કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૭ વર્ષ અગાઉ ભુજમાં ગાંજાના છૂટક વેચાણ કરતા ઝડપાયેલા યુવકને વિશેષ NDPS કૉર્ટે ૭ વર્ષની સખ્ત કેદની સજા અને પચાસ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. ૨૦-૦૬-૨૦૧૮ના રોજ ભુજના સુરલભીટ્ટ રોડ પર અંજલિનગર-૧માં રહેતા અશ્વિન કાનજી બુચીયા નામના ૪૩ વર્ષિય યુવકના રહેણાકમાં દરોડો પાડીને LCBએ ૩૭ હજારની કિંમતનો ૬.૧૮૩નો ગાંજો જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપેલો ગાંજો અશ્વિન સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં ઓડિશાના એક ડ્રગ પેડલર પાસેથી ખરીદી લાવ્યો હતો.
અશ્વિન પોતાના ઘરમાં પડીકીઓ બનાવી ગાંજાનું છૂટક વેચાણ કરતો હોવાની બાતમીના આધારે તત્કાલિન પીઆઈ એમ.બી. ઔસુરાએ દરોડો પાડેલો. બનાવની તપાસ ભુજ બી ડિવિઝનના તત્કાલિન પીઆઈ એમ.જે. જલુએ કરી હતી. આ ગુનામાં ભુજની વિશેષ કૉર્ટના જજ વી.એ. બુધ્ધાએ અશ્વિનને NDPS Actની ધારા ૮(c) અને ૨૦(b) હેઠળ દોષી ઠેરવી ૭ વર્ષની સખ્ત કેદની સજા અને પચાસ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ ડી.જે. ઠક્કરે પેરવી કરી હતી.
Share it on
|