click here to go to advertiser's link
Visitors :  
08-Feb-2026, Sunday
Home -> Gandhidham -> Gandhidham Hit and Run Case Police Silence Sparks Questions as Investigation Drags On
Saturday, 07-Feb-2026 - Gandhidham 934 views
ગાંધીધામમાં હિટ એન્ડ રનના બનાવ અંગે અનેક સવાલોઃ પોલીસનો એક જ જવાબ ‘તપાસ ચાલુ છે’
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં ગત મધરાતે મહેશ્વરી સમાજના બે નવયુવાનોનો ભોગ લેનારાં ગોઝારા માર્ગ અકસ્માતની ઘટનાએ જનતામાં ભારે આક્રોશ સર્જ્યો છે. કારમાં સવાર લોકો દારૂ પીધેલાં હોવાના, કારમાં દારૂની બાટલી હોવાની ચર્ચાતી વાતો વચ્ચે ‘તપાસ ચાલુ છે’ તેવા પોલીસના એકના એક રટણથી આશ્ચર્ય સર્જાઈ રહ્યું છે.

♦અકસ્માત સર્જ્યાં બાદ ત્રણેક જણને પોલીસે તુરંત જ દબોચી લીધાં હતા. સામાન્ય રીતે દારૂ પીધેલાં લોકોના મોઢાં સૂંઘીને તેણે દારુ પીધો હોવાનો કેસ ઠોકતી પોલીસ કારમાં સવાર ચાલક સહિતના ચારે જણે દારૂ પીધો હતો કે નહીં તે મુદ્દે બ્લડ સેમ્પલ મોકલ્યાં છે, રિપોર્ટમાં ખબર પડશે તેવા જવાબ આપી રહી છે.

♦બપોરથી ચારેય જણ પોલીસ ગિરફ્તમાં છે પરંતુ આરોપીઓના નોકરી-ધંધા અને અન્ય બૅકગ્રાઉન્ડ અંગે પોલીસ પાસે પ્રાથમિક વિગતો નથી! અકસ્માત કરતાં અગાઉ તેઓ ક્યાં હતા, ગાડી લઈને ક્યાં જતા હતા તે સહિતની પ્રાથમિક વિગતો પૂછતાં સત્તાવાર એક જ જવાબ મળે છે ‘તપાસ ચાલુ છે’

♦અકસ્માત બાદ મુખ્ય આરોપી નીતિન ભુજ તરફ નાસી ગયો હોવાનું ચર્ચાતું હતું. પોલીસે ચારેને ક્યાંથી પકડ્યાં, કોના કહેવાથી નીતિન ભાગેલો તે સહિતના સવાલોનો હાલ એક જ જવાબ છેઃ તપાસ ચાલુ છે

♦સૂત્રોના દાવા મુજબ અકસ્માત સર્જનાર ચાલક નીતિન મુકેશ ગોસ્વામી (ઉ.વ. ૨૪, રહે. સિંધુનગર સોસાયટી, આદિપુર) આફ્રિકામાં બીઝનેસ કરતો હતો અને થોડાંક સમયથી તે આદિપુરમાં સેટલ થયો છે. ઝડપાયેલાં અન્ય યુવકો પણ વેપાર ધંધા સાથે સંકળાયેલાં હોવાનું જાણવા મળ્યું છે. ચારે જણ નશામાં ધુત થઈને પૂરઝડપે કાર હંકારીને અમદાવાદ તરફ જવા નીકળ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે

♦માલેતુજાર લોકો અને તેમના વંઠેલા ફરજંદો માટે આદિપુર ગાંધીધામને જોડતો સાતેક કિલોમીટર લાંબો ટાગોર રોડ જાણે રેસિંગ ટ્રેક બની ગયો છે. આ રોડ પર અવારનવાર એકલ દોકલ જીવલેણ અકસ્માતો સર્જાયાં કરે છે. હિટ એન્ડ રનની ઘટનાએ ૨૦૧૬ના હિટ એન્ડ રનના બનાવને તાજો કરી દીધો છે.

♦૧૪-૦૩-૨૦૧૬ની રાત્રે ૧૧ વાગ્યે દુબઈસ્થિત વેપારી સુનિલ મોહતાના પુત્ર પંકિલ મોહતાએ પૂરઝડપે ફોરચ્યુનર કાર હંકારીને ઈફકો ગેટ નજીક વારાફરતી સાત જણને ટક્કર મારી ત્રણ લોકોના મોત નીપજાવેલાં. આ દુર્ઘટનાએ ગાંધીધામમાં ભારે આક્રોશ સર્જેલો. લોકોએ ચક્કાજામ કરેલો. બે ત્રણ દિવસ બાદ પોલીસ રાજસ્થાનના આબુ પાસેથી પંકિલને પકડી લાવેલી.

♦પંકિલ વિરુધ્ધ પોલીસે સાપરાધ મનુષ્ય વધ સહિતની કલમો તળે ગુનો દાખલ કરેલો. ૧૩-૧૦-૨૦૧૭ના રોજ ગાંધીધામના નવમા અધિક સેશન્સ જજ વી.એ. બુધ્ધે પંકિલને દોષી ઠેરવી ૭ વર્ષની સખ્ત કેદ અને ૧૦ લાખથી વધુ દંડની સજા ફટકારેલી. પાછળથી પંકિલે ચુકાદા સામે ગુજરાત હાઈકૉર્ટમાં રિવિઝન અરજી દાખલ કરેલી. જેમાં હાઈકૉર્ટે સજાના અમલ સામે સ્ટે ફરમાવી પંકિલને જામીન પર મુક્ત કરેલો. આ કેસ હજુ હાઈકૉર્ટમાં પેન્ડિંગ જ છે. આ એ જ પંકિલ મોહતા છે કે જે બે વરસ અગાઉ ૩.૭૫ કરોડના સોપારી તોડકાંડના ગુનામાં સંડોવાયો હતો

♦૧૪-૧૨-૨૦૨૦ના રોજ આઈ ટ્વેન્ટીના કારચાલકે ટાગોર રોડ પર બે મહિલાને ટક્કર મારી એક્ટિવાસવાર શિક્ષિકા સહિત બંને મહિલાના મોત નીપજાવ્યાં હતા

♦૨૧-૧૨-૨૦૨૦ના રોજ ટાગોર રોડ પર પૂરપાટ જતા બે દ્વિચક્રી વાહનચાલકો સામસામે ટકરાતાં બેઉના મોત નીપજેલાં

♦૧૬-૦૪-૨૦૨૫ના રોજ એસટીની વોલ્વો બસે એક્ટિવાને ટક્કર મારીને તેના પર સવાર બે યુવતીના મોત નીપજાવેલાં. એક્ટિવા બાદ બસે એક બાઈકચાલકને અડફેટે લઈ ઈજા પહોંચાડેલી. કાબૂ ગૂમાવીને બસ ડિવાઈડર પર ચડી ગયેલી અને વીજ પોલને ધરાશાયી કરી દીધો હતો.

Share it on
   

Recent News  
પૈસાદાર બનવા ઘર છોડી ભાગેલી ભુજની ત્રણ છોકરીઓ દિલ્હી રેલવે સ્ટેશન પરથી મળી આવી
 
ગાંધીધામના ટાગોર રોડ પર બેફામ કારે બેનો જીવ લીધો, બે ઘાયલઃ ૪ ફરજંદોની અટક
 
માર મારી ૫૦ હજાર માગવાના બનાવમાં કોઠારાના ૭ પોલીસવાળા સામે FIR કરવાનો હુકમ રદ્દ