|
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) ૪૮ વર્ષનો વેપારી બાકી નાણાંની ઉઘરાણી મુદ્દે ફ્લેટમાં એકલાં રહેતાં ૭૧ વર્ષિય વૃધ્ધના ઘરમાં રાત્રે સાડા નવ-દસના અરસામાં જઈને ઝઘડો કરી મેટલની પાણીની બોટલ અને મેટલનો દસ્તો માથામાં મારી હત્યા કરી નાખે છે. ત્યારબાદ ઘરમાં રહેલું સીસીટીવી કેમેરાના ફૂટેજ રેકોર્ડ કરતું DVR કાઢીને પોતાની સાથે લઈ જાય છે. ત્યારબાદ પોતાના લોહીવાળા કપડાંને સળગાવી નાશ કરી દે છે, મોબાઈલ અને DVR પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી હમીરસર સરોવરમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કરે છે. સવા ૪ કલાક બાદ રાત્રે સવા બે વાગ્યાના અરસામાં ભુજ એ ડિવિઝન પોલીસ મથકે સામેથી હાજર થઈ જાહેર કરે છે કે પોતે નાણાંની ઉઘરાણી મુદ્દે વૃધ્ધની હત્યા કરી છે. પોલીસ બનાવવાળી જગ્યાએ પહોંચે છે. ત્યાં જઈ મરનાર વૃધ્ધના નાના ભાઈને જાણ કરી સ્થળ પર બોલાવે છે. બીજા દિવસે નાનો ભાઈ હત્યાની કબૂલાત કરનાર યુવક સામે હત્યા અને પુરાવાના નાશની કલમો તળે ફરિયાદ નોંધાવે છે.
આપને મનમાં થયું હશે કે પોલીસ સ્ટેશને સામેથી આત્મસમર્પણ કરી હત્યા કરનાર આરોપીને તો ચોક્કસ સજા થશે જ. પરંતુ, એવું નથી થયું. આરોપીને કૉર્ટે નિર્દોષ ઠરાવી છોડી મૂક્યો છે. કારણ પોલીસની તપાસમાં રહેલી ભયંકર ખામી.
હત્યાનો બનાવ ૦૮-૦૪-૨૦૨૬ની રાત્રે દસ વાગ્યાના અરસામાં ભુજના વાણિયાવાડની પાંજરાપોળ શેરીમાં આવેલી અષ્ટાપદ બિલ્ડીંગના બીજા માળે આવેલા ફ્લેટ નંબર ૩માં બન્યો હતો. અહીં રહેતા ૭૧ વર્ષિય વૃધ્ધ રશ્મિભાઈ કનકભાઈ શાહ (ભુલાણી) સાધર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતાં હતા. અપરિણીત એકાકી જીવન ગાળતાં રશ્મિભાઈ રાહતદરે ગરીબ પરિવારોને રાશન કીટનું વિતરણ કરતાં. રશ્મિભાઈ નિલેશ હસમુખલાલ શાહ (રહે. ઓધવબાગ-3, પ્રમુખસ્વામીનગર, ભુજ)ની દુકાનેથી રાશન ખરીદતાં. લાંબા સમયથી રાશન ખરીદીની મોટી લેણી રકમ ચઢી ગયેલી. બનાવના દિવસે નિલેશ રશ્મિભાઈ પાસે બાકી નાણાંની ઉઘરાણી કરવા જતાં બેઉ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલી.
આવેશમાં આવી જઈને નિલેશે રશ્મિભાઈના માથામાં પહેલાં મેટલની પાણીની બોટલ મારેલી. રશ્મિભાઈ જમીન પર પડી ગયાં બાદ માથામાં મેટલનો દસ્તો ફટકારેલો.
રશ્મિભાઈનું મૃત્યુ થયાં બાદ નિલેશ ઘરમાં રહેલું DVR કાઢીને નીકળી ગયેલો. પુરાવાનો નાશ કર્યાં બાદ મધરાતે સવા બે વાગ્યે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને આત્મસમર્પણ કરી હત્યા કર્યાની કબૂલાત કરેલી.
