કચ્છખબરડૉટકોમ, ભુજઃ કાર પાર્કિંગ મુદ્દે પડોશી પિતા પુત્ર પર એસિડ એટેક કરનારા માંડવીના શખ્સને ભુજ સેશન્સ જજે પાંચ વર્ષની સખ્ત કેદ સાથે પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એસિડ એટેકનો બનાવ આજથી સાતેક વર્ષ અગાઉ ૧૯-૦૮-૨૦૧૮ના રોજ ગોધરાઈ ફળિયું, વોરા કંટ્રોલવાળી શેરીમાં રાત્રે દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. અહીં રહેતાં કમલેશભાઈ મહેન્દ્ર જોશી તેમના પરિવાર સાથે કારથી માંડવીમાં ફરવા ગયેલાં. રાત્રે ઘેર આવીને પુત્ર મિત સાથે ગાડી પર રેઈન કવર ચઢાવતાં હતા ત્યારે આરોપી ઈતેશ અરવિંદ કોડીયા (સોની) (ઉ.વ. ૫૨, રહે. મેમણ શેરી, માંડવી)એ તેના ઘરની પાછલી બારી ખોલીને પિતા પુત્રને ગાળો ભાંડવાનું શરૂ કરેલું.
બાદમાં ‘ઊભો રહે’ કહીને ઘરમાંથી પ્લાસ્ટિકના કેનમાં એસિડ લાવીને બેઉ પિતા પુત્ર ઉપર છાંટેલું. જલદ એસિડના કારણે પિતા પુત્રના કપડાં બળી ગયેલાં અને બંને શરીરે વિવિધ અંગોમાં દાઝી ગયેલાં.
તીવ્ર દાહના કારણે પિતા પુત્ર બેઉ જણે તત્કાળ ઘરના બાથરુમમાં દોડી જઈને શરીર પર પાણી રેડી દાહથી શાંતિ મેળવવા પ્રયાસ કરેલો. બાદમાં બેઉને માંડવીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલાં.
આવા ગુનાને જરાય સાંખી લેવાય નહીં કે આરોપી પ્રત્યે વધુ પડતી દયા દાખવી શકાય નહીં તેમ જણાવીને ભુજના સેશન્સ જજ દિલીપ મહિડાએ ઈતેશ કોડીયાને પાંચ વર્ષનો સખ્ત કારાવાસ ફટકાર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે એપીપી ડી.જે. ઠક્કરે પેરવી કરી હતી. કૉર્ટમાં એક તબક્કે આરોપીનું નામ હિતેશ કે ઈતેશ તે મુદ્દે પણ દલીલો થઈ હતી.
Share it on
|