કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામની ભાગોળે હાઈવે પર રાધે કોમ્પ્લેક્સમાં મની ટ્રાન્સફરનું કામ કરતા વ્યવસાયી પર છરીથી પ્રાણઘાતક હુમલો કરી ૧૨ લાખ રોકડાં રૂપિયા ભરેલી બેગ લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર ત્રિપુટીને પોલીસે ૨૪ કલાકમાં ઝડપી પાડી છે. હુમલા સાથે લૂંટનો પ્રયાસ કરનારા બે આરોપી અગાઉ પણ અંજાર, ભચાઉ, કંડલામાં લૂંટના ગુના આચરનાર રીઢા લૂંટારા છે. હુમલાનો ભોગ બનનાર વેપારી રાજુ ઠક્કર અગાઉ આ પ્રકારની ગુનાખોરીનો ભોગ બની ચૂકેલો છે. વાંચો વિગતે. આ રીતે જીવલેણ હુમલો કરી લૂંટનો પ્રયાસ થયેલો
રાધે કોમ્પ્લેક્સમાં મની ટ્રાન્સફર અને આંગડિયા પેઢી ધરાવતા ૪૦ વર્ષિય રાજુ રસિકભાઈ ઠક્કર નિત્યક્રમ મુજબ રસ્તામાં આવતી પેઢીઓમાંથી કૅશનું કલેક્શન કરીને ૧૧ વાગ્યે દુકાને પહોંચ્યા હતા.
કારની પાછલી સીટ પર રાખેલી ૧૨ લાખ રોકડાં રૂપિયા ભરેલી બેગ લઈને તેઓ તેમની દુકાનની બાજુમાં આવેલા પરિચિત દુકાન માલિકો જોડે વાતચીત કરી રહ્યા હતા.
તે સમયે અચાનક બે જણે છરીથી આડેધડ ઘા મારીને રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી લેવા પ્રયાસ કરેલો. રાજુભાઈ બેગને બાજુની દુકાનમાં અંદર ફેંકી દઈ હુમલાથી બચવા દુકાનની અંદર દોડી ગયેલાં. રાડારાડના પગલે અન્ય દુકાનદારો હુમલાખોરોને પડાકરતાં બેઉ જણ રેલીંગ કૂદીને રોડ પર પાર્ક બલેનો કારમાં નાસી છૂટ્યાં હતા.
જોડિયા નાસી ગયેલાં, માળિયાથી ઝડપાયાં
બનાવના પગલે રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, એસપી સાગર બાગમારની સૂચનાના પગલે અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરીના નેતૃત્વમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એ અને બી ડિવિઝન પોલીસની વિવિધ ટુકડીઓએ તપાસ શરૂ કરી હતી.
હુમલા બાદ આરોપીઓ કારમાં જોડિયા બાજુ નાસી ગયેલાં.
પોલીસે સતત સીસીટીવીથી ટ્રેક કરતાં તેઓ ફરી માળિયા બાજુ આવતાં હોઈ પોલીસે નાકાબંધી કરીને બલેનો કારમાં રહેલી ત્રિપુટીને દબોચી લીધી હતી.
આ છે ગાંધીધામની કુખ્યાત લૂંટારુ ત્રિપુટી
પોલીસે ઝડપેલી લૂંટારુ ત્રિપુટીમાં અબ્દુલ ઊર્ફે ગુરખો આમદ સોઢા, અસલમ ઊર્ફે ઈકબાલ ઊર્ફે ખિસકોલી હારૂન કેવર (બંને રહે. મીઠીરોહર, ગાંધીધામ) અને મામદ ઊર્ફે ઘોડો બાવલાભાઈ મથડા (રહે. મીઠાપોર્ટ, જૂના કંડલા)નો સમાવેશ થાય છે. અબ્દુલ અને અસલમે રાજુભાઈ પર હુમલો કરેલો જ્યારે મામદ કાર ડ્રાઈવ કરતો હતો.
રાજુ ઠક્કરને નિશાન બનાવવાનું આ હતું કારણ
પોલીસે ત્રિપુટીની વિશિષ્ટ ‘આગતા સ્વાગતા’ સાથે પૂછપરછ કરતાં તેમણે કબૂલ્યું કે ૨૦૨૩માં રાજુ ઠક્કરની આંખમાં મરચાંની ભૂકી છાંટી લૂંટનો પ્રયાસ થયેલો. જો કે, રાજુની આંખમાં મરચું પડ્યું નહોતું અને આરોપીઓ નાસી છૂટેલાં. એ જ રીતે, ૦૪-૦૭-૨૦૨૨ના રોજ રાજુભાઈ તેમની કારમાં કલેક્શન કરવા નીકળેલાં ત્યારે ગાંધીધામના જવાહરનગર પાસે તેમની અલ્ટો કારનો પાછલો દરવાજો ખોલીને ત્રણ અજાણ્યા બાઈકસવારો ૩.૭૦ લાખ રોકડાં રૂપિયા ભરેલો થેલો લઈને રફૂચક્કર થઈ ગયેલાં.
