કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કચ્છના ન્યાયતંત્રના ઈતિહાસમાં સંભવતઃ પહેલી વખત એક જઘન્ય હત્યાકેસના આરોપી સામે કૉર્ટે ઝડપી ટ્રાયલ ચલાવીને ફક્ત સાડા ૩ મહિનામાં તેને દોષી ઠેરવ્યો છે. ગાંધીધામમાં ગત ૨૮ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ બે વર્ષના માસૂમ બાળકની નિર્દયતાપૂર્વક હત્યા કરવાના ગુનામાં ગાંધીધામ સેશન્સ કૉર્ટે બિહારના આરોપી રૂદલ રામલખન યાદવને ગુનામાં અપરાધી ઠેરવ્યો છે. રૂદલને આવતીકાલે શુક્રવારે સજા જાહેર કરવામાં આવશે. આ કેસમાં સરકાર તરફે એડવોકેટ એસ.જી. રાણાએ દલીલો કરી હતી અને ગુનાને ‘રેરેસ્ટ ઑફ ધી રેર’ ગણાવી અપરાધીને મૃત્યુદંડની સજા આપવા માગ કરી છે.
પોલીસે ફક્ત એક સપ્તાહમાં ચાર્જશીટ કરેલી
૨૮-૧૦-૨૦૨૩ના રોજ બનેલી હત્યાની ઘટનામાં પૂર્વ કચ્છ પોલીસે આરોપીને તત્કાળ પકડી પાડી ફક્ત એક જ અઠવાડિયાની અંદર ૫૫૦ પાનાંની ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. ગંભીર ગુનાના કિસ્સામાં પોલીસે ફક્ત એક જ અઠવાડિયામાં કૉર્ટમાં તહોમતનામું ફરમાવ્યું હોય તેવો કચ્છ પોલીસના ઈતિહાસનો તે પહેલો દાખલો હતો. માસૂમ બાળકના હત્યારા સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે એકત્ર કરેલાં લોહી, લોહીવાળા પથ્થરના નમુના સહિતના સેમ્પલનું ફક્ત ૪૮ કલાકમાં પરીક્ષણ કરી FSLએ તેનો રીપોર્ટ તૈયાર કરી આપ્યો હતો. રેન્જ IG જે.આર. મોથલિયા, SP સાગર બાગમાર અને DySP એમ.પી. ચૌધરીની સૂચના તથા પીઆઈ એમ.ડી. ચૌધરીના સીધા માર્ગદર્શન તળે ૧૫ પોલીસ કર્મચારીઓએ દિવસ રાતને ગણકાર્યાં વગર ૨૮ સાક્ષીઓના નિવેદન નોંધવા, સીસીટીવી ફૂટેજ અને મુદ્દામાલ એકત્ર કરવા સહિતની મેરેથોન કામગીરી એક જ અઠવાડિયામાં સંપન્ન કરી સાડા પાંચસો પાનાંની ચાર્જશીટ તૈયાર કરી કૉર્ટમાં સબ્મિટ કરી હતી.
આ કારણે માસૂમની હત્યા કરેલી
રૂદલ યાદવે અગાઉ પોતાની સાથે પાંચ હજારના ભાડે શેરીંગમાં રહેતો રૂદલ યાદવ અલગથી ભાડે રહેવા જતાં ઉશ્કેરાઈને તેના બે વર્ષના માસૂમ બાળક અમનને ઉપાડી જઈ કાસેઝના લાલ ગેટ સામે આવેલી કાંટાળી ઝાડીમાં પથ્થર પર પછાડી તથા તીક્ષ્ણ પથ્થર માથામાં ઝીંકી દઈ હત્યા કરી હતી. બાળકનો પિતા અલગ રહેવા જતાં મકાન ભાડાંના અઢી હજાર રૂપિયા તથા રાશનના પૈસા બંધ થઈ જતાં રૂદલે આ ગુનો આચર્યો હતો.
Share it on
|