કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં રહેતા એક યુવાન વેપારીને પતાવી દેવાની ધમકી આપીને વિદેશી વોટસએપ નંબર પરથી બે કરોડ રૂપિયાની ખંડણી મગાતા પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે. ગળપાદરમાં રહેતા મૂળ રાજસ્થાનના વેપારીએ ખંડણી અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગત રાત્રે ફરિયાદ નોંધાવી છે. વેપારીને ૨૬ સપ્ટેમ્બરથી ધમકીભર્યાં ફોન આવવાનું શરૂ થયેલું. ખંડણીખોરોએ વેપારીને કૉલ કરવા ઉપરાંત ધમકીભરી ઑડિયો ક્લિપ પણ મોકલી છે. પોલીસે બનાવને ગંભીરતાથી લઈ તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ વિગતો જાણવા કચ્છખબરે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરીનો વારંવાર ફોન પર સંપર્ક સાધવા પ્રયાસ કર્યો પરંતુ ફોનની રીંગ સતત રણકતી જ રહી છે, સંવાદ થઈ શક્યો નથી.
ભૂતકાળમાં ખંડણી માટે હત્યા અપહરણ થયેલા છે
ભૂતકાળમાં ગાંધીધામમાં વિવિધ વેપારીઓ અને ઉદ્યોગપતિની ખંડણીના હેતુથી ગેંગસ્ટરો દ્વારા બંદૂકના ભડાકે હત્યા કરવાથી લઈ જાહેર માર્ગ પરથી ફિલ્મી ઢબે અપહરણ કરી જવાના ગંભીર બનાવો બનેલાં છે. જેને અનુલક્ષીને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
Share it on
|