|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં બે વર્ષ અગાઉ ૫૨ વર્ષની મહિલા પર બળાત્કાર આચરનારાં ૨૫ વર્ષના મૂળ પટણા, બિહારના વતની યુવકને ગાંધીધામની સેશન્સ કૉર્ટે દસ વર્ષનો સખ્ત કારાવાસ ફટકાર્યો છે. ઘટના ૮મી જૂન ૨૦૨૪ના રોજ સવારે ૧૧.૩૦ના અરસામાં શાંતિલાલ ગોડાઉન પાસે રેલવે યાર્ડ નજીક બની હતી. ગુનાનો ભોગ બનનાર અનુસૂચિત જાતિની આધેડ મહિલા કચરો વીણતી હતી ત્યારે આરોપી રામલાલ રાજુ યાદવના મનમાં વાસનાનો કીડો સળવળી ઉઠ્યો હતો. રામલાલ મહિલાનો હાથ પકડી પરાણે બાવળની ઝાડીમાં ખેંચી ગયેલો. મહિલાની ઓઢણી વડે મોંઢુ બાંધી લઈને દુષ્કર્મ આચરેલું. ભોગ બનનારે પ્રતિકાર કરવા પ્રયાસ કર્યો તો તેણે મુક્કા મારી પથ્થર મારેલો. દુષ્કર્મ બાદ ધાક-ધમકી આપીને જતો રહેલો.
ગુનાનો ભોગ બનનાર મહિલાએ ઘરે જઈને પોતાના પતિ અને યુવાન પુત્રને વાત જણાવેલી. બીજા દિવસે સવારે પરિવારજનોએ આ જગ્યાએ જઈને રામલાલને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયેલા અને ફરિયાદ નોંધાવેલી.
પુત્રની ઊંમરના યુવકે માતાની ઊંમરની મહિલાને એકલી ભાળીને દુષ્કર્મ આચર્યું હોવાની બાબતને ગંભીર લેખાવીને ગાંધીધામના આઠમા અધિક સેશન્સ જજ એલ.ડી. વાઘે રામલાલને દોષી ઠેરવીને ઈપીકો કલમ ૩૭૬ (૧) હેઠળ ૧૦ વર્ષની સખ્ત કેદ સાથે ૧૦ હજાર રૂપિયા દંડ, ઈપીકો કલમ ૩૨૩ અને ૫૦૬ (૨) હેઠળ ૬-૬ માસની કેદ અને ૧-૧ હજારનો દંડ ફટકાર્યો છે. પોલીસે ગુનામાં લગાડેલી એટ્રોસિટી એક્ટ તળેની કલમ હેઠળનો આરોપ ફરિયાદ પક્ષ કૉર્ટમાં પૂરવાર કરી શક્યો નહોતો.
Share it on
|