કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉ જીઈબી ઑફિસમાં પટાવાળા તરીકે સરકારી નોકરી કરતાં ૪૩ વર્ષિય કનુ વિનુભાઈ પરમારે ભચાઉના પિતા પુત્ર સહિત ચાર વ્યાજખોરો સામે ગેરકાયદે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાવી છે. મહિને ૫૫ હજારના પગારે પ્યૂન તરીકે સરકારી નોકરી કરતાં મૂળ અરવલ્લીના બાયડ તાલુકાના કનુ પરમારે પોલીસને જણાવ્યું કે ધંધો કરવા હેતુ ૦૬-૧૧-૨૦૨૧ના રોજ તેણે વોંધના રફિક લુહાર પાસેથી બે લાખ રૂપિયાના ભાડે ઝેરોક્સની દુકાન ચલાવવા મેળવેલી. દુકાન ભાડે લીધી ત્યારે રફિકને એક લાખ રૂપિયા આપેલાં અને છ મહિના બાદ બાકીના એક લાખ રૂપિયાનો ચેક લખી આપી વ્યાજપેટે પચાસ હજાર રૂપિયા રોકડાં આપેલાં. છતાં રફિક હજુ ચાર લાખ રૂપિયાની ઉઘરાણી કર્યાં કરે છે.
ધંધામાં નુકસાન જતાં કનુએ તેના ઘરની પાછળ રહેતા શંકર ભીમા કાંટિયા (ગરવા) પાસેથી દસ ટકે ત્રણ લાખ રૂપિયા મેળવેલાં. શંકરે એડવાન્સમાં વ્યાજ પેટે ૬૦ હજાર રૂપિયા કાપી લીધેલાં. ૧૧-૧૧-૨૦૨૩ના રોજ શંકરને તેણે ૧ લાખ રોકડાં ચૂકવેલાં છતાં શંકર હજુ તેની પાસે વ્યાજપેટે બે લાખ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યો છે.
ઑગસ્ટ ૨૦૨૪માં કનુએ ભચાઉના અજીતસિંહ દેવુભા જાડેજા પાસેથી ૧૦ ટકા વ્યાજે ૫૦ હજાર રૂપિયા મેળવેલાં. અજીતે એડવાન્સમાં ૧૦ હજાર કાપીને તેને ૪૦ હજાર રૂપિયા આપેલાં. બીજા મહિને અજીતને ૧૫ હજાર રૂપિયા રોકડાં ચૂકવેલાં. પરંતુ, અજીત હવે વ્યાજપેટે ૮૦ હજાર રૂપિયા માગી રહ્યો છે.
અજીતનો બાપા દેવુ જાડેજા તેના ઘેર આવીને ભૂંડી ગાળો ભાંડે છે. થોડાંક દિવસો અગાઉ દેવુએ તેને જૂની મામલતદાર કચેરીએ બોલાવીને પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપેલી. ભચાઉ પીઆઈ શૈલેન્દ્રસિંહ જાડેજાએ બાપ બેટા સહિત ચારે વ્યાજખોરો સામે વિવિધ કલમો તળે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Share it on
|