click here to go to advertiser's link
Visitors :  
30-Aug-2026, Sunday
Home -> Gandhidham -> Fake Documents Submitted for Anticipatory Bail in Cheating Case Another FIR Lodged
Sunday, 30-Aug-2026 - Gandhidham 599 views
ઠગાઈના ગુનામાં આગોતરા જામીન મેળવવા નકલી દસ્તાવેજો રજૂ થતાં વધુ એક ફોજદારી
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના અગ્રવાલ પરિવાર માટે કૌટુંબિક જમાઈના કાકાનો દીકરો જાણે કે માથાનો દુઃખાવો બની રહ્યો છે. તેની સામે અગાઉ ૨.૯૩ કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવાયેલી. આ ગુનામાં તેણે આગોતરા જામીન મેળવવા કૉર્ટમાં જે દસ્તાવેજો રજૂ કરેલાં તે બનાવટી હોવાનું બહાર આવતા હવે વધુ એક ફોજદારી ફરિયાદ નોંધાવાઈ છે.
કોણ છે આરોપી રામરતન અગ્રવાલ?

ગાંધીધામના અગ્રવાલ પરિવારના વિવિધ ભાઈઓ અને તેમના પુત્રો નમક ઉત્પાદન, યુરિયા ઉત્પાદન, ટ્રાન્સપોર્ટ વગેરે સહિત વિવિધ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ૨૦૧૫માં પરિવારની દીકરીના લગ્ન હૈદ્રાબાદ કરવામાં આવ્યા હતા. આ સમયે જમાઈના કાકાનો દીકરો રામરતન શિવરામ અગ્રવાલ સૌના પરિચયમાં આવ્યો હતો. હૈદ્રાબાદ રહેતા રામરતને પોતે ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટનો બિઝનેસ કરતો હોવાનું જણાવેલું.

૨.૯૩ કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવાયેલી

૨૦૨૪માં પ્રણવ નરસિંગ અગ્રવાલને તેના યુરિયા પ્લાન્ટ માટે વિદેશથી ૨૩ DEF મશિનો ઈમ્પોર્ટ કરવાની જરૂર ઊભી થયેલી. રામરતને પોતે આ મશિનો ઈમ્પોર્ટ કરી આપશે તેમ જણાવતાં પ્રણવે જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૪માં રામરતનની પેઢીના બેન્ક ખાતામાં મશિનોની ખરીદી પેટે ૭.૫૦ કરોડ જમા કરાવેલાં. પાછળથી હાલ આ મશિનો મળી શકે તેમ નથી કહીને રામરતને પોતે રૂપિયા પરત કરી દેશે તેમ જણાવેલું. તેણે ટુકડે ટુકડે ૪ કરોડ ૫૬ લાખ ૯૫ હજાર રૂપિયા પરત આપેલા પરંતુ બાકીના ૨.૯૩ કરોડની ‘ટોપી’ ફેરવેલી. જેથી ૧૮ જૂન ૨૦૨૫ના રોજ પ્રણવે રામરતન સામે ગાંધીધામ એ ડિવિઝનમાં વિશ્વાસઘાત છેતરપિંડીની કલમો તળે ફરિયાદ નોંધાવેલી.

૧૫ કરોડનું મીઠું ખરીદી આપેલા ચેક થયાં બાઉન્સ

એકતરફ, રામરતન પ્રણવને ૨.૯૩ કરોડની ‘ટોપી’ પહેરાવી રહ્યો હતો બીજી તરફ એપ્રિલ ૨૦૨૫માં રામરતને પ્રણવના પિતરાઈ ભાઈ જતિન સત્યનારાયણ અગ્રવાલની કંપની પાસેથી ૧૫ કરોડ રૂપિયાનું મીઠું ખરીદેલું. પેમેન્ટ પેટે તેણે જતિનની જુદી જુદી ૭ પેઢીઓની ફેવરમાં અલગ અલગ રકમ લખેલા ૩૦ ચેક ઈસ્યૂ કરેલાં. જો કે, તમામ ચેક પાછળથી રિટર્ન થયેલાં અને જતિને રામરતન સામે ગાંધીધામની કૉર્ટમાં નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ તળે ફરિયાદો દાખલ કરાવી હતી.

કૉર્ટમાં રજૂ કર્યાં વિવિધ કંપનીના નકલી લેટરપેડ

પ્રણવે નોંધાવેલી ઠગાઈની ફરિયાદ અનુસંધાને રામરતને ઓક્ટોબર ૨૦૨૫માં ગાંધીધામની સેશન્સ કૉર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલી. આ જામીન અરજી સાથે તેણે પ્રણવ અને જતિનની ડાયરેક્ટરશીપની વિવિધ કંપનીઓના નકલી લેટરપેડ પરના લખાણ, લોન એગ્રીમેન્ટ વગેરે રજૂ કર્યાં હતા.

જેમાં બોગસ સહીઓ સાથે એ મતલબનું લખાણ હતું કે આપેલા ચેકો કેન્સલ કરેલાં છે. ઈલેક્ટ્રોનિક માધ્યમથી રામરતને નકલી લેટરપેડ બનાવી બોગસ સહી સાથેનું બનાવટી લખાણ તૈયાર કર્યું હતું.

જો કે, રામરતનને આ કારીગરી કામ આવી નહોતી અને કૉર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. રામરતને શરૂઆતથી ઠગાઈના બદઈરાદે ધંધાકીય લેણદેણ કરી હોવાનું અને બોગસ સહીઓ સાથેના દસ્તાવેજો બનાવ્યાં હોઈ જતિન અગ્રવાલે આદિપુર પોલીસ મથકે તેની વિરુધ્ધ ફોર્જરીની વિવિધ કલમો તળે વધુ એક ગુનો દાખલ કરાવ્યો છે.

Share it on
   

Recent News  
૫૦ લાખ પડાવવા સુરતમાં યુવકનું અપહરણ કરવા જતા ભુજના સૂત્રધાર સહિત ત્રણ પકડાયાં
 
સસ્તાં સોનાના નામે ભુજના ચીટર મીઠીયા અને તેના પુત્રોએ ૫૪.૧૫ લાખની કરી ઠગાઈ
 
નખત્રાણાના પત્રકારના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના ૧૯.૧૬ લાખ જમા થતાં ફરિયાદ દાખલ