કચ્છખબરડૉટકોમ, અંજારઃ લગ્નેતર સંબંધોમાં જ્યારે વિવાદ વિખવાદો સર્જાય છે ત્યારે ઘણીવાર તે વરવું સ્વરૂપ ધારણ કરતાં હોય છે. વરસામેડીના ૭૦ વર્ષિય વૃધ્ધે છેલ્લાં ૧૫ વર્ષથી વિધવા સાથે કેળવેલાં ગાઢ સંબંધો હવે બ્લેકમેઈલીંગ થકી લાખ્ખો રૂપિયાની માંગણી સુધી પહોંચી જતાં તેમણે ઢળતી ઊંમરે મહિલા સામે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પચાસ લાખ મેળવ્યા પછી પણ વધુ રુપિયાની માગણી
મુંદરાના સમાઘોઘામાં આવેલી જિન્દાલ સો પાઈપ્સમાં મહત્વની પોસ્ટ પરથી નિવૃત્ત થયેલાં મૂળ હરિયાણાના હિસ્સારના વતની રતનલાલ ગોયલ (રહે. રાજવી રેસિડેન્સી, વરસામેડી સીમ, અંજાર)એ મુંદરા રહેતી સીમા અનિલ અગ્રવાલ (મૂળ રહે. હિમાચલ પ્રદેશ) સામે બળાત્કારની ફરિયાદમાં ફીટ કરાવી દેવાના ભયમાં મૂકીને પચાસ લાખ રૂપિયા જેટલી રકમ બળજબરીથી કઢાવી લીધી હોવાનું અને હજુ બ્લેકમેઈલીંગ કરીને લાખ્ખો રૂપિયાની ખંડણી માંગતી હોવાની ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮ (૬) હેઠળ ફરિયાદ નોંધાવી છે.
પંદર વર્ષ અગાઉ આ રીતે પરિચય કેળવાયેલો
વરસામેડીમાં સપરિવાર રહેતાં ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે તેઓ જ્યારે મુંદરાની કંપનીમાં નોકરી કરતાં હતા ત્યારે પંદરેક વર્ષ અગાઉ ભુજમાં કંપનીના ઠેકેદારે તેમનો પરિચય સીમા સાથે કરાવ્યો હતો. સીમા વિધવા હોવાનું, બે દીકરા અને દીકરીની માતા હોવાનું અને ભુજ નજીક એન્કર કંપનીમાં નોકરી કરીને માંડ પેટિયું રળતી હોવાનું કહીને તેને જરુર પડ્યે આર્થિક મદદ કરવા ઠેકેદારે સૂચન કરેલું.
સીમા ફરિયાદીના સમાજની હતી અને પરિચય કેળવાયાં બાદ ફરિયાદીએ તેને જરૂર પડ્યે આર્થિક મદદ કરવાનું શરૂ કરેલું.
બંનેનો પરિચય પ્રગાઢ બન્યો હતો અને એકમેકની સહમતી સાથે શારીરિક સંબંધો બંધાયેલાં. ફરિયાદીના પરિવાર સાથે પણ સીમાનો નાતો જોડાયો હતો. તે અવારનવાર ફરિયાદીના ઘેર સારા નરસા પ્રસંગ અને તહેવારે આવતી જતી રહેતી હતી.
સીમાના માંગણી મુજબ ફરિયાદીએ તેને ડમ્પર તથા ટ્રેક્ટર ટ્રૉલી લઈ આપેલા અને તે પુત્રની કંપનીમાં કામે લગાડી આપેલાં.
ફરિયાદી સીમાને ઘરખર્ચ અને સંતાનોના અભ્યાસનો ખર્ચ આપતાં. આ રીતે અત્યારસુધીમાં તેમણે ૨૫થી ૩૦ લાખ રૂપિયા આપ્યા છે.
રુપિયાની સતત માંગણીથી કંટાળી ફરિયાદીએ ઈન્કાર કર્યો
ફરિયાદી નિવૃત્ત થયાં બાદ પણ સીમાની રૂપિયાની માંગણી વધતી જતી હતી. તેણે હજુ વધુ એક ડમ્પર લઈ આપવા, દીકરીના લગ્નનો ખર્ચો આપવા દબાણ કરવાનું શરૂ કરેલું. ફરિયાદીએ ઈન્કાર કરી દેતાં તેણે બળાત્કારના ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાનું અને મિલકતમાં ભાગ માગવાનું શરૂ કરેલું.
ફરિયાદીએ તેને મળવાનું અને ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં સીમાએ ફરિયાદીના પુત્રને રૂબરૂ મળીને ‘તારા પિતા મારા કાયદેસરના પતિ છે’ કહીને માથાકૂટ કરેલી.
એટલું જ નહીં, ફરિયાદીને ઘરે મળવા આવી ત્યારે ફરિયાદીએ ચોકીદાર મારફતે તેને ઘરમાં પ્રવેશવા ના દેતાં સીમા અને તેની પુત્રીએ ઘર બહાર ભૂંડા આરોપ સાથે ઊંચા અવાજે બોલાચાલી કરીને હોબાળો મચાવ્યો હતો.
પોલીસને અરજી આપી પાછી ખેંચવા ૪૦ લાખ માગ્યા
ફરિયાદીએ તેની સાથેના સંબંધો તોડી નાખતાં સીમાએ ફરિયાદી અને તેમના પુત્ર સામે મુંદરા પોલીસ મથકે ફરિયાદ અરજી આપેલી. તે પોલીસ મથકે નિવેદન આપવા ગયા ત્યારે સીમાએ ૪૦ લાખ રૂપિયાની માંગણી કરીને ફરિયાદ અરજી પાછી ખેંચી લેવાની ઑફર કરી હતી. સીમાના ત્રાસથી હેબતાઈ ગયેલાં ફરિયાદીની શારીરિક તબિયત પણ લથડી ગઈ હતી. પરિવાર સાથે ચર્ચા વિચારણા કર્યાં બાદ તેમણે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|