કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પૂર્વ કચ્છ પોલીસે એકસાથે પાંચ રીઢા બૂટલેગરોને ‘પાસા’ના પાંજરામાં પૂરી રાજ્યની વિવિધ જેલમાં ધકેલી દીધાં છે. આ બૂટલેગરો પર મોટી માત્રામાં વિદેશી શરાબના સંગ્રહ, વેચાણ અને હેરફેરના ગુના દાખલ થયેલાં છે. પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અંજારના નાની ખેડોઈના માધવનગરમાં રહેતા કુલદીપસિંહ ભરતસિંહ સરવૈયા અને તેના ભાઈ યુવરાજસિંહ ઊર્ફે શક્તિસિંહ ભરતસિંહ સરવૈયાની પાસા હેઠળ અટકી કરી બેઉને રાજકોટ જેલમાં ધકેલ્યાં છે. રાપરના ગેડી ગામના અર્જુનસિંહ હેતુભા વાઘેલા, આદિપુરના ધર્મેન્દ્ર ઊર્ફે ધમુ વિસનદાસ તેજવાણી (સિંધી) અને ગાંધીધામના ઓસ્લો સર્કલ પાસે ભાનુદર્શનમાં રહેતા હિંગળાજદાન ગોરુદાન ગઢવીની પાસા હેઠળ અટક કરી વડોદરા, અમદાવાદ અને સુરતની જેલમાં ધકેલી દીધાં છે.
કુલદીપ સામે અંજાર પોલીસ મથકે આર્મ્સ એક્ટ સાથે પ્રોહિબિશનને લગતાં ત્રણ ગુના તથા યુવરાજ સામે અંજાર, મુંદરા, ગાંધીધામમાં દારૂબંધીને લગતાં ચાર તથા ઉચાપત છેતરપિંડીને લગતા એક સહિત પાંચ ગુના નોંધાયેલાં છે. રાપરના અર્જુન વાઘેલા સામે રાપર પોલીસ મથકમાં દારૂબંધીને લગતાં બાર ગુના, ધર્મેન્દ્ર તેજવાણી સામે આદિપુર, લાકડીયા, ગાંધીધામમાં દારૂબંધીને લગતાં 6 ગુના તથા હિંગળાજ ગઢવી સામે ગાંધીધામ, અંજાર, થરાદમાં દારૂબંધીને લગતાં ચાર ગુના નોંધાયેલાં છે.
એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમા, રાપર પીઆઈ જે.બી. બુબડીયા સહિતનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો.
Share it on
|