click here to go to advertiser's link
Visitors :  
20-Oct-2026, Tuesday
Home -> Gandhidham -> Gandhidham Chamber Urges CM to Promote Imported Used Machinery to Boost Gujarats MSMEs
Monday, 19-Oct-2026 - Gandhidham 815 views
વિદેશથી આયાત જૂની પરંતુ કાર્યક્ષમ અને સલામત મશિનરીને પ્રોત્સાહન આપવા રજૂઆત
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ગાંધીધામ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ ઔદ્યોગિક નીતિમાં મહત્વપૂર્ણ સુધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી છે. વિદેશથી આયાત કરાતી જૂની પરંતુ કાર્યક્ષમ અને સલામતીના ધોરણો પૂર્ણ કરતી મશિનરીના ઉપયોગ માટે પ્રોત્સાહક લાભ આપવાની જોગવાઈ કરવા રજૂઆત કરાઈ છે.

ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું કે ઔદ્યોગિક વિકાસમાં મશિનરીની ભૂમિકા નિર્ણાયક છે. પરંતુ, દરેક ઉદ્યોગ માટે નવી મશિનરી ખરીદવી આર્થિક રીતે શક્ય નથી બનતું. ખાસ કરીને, MSME એકમો માટે મશિનરી પાછળનું પ્રારંભિક મૂડીરોકાણ, ધિરાણનો ખર્ચ, કાર્યકારી મૂડીની જરૂરિયાત અને બજારમાં સ્પર્ધાત્મક ભાવે ઉત્પાદન કરવાની ક્ષમતા મહત્વના પડકારો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ જૂની પરંતુ કાર્યક્ષમ મશિનરીનો વિકલ્પ ઉદ્યોગોને ઓછાં મૂડીરોકાણે ઉત્પાદન ક્ષમતા વધારવા સાથે આધુનિક ટેકનોલોજી અપનાવવાની તક આપી શકે છે.

જો આવી મશિનરીની આયાત અને ઉપયોગને પ્રવર્તમાન કાયદા, ટેકનિકલ યોગ્યતા, સલામતી, પર્યાવરણીય ધોરણો તથા જરૂરી પ્રમાણપત્રોને આધીન રાખીને નીતિગત પ્રોત્સાહનો માટે પાત્ર ગણવામાં આવે તો ઉદ્યોગો માટે રોકાણના વધુ વિકલ્પો ખૂલશે. મર્યાદિત મૂડી ધરાવતા એકમોને પણ ઉત્પાદન ક્ષમતા વધારવા, ગુણવત્તામાં સુધારો કરવા, નવા બજારોમાં પ્રવેશવા અને રોજગારીની તકો ઊભી કરવા પ્રોત્સાહન મળી શકે છે.

ચેમ્બરની રજૂઆતનો મુખ્ય આશય કોઈપણ પ્રકારના નિયમન વિના જૂની મશિનરીને પ્રોત્સાહન આપવાનો નહીં પરંતુ યોગ્ય ગુણવત્તા, કાર્યક્ષમતા અને સલામતીના ધોરણો જાળવીને ઉદ્યોગોને મૂડીરોકાણ માટે વધુ વ્યવહારુ વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો છે.

ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૫’ના લાભો નાના અને મધ્યમ ઉદ્યોગો સુધી વધુ અસરકારક રીતે પહોંચે તે દિશામાં વ્યવહારુ વિકલ્પોનો વિચાર કરવો જરૂરી હોવાનું જણાવતાં કહ્યું કે દરેક ઉદ્યોગ માટે નવી મશિનરી ખરીદવી શક્ય ના હોઈ જૂની મશિનરીના ઉપયોગને યોગ્ય પાત્રતા સાથે પ્રોત્સાહક લાભો માટે આવરી લેવાથી મૂડીરોકાણનો બોજ ઘટાડી શકાય છે. ઉદ્યોગોને પોતાની ક્ષમતા અનુસાર વિસ્તરણ કરવાની તક મળશે અને રાજ્યમાં ઉત્પાદન, રોજગારી તથા આર્થિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળી શકશે.

ચેમ્બરની રજૂઆત કોઈ એક ઉદ્યોગ કે વિસ્તાર પૂરતી મર્યાદિત નથી. તેનો હેતુ રાજ્યના ઔદ્યોગિક માળખાને વધુ સમાવિષ્ટ, વ્યવહારુ અને સ્પર્ધાત્મક બનાવવાનો છે.

કચ્છ જિલ્લો બંદરો, લોજિસ્ટીક્સ, પરિવહન, ઊર્જા, ખનિજ આધારીત ઉદ્યોગો, એન્જિનિયરીંગ, ઉત્પાદન અને ઔદ્યોગિક રોકાણની વિશાળ સંભાવનાઓ ધરાવતો પ્રદેશ છે. ત્યારે, સરકાર જો નીતિગત સુધારો કરી વિદેશથી આયાત થતી જૂની મશિનરીને પ્રોત્સાહન આપે તો એન્જિનિયરીંગ, મેટલ પ્રોસેસિંગ, ફેબ્રિકેશન, પ્લાસ્ટિક, પેકેજીંગ, ટેક્સટાઈલ, ફૂડ પ્રોસેસિંગ, મશિનરીના ભાગોનું ઉત્પાદન, મરામત અને જાળવણી જેવા ક્ષેત્રોમાં યોગ્ય મશિનરી ઉદ્યોગોની સ્પર્ધાત્મક્તા વધારવામાં ઉપયોગી બની શકે છે.

Share it on
   

Recent News  
આડા સંબંધોની આશંકામાં મુંદરામાં ડબલ મર્ડરઃ હિંસક ઝઘડામાં સામસામે બેનાં મોત
 
RTI અરજીનો ૩૦ દિવસના બદલે ૧૧૭મા દિવસે ક્લાર્કે મૌખિક જવાબ આપ્યોઃ માહિતી નહીં મળે
 
અંધારામાં ૭ કિ.મી. ચાલીને પધ્ધર પોલીસ નિર્જન રણમાં ચાલતી જુગાર ક્લબ પર ત્રાટકી