કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ અંજાર આદિપુરના ચાર વ્યાજખોરો વિરુધ્ધ ગેરકાયદે વ્યાજે રૂપિયા ધીરીને વધુ પડતું વ્યાજ વસૂલીને પઠાણી ઉઘરાણી માટે ચેક બાઉન્સ કરાવવાની ધમકી આપતાં હોવાની ફરિયાદ નોંધાઈ છે. આદિપુરની જનતા કોલોનીમાં રહેતા અને કમિશન પર મકાન ભાડે અપાવવાનું કામ કરતા ૫૭ વર્ષિય દિનેશભાઈ ખાટવાએ એક મહિલા અને તેના ભાઈ સહિત ચાર સામે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ધંધામાં નુકસાની હોઈ ફરિયાદીએ ઑગસ્ટ ૨૦૧૯માં અંજારના મેઘપર બોરીચીની રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતી દક્ષાબા ઊર્ફે દિવ્યાબા વીરેન્દ્રસિંહ વાઢેર પાસેથી માસિક ૪ ટકા વ્યાજે ૧ લાખ રૂપિયા મેળવેલાં. ફરિયાદીએ તેને જૂલાઈ ૨૦૨૪ સુધીમાં ૨.૮૪ લાખ ચૂકવી આપ્યાં છે. એ જ રીતે, ૨૦૨૧માં ફરિયાદીએ અંતરજાળના ખોડાભાઈ માયાભાઈ આહીર પાસેથી સવા ૩ ટકાએ ૩ લાખ રૂપિયા મેળવેલાં.
ખોડાએ સ્યોરીટી પેટે કોરાં ચેક ઉપરાંત મકાનના દસ્તાવેજ મેળવીને, મકાન તેને વેચાતું આપ્યું હોવાના નોટરી પાસે સાટા કરાર લખાવી લીધાં હતાં.
ખોડાને જૂલાઈ ૨૦૨૪ સુધીમાં ૩.૪૦ લાખ ચૂકવી આપ્યા છે. એ જ રીતે, ૨૦૨૨માં ઘરની બાજુમાં ઑફિસ ધરાવતા હરપાલસિંહ ઝાલા પાસેથી પાંચ ટકા વ્યાજે એક લાખ રૂપિયા મેળવેલ. હરપાલે ગેરન્ટી પેટે એક લાખનો ચેક મેળવેલ. ફરિયાદીએ તેને દર મહિને પાંચ હજાર વ્યાજ લેખે જૂલાઈ ૨૦૨૪ સુધી ૬.૯૨ લાખ ચૂકવી આપ્યાં છે.
હવે વધુ રૂપિયા ચૂકવી શકવા સમર્થ નથી. આ મહિને વ્યાજ ના ચૂકવતાં વ્યાજખોરો તેને ચેક બાઉન્સ કરાવી દેવાની ધમકી આપે છે.
ખોડો મકાનના દસ્તાવેજ પાછાં ના આપવાની ધમકી આપે છે તો ૨૪ ઑગસ્ટે દિવ્યાના ભાઈ ચિરાગ ગઢવીએ ફોન કરીને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી.
Share it on
|