કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં મંગળવારે રાત્રે સાડા દસ વાગ્યે વૃધ્ધ મહિલાના ગળામાંથી થયેલી ચેઈનની ચીલઝડપના બનાવની પોલીસે ગઈકાલે રાત્રે ફરિયાદ નોંધીને આજે ૨૪ કલાકની અંદર ત્રણ આરોપીને પકડી પાડ્યાં છે. શહેરના વુડલેન્ડ શૉરૂમ પાસે ૨૬મી માર્ચની રાત્રે ફરિયાદી વાસુભાઈ કલાચંદાણી તેમના પત્ની સાથે દ્વિચક્રી પર જઈ રહ્યા હતા ત્યારે એક્સેસ પર આવેલી ત્રિપુટીએ ચેઈન સ્નેચિંગ કરેલું. ફરિયાદીની પાછળ બેઠેલી તેમની પત્નીની ૬૦ હજારની દોઢ તોલાની ચેઈન તોડીને નાસી ગઈ હતી. આ ગુનામાં ગાંધીધામ એ ડિવિઝનના નવ નવ પોલીસ કર્મીએ ખૂબ જહેમત/હ્યુમન અને ટેકનિકલ સોર્સ વગેરે કામે લગાડીને ગાંધીધામના શિવાજી પાર્ક પાસેથી મયૂર મહેશભાઈ કેવલરામાણી, કિશન મનોજભાઈ ચંદાણી અને હિમાંશુ કપિલભાઈ મકવાણા (રહે. તમામ આદિપુર)ને ઝૂંટવેલી ચેઈન અને ગુનામાં વાપરેલાં દ્વિચક્રી વાહન સાથે ઝડપી પાડ્યાં છે.
આરોપી પકડાયાં તેથી પ્રજાએ રાજી જ થવાનું
પોલીસ ઘણીવાર આરોપીઓને આઈડેન્ટીફાઈ કરી કે પકડીને પાછળથી ફરિયાદ નોંધતી હોય છે અને પછી ગણતરીના કલાકોમાં આરોપીઓ પકડી પાડ્યાં હોવાના દાવા કરીને મૂછે તાવ દેતી હોય છે. આશા રાખીએ આ કેસમાં તેવું નહીં જ થયું હોય અને થયું હોય તો પણ આરોપીઓ પકડાઈ ગયાં છે તેમ માનીને રાજી થવાનું!! પોલીસે મોકલેલી પ્રેસનોટના ફોટોમાં જાણે સિંહનો શિકાર કર્યો હોય તેમ ઊભાં રહેલા આ નવ પોલીસ કર્મચારીઓ હવે ફરી આવી ઘટના જ ના ઘટે તે માટે પણ સતર્ક રહે તેવું સૂચન.
Share it on
|