click here to go to advertiser's link
Visitors :  
25-Sep-2026, Friday
Home -> Gandhidham -> Gandhidham Court Rejects Anticipatory Bail in 804 Crore DTAA Benefit Scam
Thursday, 24-Sep-2026 - Gandhidham 876 views
ઈન્કમ ટેક્સના ૮૦૪ કરોડના આર્થિક કૌભાંડમાં સામેલ CAની ધરપકડનો માર્ગ થયો મોકળો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ વિવિધ કંપનીને ભારત બહાર નાણાં મોકલવામાં આયકર મુક્તિનો લાભ કરાવવા હેતુથી કોઈ જ દસ્તાવેજો ચેક કર્યાં વગર ખોટાં 15 CB ફોર્મ ઈસ્યૂ કરવાના ગુનામાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આગોતરા જામીન અરજી ગાંધીધામ કૉર્ટે ફગાવી દીધી છે. વચેટિયાઓ પાસેથી રૂપિયા લઈને વિવિધ કંપનીઓના કોઈ જ પ્રકારના હિસાબી ચોપડાં તપાસ્યાં વગર ફોર્મ 15 CB જારી કરનાર ૪ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ૫ વચેટિયા મળી ૯ જણ સામે આયકર વિભાગે ૨૨-૦૮-૨૦૨૬ના રોજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે ઈસ્યૂ કરેલાં 15 CB ફોર્મના આધારે આ કંપનીઓને ૮૦૪.૩૦ કરોડનો જંગી લાભ થયો હતો.

૯ જણની ટોળકીએ ગુનાહિત કાવતરું ઘડીને આ ગુનો આચરી સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનો ફરિયાદમાં આરોપ કરાયો હતો. ઈન્કમ ટેક્સ વિભાગે ગાંધીધામ અને મુંદરાની કેટલીક શિપીંગ કંપનીઓમાં પાડેલા દરોડા દરમિયાન આ કૌભાંડ બહાર આવેલું.

આ ગુનામાં સંડોવાયેલા CA નિખિલ અવધેશ મિશ્રાએ કરેલી આગોતરા જામીન અરજી ગાંધીધામના પાંચમા અધિક સેશન્સ જજ રાકેશ પટેલે ફગાવી દીધી છે.

કૉર્ટે અરજી ફગાવતાં જણાવ્યું કે ઈન્કમ ટેક્સ અધિનિયમ મુજબ વિદેશમાં નાણાં મેળવનાર પેઢી પાસેથી ટેક્સ રેસિડેન્સી સર્ટીફિકેટ સહિતના પ્રમાણિત દસ્તાવેજો મેળવ્યાં વગર જ અરજદાર/ આરોપીએ ફોર્મ 15 CB ઈસ્યૂ કરેલાં જેના આધારે કંપનીઓએ ‘ડબલ ટેક્સેસન એવોઈડન્સ એગ્રીમેન્ટ DTAA’ અંતર્ગત કરમુક્તિનો લાભ મેળવેલો.

સમગ્ર આર્થિક કૌભાંડ અને તમામ ટ્રાન્ઝેક્શનની કડીઓ ખુલ્લી કરવા માટે આરોપીના કસ્ટોડિયલ ઈન્ટરોગેશનની જરૂર ઊભી થઈ શકે છે. ગુનાની ગંભીરતા, આરોપીની સંડોવણીને અનુલક્ષીને કૉર્ટે અરજી ફગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે આરોપીએ ફોજદારી ફરિયાદ રદ્દ કરાવવા ગુજરાત હાઈકૉર્ટમાં અરજી દાખલ કરેલી પરંતુ હાઈકૉર્ટનું વલણ જોતાં પાછળથી પાછી ખેંચી લીધી હતી. કરોડોના વ્હાઈટ કૉલર ક્રાઈમની ફરિયાદ નોંધાયાને એક મહિનો વીતી ગયો છે, આરોપીની ધરપકડનો માર્ગ મોકળો થઈ ગયો છે ત્યારે પોલીસ આરોપીઓની તત્કાળ ધરપકડ કરી તપાસનો આરંભ કરે છે કે કેમ તેના પર સહુની મીટ મંડાઈ છે.

Share it on
   

Recent News  
ગાંધીધામના ચોપાનિયાના સંચાલકના ગોડાઉનમાંથી કરોડોની તમાકુ સોપારી ઝડપાઈ
 
જેણે પોલીસ સ્ટેશને સામેથી હાજર થઈ કહેલું કે મેં મર્ડર કર્યું છે તે નિર્દોષ જાહેર
 
સાયબર માફિયાઓએ ગાંધીધામના વૃધ્ધને ૧૨ દિવસ ડિજિટલ અરેસ્ટ કરી ૪૨ લાખ કઢાવી લીધા