કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામ નજીક ગળપાદર જેલમાં કાચા કામના કેદી તરીકે સળિયા પાછળ બંધ બૂટલેગરો સહિતના ગંભીર કેસના આરોપીઓને દારૂની બાટલી સપ્લાય કરવામાં મદદ કરવા બદલ પોલીસે જેલ સીપાઈ રવીન્દ્ર દિલીપભાઈ મુલીયાની ધરપકડ કરી છે. દસ દિવસ અગાઉ પૂર્વ કચ્છ પોલીસે આયોજનબધ્ધ રીતે વિવિધ ટૂકડીઓ પાડીને મધરાત્રે જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરેલું. તે સમયે પોલીસે દારૂની મહેફિલ માણતાં ૬ શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. સર્ચ દરમિયાન પીધેલાં કેદીઓ ઉપરાંત અન્ય ચાર જણાં પાસેથી મોબાઈલ ફોન પણ મળી આવેલાં.
પોલીસ તપાસમાં ખૂલ્યું કે જેલમાં દારૂની બાટલી ગાંધીધામનો રીઢા બૂટલેગર મનોજ ઊર્ફે પકાડો માતંગે મગાવી હતી. પકાડોએ મોબાઈલ ફોનથી સ્થાનિક સાગરીતનો સંપર્ક કરીને તેને જેલમાં બાટલી આપી જવા સૂચના આપેલી. પકાડાની બેરેક સામે પહેરો ભરતાં રવીન્દ્ર મુલિયાએ આ બાટલી પહોંચાડી આપી હતી.
જેલના જલસાકાંડ અંગે પોલીસની ગહન તપાસ હજુ જારી છે. હાઈ સિક્યોરીટી બેરેકની ઉપર બિનવારસી હાલતમાં પડેલાં પચાસ હજાર રૂપિયા ક્યાંથી આવ્યાં તેમજ મોબાઈલ ફોન કેવી રીતે અંદર પહોંચતાં થયેલાં તે મામલે પણ મોટા ઘટસ્ફોટ થવાની તથા અન્ય જેલ કર્મચારીઓની સંડોવણી પાધરી થવાની શક્યતા છે. ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરી તપાસ કરી રહ્યાં છે.
Share it on
|