આરોપીની ધરપકડ થયાં બાદ પાછળથી તેણે ગુનો કબૂલવાનો ઈન્કાર કરી દીધેલો. ભુજના આ ચકચારી હત્યા કેસની ટ્રાયલ સાડા પાંચ મહિનાની અંદર ચાલી ગઈ અને ચોથા અધિક સેશન્સ જજ એન.પી. રાડિઆએ આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે.
સાડા પાંચ માસ પૈકી એક મહિનો આરોપી તબીબી કારણોસર વચગાળાના જામીન પર બહાર રહ્યો હતો.
♦ભુજ એ ડિવિઝનના પીઆઈ મધુભાઈ રત્નાભાઈ નકુમે આ ગુનાની તપાસ કરીને ફરિયાદી સહિત ૧૧ સાક્ષી અને ઈન્ક્વેસ્ટ પંચનામા, મુદ્દામાલ ડિસ્કવરી પંચનામા, એફએસએલ રિપોર્ટ, સ્લીપો વગેરેને લગતાં ૪૮ દસ્તાવેજી આધાર રજૂ કરેલાં.
♦પોસ્ટમોર્ટમ નોટના આધારે કૉર્ટમાં એ સાબિત થયું કે મરનારનું મોત સાપરાધ મનુષ્ય વધ પ્રકારનું હતું પરંતુ તે મોત આરોપીએ જ નીપજાવ્યું તે સાબિત ના થઈ શક્યું
♦કૉર્ટમાં ટ્રાયલ દરમિયાન પોલીસે રજૂ કરેલાં ૮ સાક્ષી કૉર્ટમાં ફરી ગયાં એટલે કે હોસ્ટાઈલ જાહેર થયાં. તેમણે કહ્યું પંચનામામાં સહી તો અમારી છે પરંતુ પોલીસે અમારી હાજરીમાં કોઈ મુદ્દામાલ કબજે કર્યો નથી કે ઈન્ક્વેસ્ટ પંચનામું ભર્યું નથી. મોટાભાગના જણાવ્યું કે અમે રસ્તા પરથી પસાર થતાં હતા ત્યારે પોલીસે બોલાવીને કાગળમાં સહી કરાવી લીધેલી
♦બનાવને કોઈએ નજરે જોયો નહોતો. હદ તો ત્યાં થઈ કે પોલીસે હત્યા માટે વપરાયેલો મેટલનો જે દસ્તો કબજે કરેલો તેના પરથી આરોપીની કોઈ ફિંગર પ્રિન્ટ ડેવલોપ કરીને મજબુત પુરાવો કૉર્ટમાં રજૂ જ નહોતો કર્યો
♦જે રૂમમાં હત્યા થયેલી તે રૂમમાં સીસીટીવી કેમેરા જ નહોતા. તેથી પોલીસે DVR કબજે કરી એફએસએલમાંથી જે ફૂટેજ રિકવર કરેલા તે પુરાવો કામ ના આવ્યો
♦જે રૂમમાં મર્ડર થયેલું તે રૂમનું કોઈ ફૂટેજ કે પુરાવો પોલીસે રજૂ કર્યો નહોતો
♦ફરિયાદ નોંધાવનાર મૃતકના ભાઈ પંકજ શાહે પણ ઉલટ તપાસમાં કબૂલ્યું કે તેમણે બનાવને નજરે જોયો નહોતો. પોલીસે જ સામેથી જાણ કરેલી અને આરોપીનું નામ જણાવીને લખેલું. પોલીસે કહેલી વિગતોના આધારે ફરિયાદ નોંધાવી છે
♦પોલીસે બનાવ સ્થળ આસપાસના નેત્રમ સીસીટીવી કેમેરાના ફૂટેજ પુરાવા તરીકે રજૂ કરેલાં પરંતુ તેના આધારે આરોપીએ જ ગુનો આચર્યો છે તે સિધ્ધ થતું નથી તેમ કૉર્ટે જણાવ્યું
♦તપાસકર્તા પીઆઈ એમ.આર. નકુમની પણ જુબાની સમર્થનકારી ના રહી, કારણ કે તેમણે પણ બનાવને નજરે જોયો નહોતો
