click here to go to advertiser's link
Visitors :  
26-May-2024, Sunday
Home -> Gandhidham -> Fastest Verdict Gandhidham Court orders life term to child killer
Friday, 23-Feb-2024 - Gandhidham 49436 views
માસૂમ બાળકના હત્યારાને ગુનો કર્યાનાં ૧૧૮ દિવસમાં કૉર્ટે ફટકારી જનમટીપ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં બે વર્ષના માસૂમ બાળકની ઘાતકી હત્યા કરનારા હત્યારાને ગાંધીધામ સેશન્સ કૉર્ટે સખ્ત આજીવન કેદની સજા સાથે ૨૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૨૮ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ બનેલી હત્યાની ઘટનામાં ૧૧૮ દિવસની અંદર કૉર્ટે આરોપીને અપરાધી ઠેરવી જનમટીપ ફરમાવી છે.

હત્યારો રૂદલ રામલખન યાદવ (ઉ.વ.૪૦, રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, ગાંધીધામ મૂળ રહે. બિહાર) અને તેનો હમવતની મિત્ર રૂદલ સરયુગ યાદવ પાંચ હજારના ભાડાના ઘરમાં સંયુક્ત રીતે રહેતાં હતાં. બેઉના ઘરની રસોઈ પણ એક જ ચૂલે થતી હતી. બેઉની પત્નીઓ વચ્ચે મતભેદ શરૂ થતાં રૂદલ સરયુગ યાદવ તેની પત્ની અને બે વર્ષના પુત્ર અમનને લઈ બીજે રહેવા જતો રહ્યો હતો. મિત્ર અલગ રહેવા જતાં હત્યારા રૂદલને મકાન ભાડા અને કરિયાણાના ખર્ચ પેટે દર મહિને થતી અઢી હજારની બચત બંધ થઈ ગઈ હતી.

ઉશ્કેરાઈને તેણે બદલાની ભાવનાથી અમનનું અપહરણ કરીને કાસેઝના લાલ ગેટ નજીક ઝાડીઓમાં પથ્થર પર બેરહેમીથી પછાડી તથા માથામાં નિર્દયતાપૂર્વક પથ્થરના ઘા મારીને હત્યા કરી નાખી હતી. માસૂમ બાળકની નિર્દયતાપૂર્વક થયેલી હત્યાએ આમજનતા સાથે પોલીસ તંત્રને પણ હચમચાવી નાખ્યું હતું.

પૂર્વ કચ્છ પોલીસ દળે હત્યારાને તુરંત દબોચી લઈ તેને તત્કાળ સજા અપાવવા માટે ફક્ત એક જ અઠવાડિયાની અંદર તમામ તપાસ પૂર્ણ કરી પૂરાવાઓ સાથે ૫૫૦ પાનાં લાંબી ચાર્જશીટ દાખલ કરી હતી. સેશન્સ કૉર્ટે પણ કેસને ગંભીરતાથી લઈ સમયસર ટ્રાયલ ચલાવી અને દરેક મુદ્દતે પોલીસે પણ તમામ સાક્ષીઓને હાજર રખાવ્યાં હતાં. કૉર્ટે હત્યા બદલ રૂદલને જનમટીપ ફટકારવા ઉપરાંત અપહરણ બદલ પણ ૧૦ વર્ષની કેદ અને ૧૫ હજારનો દંડ ફટકાર્યો છે.

આ અધિકારીઓ વકીલને જાય છે યશ

કચ્છના ન્યાયતંત્રના ઈતિહાસમાં પહેલી વખત આટલી ઝડપથી હત્યાના ગુનામાં કોઈ આરોપીને ૩ માસ ૨૬ દિવસ અથવા ૧૧૮ દિવસની અંદર જનમટીપની સજા થયાનો ચુકાદો આવ્યો છે. આ માટે રેન્જ આઈજી જે.આર. મોથલિયા, એસપી સાગર બાગમાર, નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરી, ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરી, તપાસ કરનાર પીએસઆઈ બી.એસ. ઝાલા, FSL અધિકારી એચ.એમ. રાજપરા અને સરકારી વકીલ એસ.જી. રાણાએ ઉઠાવેલી જહેમતને યશ જાય છે.

કેસ કમિટ થયાનાં ૨ માસ ૨૫ દિવસમાં જ ચુકાદો

મદદનીશ જિલ્લા સરકારી વકીલ એસ.જી. રાણાએ જણાવ્યું કે આ કેસ બીજા અધિક સેશન્સ જજ બસન્તકુમાર જી. ગોલાણીની કૉર્ટમાં ચાલ્યો હતો. કૉર્ટે ફક્ત ૧૮ મુદ્દતમાં ૩૯ સાક્ષીઓને તપાસ્યાં હતાં. ૬૩ દસ્વાતેજી પૂરાવા અને ૩૯ મૌખિક પૂરાવાને અનુલક્ષીને કૉર્ટે કેસ કમિટ થયાનાં ૨ માસ ૨૫ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને જજમેન્ટ આપ્યું છે. આરોપીને કરવામાં આવેલા દંડની રકમમાંથી ફરિયાદીને વળતર પેટે ૩૦ હજાર રૂપિયા ચૂકવવા હુકમ કરાયો છે. ઉપરાંત વિક્ટિમ કોમ્પેન્સેસન સ્કિમ અંતર્ગત પરિવારને મળવાપાત્ર થતી વળતરની રકમ ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરાઈ છે.

Share it on
   

Recent News  
રાજકોટના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં ૨૪ બાળકો જીવતાં ભડથું
 
કાનમેર મર્ડર વીથ ફાયરીંગના ગુનામાં નાસતો ફરતો વલીમામદ ગગડા ઝડપાયો
 
લોકો હનીટ્રેપની ફરિયાદ નોંધાવતાં હજારવાર વિચારશે! માધાપરના તે યુવક પર રેપની FIR