આ ઘટનાઓથી તેઓ વાકેફ હોઈ તેમણે રાજુને નિશાન બનાવવા નક્કી કરેલું. છેલ્લાં એક સપ્તાહથી રેકી કરતા હતા અને સોમવારે તેની પાસે વધુ રુપિયા હોય છે તે નિશ્ચિત કરીને લૂંટનું પ્લાનીંગ બનાવેલું.
આ માટે ત્રિપુટીએ સોશિયલ મીડિયા પર ફરતો લૂંટનો એક વીડિયો પણ વારંવાર જોયો હતો.
ઘોડાએ હુમલો કરી લૂંટના ત્રણ ગુના આચરેલા છે
ગુરખો અને ઘોડો અગાઉ પણ આસપાસના શહેરો વિસ્તારોમાં હુમલા લૂંટના ગંભીર ગુનાઓ આચરી ચૂકેલાં છે.
૦૬-૦૬-૨૦૨૪ના રોજ અંજારમાં મહાવીર ડેવપોર્સ પેઢીના બે માણસોને માર મારીને છરીની અણીએ ૪૦ લાખની લૂંટ થયેલી તેનો માસ્ટર માઈન્ડ ઘોડો ઊર્ફે મામદ હતો.
ઘોડાએ તેના અન્ય બે સાગરીતો સાથે ૩૦-૦૭-૨૦૨૩ની રાત્રે નાની ચીરઈ નજીક હાઈવે પર ટ્રક ચાલકને છરી મારી બે મોબાઈલ ફોન અને પાંચ હજાર રોકડાં રૂપિયા લૂંટી બાઈક પર નાસી છૂટેલો. જે અંગે ભચાઉ પોલીસ મથકે ગુનો દાખલ થયેલો. તો, કંડલા પોલીસ મથકે ૦૩-૦૭-૨૦૨૩ના રોજ અબ્દુલ ટાંક નામના શખ્સે અઢી લાખ રૂપિયાની ઉઘરાણીમાં પોતાનું નવ જણે બાઈક પર અપહરણ કરી, માર મારીને ચાર ચેકમાં ચાર લાખ રૂપિયા લખાવી લીધા હોવાની ફરિયાદમાં પણ ઘોડા ઊર્ફે મામદ મથડાનું નામ લખાવ્યું હતું.
ગુરખો પણ લૂંટના બે ગુનામાં ચોપડે ચઢેલો છે
અબ્દુલ સોઢા ઊર્ફે ગુરખો પણ કંડલા પોર્ટમાં જીરુ અને ચોખા ભરેલી ટ્રકોના ડ્રાઈવરો પર છરી વડે હુમલો કરી લૂંટ કરવાના બે ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલો છે.
૨૪-૦૮-૨૦૨૨ના રોજ ગુરખાએ તેના અન્ય ત્રણ સાગરીતો સાથે મળીને કંડલા પોર્ટ જતી ચોખાની બોરીઓ ભરેલી ટ્રકની તાડપત્રી રસ્સા કાપી ચોખાની બોરીઓ ચોરી કરવા પ્રયાસ કરેલો અને પ્રતિકાર થતાં એક જણને છરી મારી હતી
જે અંગે કંડલા મરીન પોલીસ મથકે ગુનો નોંધાયેલો. ૧૩-૦૫-૨૦૨૩ના રોજ અંજારના વરસાણા પાસે જીરુ ભરેલી ટ્રકના ડ્રાઈવર અને ક્લિનરને માર મારી, બંધક બનાવી, ટ્રકમાં અપહરણ કરી ટ્રકને જામનગર લઈ ગયેલા અને ૬૩ હજારના જીરુની ૫૪૦ બોરીઓ ક્યાંક ખાલી કરી, ડ્રાઈવર પાસે રહેલા ૬ હજાર રોકડાં રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. જે અંગે અંજાર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમા, એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરી, બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજીયા, પીએસઆઈ ડી.જી. પટેલ અને સ્ટાફ દોડધામ કરીને ત્રિપુટીને ૨૪ કલાકમાં અંદર કરી દીધી છે.
Share it on
|