ મોપેડ લઈને એક યુવક કંડલાથી ગાંધીધામ તરફ આવી રહ્યો છે. પોલીસે હાઈવે પર વૉચ રાખીને આ યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડેલા ૨૪ વર્ષિય અસગર ઊર્ફે બાલંભો હુસેન કમોરાની ભેઠમાંથી જીવતાં કારતૂસ સાથે દેશી પિસ્તોલ અને સોના ચાંદીના કેટલાંક ઘરેણાં મળી આવ્યા હતા.
જોડીયામાં ઉપસરપંચની બંદુકના ભડાકે હત્યા કરેલી
અસગર સહિત ચાર જણે ૦૨-૦૫-૨૦૨૧ના રોજ જોડીયાના બાલંભા ગામે ઉપસરપંચ કાન્તિલાલ રામજીભાઈ માલવિયાની લીઝની ઑફિસમાં જઈ તલવાર, ધારિયા અને બંદૂકો વડે ફાયરીંગ કરી સ્થળ પર હત્યા કરેલી. હત્યાના બે દિવસ અગાઉ અસગર અને તેના સાગરીત અયુબ જસરાયાએ કાન્તિલાલની ઑફિસે જઈ રેતીની લીઝ ચલાવવી હોય તો અમને પૈસા આપવા પડશે તેમ કહી ખંડણી માંગી હતી.
આ ગુનામાં પકડાયેલો અસગર અઢી વર્ષ અગાઉ જામનગર જેલમાંથી પેરોલ પર બહાર આવી ૧૦-૦૧-૨૦૨૨ના રોજ ફરાર થઈ ગયેલો.
અસગર સામે ૨૦૧૩થી જામનગર શહેર, અંજાર, ગાંધીધામ, મોરબી, જોડીયા પોલીસ સ્ટેશનોમાં મર્ડર, લૂંટ, ઘરફોડ, વાહનચોરી, આર્મ્સ એક્ટ, નશાબંધી સહિતના ૯ ગુના નોંધાયેલા છે. ૨૦૧૫માં અંજારમાં તેની સામે હુમલા સાથે લૂંટ અને ૨૦૧૬માં ગાંધીધામમાં ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલાં છે.
જે ઘરમાં ચોરી કરે ત્યાંથી વાહનો પણ ચોરી લેતો
ગાંધીધામ પોલીસની પૂછપરછમાં અંજાર, ગાંધીધામ, આદિપુર અને મોરબીમાં કરેલી ઘરફોડ અને વાહન ચોરીના વધુ ૬ ગુનાનો ભેદ ઉકેલાતા તેની સામેના કુલ ગુનાનો આંકડો ૧૫ પર પહોંચ્યો છે. કિડાણામાં એકતાનગર સોસાયટી વિસ્તારમાં અસગરની માતા રહે છે.
પોલીસે તેના ઘરની બાજુના ખુલ્લાં પ્લોટમાંથી આદિપુરમાં ચોરાયેલી મહિન્દ્રા એસયુવી અને આઈ ટ્વેન્ટી મળી બે કાર, એક પલ્સર કાર, નિકોન કેમેરા, ૧૦ ગ્રામ સોનાનું બિસ્કીટ, સોનાની બે વીંટી, ચાંદીના ત્રણ સિક્કા કબજે કર્યાં છે.
કચ્છમાં આચરેલાં ગુનાઓમાં સાલેમામદ ઊર્ફે કચ્છી ઈશા દાઉદ છરેચા (રહે. ખારીરોહર) અને ઈન્દ્રસિંગ રામસિંગ રાઠોડ (રહે. બાડમેર, રાજસ્થાન) પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે.
આરોપીઓ જે ઘરમાં ચોરી કરે તે ઘરમાંથી જે વાહનોની ચાવી મળે તે વાહનોની પણ ચોરી કરી લેતાં હતાં. એટલું જ નહીં, જે ઘરમાં ચોરી કરવા જાય તે ઘરના ફ્રિજમાં પડેલો નાસ્તો પણ અચૂક આરોગતાં હતા.
કુખ્યાત આરોપીને પકડવાની કામગીરીમાં ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજીયા, પીએસઆઈ એલ.એન. વાઢીયા, કે.જે. વાઢેર અને સર્વેલન્સ સ્ટાફ વગેરે જોડાયાં હતાં.
Share it on
|