♦સૌથી મોટી બાબત એ કે આરોપીએ પોલીસ રૂબરૂ કરેલી કબૂલાત ભારતીય પુરાવા અધિનિયમની કલમ ૨૫ અને ૨૬ મુજબ પુરાવા તરીકે ગ્રાહ્ય રહેતી નથી. તેથી આરોપીની કબૂલાતના આધારે તેને દોષી ઠેરવી શકાય નહીં
કચ્છભરમાં ચુકાદો બન્યો ચર્ચાસ્પદ
આ ચુકાદો કચ્છના પોલીસ તંત્ર અને વકીલ આલમમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. હત્યા જેવા ગંભીર ગુનાઓના પંચનામાઓમાં પોલીસ રસ્તે જતી ગમે તે વ્યક્તિઓની સહીઓ કરાવી લે છે?
♦સમાજના સજ્જનો અને સત્યનિષ્ઠ લોકો પંચો તરીકે હાજર રહેવામાં શા માટે ખચકાટ અનુભવે છે? તેના માટે કોણ જવાબદાર છે?
♦આરોપીએ પોલીસ સમક્ષ કરેલી ગમે તે કબૂલાત કોઈ કૉર્ટ ગ્રાહ્ય રાખતી નથી ત્યારે ખરેખર પોલીસે ત્યારે શું કરવું જોઈતું હતું? ઘણાં કાયદાવિદ્દો જણાવે છે કે હકીકતે જ્યારે આરોપી પોલીસ મથકે હાજર થયો ત્યારે પોલીસે તેણે આપેલા બયાનના આધારે ત્યારે જ FIR દાખલ કરવાની જરૂર હતી. ત્યારે જ તેની અંગઝડતી અને શરીરસ્થિતિનું પંચનામું કરવાની જરૂર હતી.
♦આરોપીએ કપડાં સળગાવીને પુરાવાનો નાશ કરેલો તો કઈ જગ્યાએ તે કપડાં સળગાવેલાં તે સ્થળ પરની રાખના નમુના શા માટે નહોતા લેવાયાં? જો શરીરસ્થિતિનું પંચનામું, તબીબી પરીક્ષણ કર્યું હોત તો ત્યારે તેના શરીરના કોઈને કોઈ અંગમાંથી કોઈપણ પ્રકારનો મરનારના લોહી, ચામડી કે વાળ જેવો સૂક્ષ્મ પુરાવો મળવાની અનેકઘણી શક્યતા હતી. પરંતુ, તેમ ના થયું
♦આરોપીએ પોતે પહેરેલાં લોહીવાળા કપડાં સળગાવી દીધેલાં પરંતુ તેણે પહેરેલાં ચપ્પલ પરથી પણ પુરાવો મળી શક્યો હોત. લૉ અને ક્રિમિનોલોજીના જાણકાર અનેક લોકો તપાસમાં રહેલી આવી ઘણી બધી વિસંગતતાઓ સામે અંગુલિનિર્દેશ કરી રહ્યાં છે
ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશન એક્શન લેશે?
ગુજરાતના ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશને આ કેસને ગંભીરતાથી લઈ ગંભીર ગુનાઓમાં પોલીસની તપાસની ખામીના કારણે કોઈ આરોપીઓ છૂટી ના જાય, ભારે ગુનાઓમાં વિઝિટેશન કરનાર DySP કક્ષાના અધિકારીઓ, તપાસમાં બેજવાબદાર પોલીસ અધિકારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી થાય તે માટે પગલાં લે તે જરૂરી છે.
Share it on
|