કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પડાણાના રીઢા બૂટલેગર મહેન્દ્ર ઊર્ફે મનુભાઈ વિઠુભાઈ વાઘેલાનો ૩.૭૭ લાખનો ઈંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. મનુએ તેનો માલ મીઠીરોહરની સીમમાં મીઠાના કારખાનામાં ઉતારેલો. આ માલ લઈ આવવા માટે તેણે તેના પગારદાર માણસ વિનય ઊર્ફે વિનોદ રામાભાઈ કોલીને તેની અલ્ટો કાર આપીને મીઠીરોહરની સીમના કારખાનામાં મોકલેલો. વિનય તેના ભાઈ સુરેશને કારમાં સાથે લઈને, વહેલી પરોઢે અંધારામાં માલ ભરીને પરત જતો હતો. બાતમીના આધારે વૉચ ગોઠવીને ઊભેલી ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બેઉને રસ્તામાં ઝડપી પાડ્યાં હતાં. કારમાંથી પોલીસે બે જુદી જુદી બ્રાન્ડની વ્હિસ્કીની ૩ લાખની કિંમતની ૨૧૨ બોટલ અને બે જુદી જુદી બ્રાન્ડના બિયરના ૭૮ હજારના મૂલ્યના ૩૫૫ ટીન મળી કુલ ૩.૭૭ લાખનો શરાબનો જથ્થો જપ્ત કર્યો છે. પીઆઈ એસ.વી. ગોજીયા, પીએસઆઈ એલ.એન. વાંઢિયા અને સર્વેલન્સ સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો.
ગાંધીધામમાં મનુ ફરી એક્ટિવ થયો છે
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લાં થોડાંક સમયથી મનુ પૂરજોશમાં એક્ટિવ થયો છે. મનુ પૂર્વ કચ્છનો લિસ્ટેડ બૂટલેગર છે. ભૂતકાળમાં ભચાઉ પોલીસ મથકે ૧૫.૪૯ લાખનો શરાબ, અંજારમાં ૨૧-૦૩-૨૦૨૧ના રોજ ૩૯.૪૬ લાખનો શરાબ, અંજારમાં ૦૭-૦૬-૨૦૨૨ના રોજ ૪૦.૭૯ લાખનો શરાબ, પધ્ધરમાં ૧૪-૦૧-૨૦૨૩ના રોજ ૪૭.૯૭ લાખનો શરાબનો ઝડપાઈ ચૂકેલો છે. આ સિવાય નાનાં નાનાં દારૂના જથ્થાના અનેક ગુનામાં તેનું નામ ખૂલેલું છે. ગત ૧૫ ડિસેમ્બર ૨૦૨૪ની રાત્રે મનુએ તેના નાના ભાઈ મેરુભાની કાર સાથે સામાન્ય ટક્કર થતાં પોતાના સાગરીત જોડે સગાં ભાઈની કારમાં ધોકાથી તોડફોડ કરીને તેને માર માર્યો હતો.
મનુની ચળનો કાયમી ઈલાજ કરવા પોલીસની કવાયત્
પૂર્વ કચ્છમાં ભૂતકાળમાં કરોડોનો શરાબ ઉતારનારા અનેક મોટા ગજાના બૂટલેગરો હાલ પ્રમાણમાં શાંત પડી ગયાં છે. મનુ એક્ટિવ થયો છે પરંતુ તેને ખબર નથી કે અહીં પશ્ચિમ કચ્છના પોલીસ ખાતા જેવી લાલિયાવાડી નથી ચાલતી કારણ કે અહીંનું પોલીસ દળ ‘નાક’ અને ‘કરોડરજ્જુ’ બેઉ ધરાવે છે! અહીંના મોટાભાગના અધિકારીઓ સંનિષ્ઠ છે, વેચાઉ માલ નથી. મનુની દારૂ વેચવાની શરૂ થયેલી ‘ચળ’નો હવે કાયમી ઈલાજ કરવા પૂર્વ કચ્છના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ એક્શન પ્લાન બનાવવાનું શરૂ કરી દીધું છે.
Share it on
|