|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ સોશિયલ મીડિયા પર ‘એક કા તીન’ના નામે લોકોને અસલીના નામે ચિલ્ડ્રન બેન્કની નકલી નોટો કે કોરાં કાગળોની થપ્પીઓ પધરાવી ઠગાઈ કરતી ગેંગના લીધે પટણા ડીઆરઆઈને કચ્છનો ફેરો ખાવો પડ્યો છે! પાકિસ્તાનથી નકલી ભારતીય ચલણી નોટોનું ભારતમાં સ્મગલિંગ થતું હોવાની ઠગોની વાતોથી ભરમાઈને છેક બિહારથી ગાંધીધામ આવેલી ડીઆરઆઈની ટીમે બે જણને પકડ્યાં તો ખરાં. પરંતુ તેમની પાસેથી નકલી નોટોના બદલે ઉપર નીચે પાંચસો પાંચસોની અસલી નોટો અને વચ્ચે કોરાં કાગળો રાખેલાં ૬ બંડલો નીકળ્યાં! કસ્ટમ્સ એક્ટ તળે ગુનો બનતો ના હોઈ અંતે બેઉને પોલીસના હવાલે કરી દીધાં. ગઈકાલે સાંજે ગાંધીધામ રેલવે સ્ટેશનના ગેટ પર એક સ્વિફ્ટ કારને ઘેરી વળીને ગાંધીધામ અને પટણા DRI તથા DGGIના અધિકારી કર્મચારીઓએ અંદર રહેલાં બે યુવકોને ઝડપી પાડ્યાં હતા.
જાહેર સ્થળે થયેલી આ કાર્યવાહી જોઈને લોકોનું ટોળું એકઠું થઈ ગયેલું અને જેટલાં મોઢાં તેટલી વાતો ચર્ચાવા માંડી હતી. બેઉ જણને DRIની ઑફિસે લઈ જઈ પૂછપરછ શરૂ કરાયેલી.
તલાશી લેતાં તેમની પાસેથી ઉપર નીચે પાંચસોની અસલી નોટ અને વચ્ચે કોરાં કાગળો રાખ્યાં હોય તેવી છ થપ્પી મળી આવી હતી. પંચનામું અને પૂછપરછ બાદ બેઉ સામે કસ્ટમ્સ એક્ટ તળે નહીં પરંતુ ભારતીય ન્યાય સંહિતાની કલમો તળે ગુનો બનતો હોવાનું પામીને બેઉને પોલીસ હવાલે કરી દેવાયાં હતા.
જાણો શો હતો મામલો અને કોણ ઝડપાયાં
DRIએ અંજારના મુસ્તાક કાસમશા શેખ અને અલ્તાફ હુસેન કાસમશા શેખ (બંને રહે. હેમલાઈ ફળિયું, અંજાર)ને પકડ્યાં હતા. પોલીસે બેઉની પૂછપરછ કરતાં તેમણે કબૂલ્યું કે ભુજના રમજુ કાસમશા શેખ સાથે તેમને નાનપણથી સારો પરિચય છે. રમજુએ વીસ દિવસ અગાઉ બેઉ જણને જણાવેલું કે ‘એક પાર્ટી આવવાની છે, તેને આ નકલી નોટોના બંડલ આપીને તેની પાસેથી દસ લાખ લેવાના છે. આ કામ બદલ તમને બેઉને હું વીસ વીસ હજાર રૂપિયા આપીશ’
ગઈકાલે બપોરે રમજુ નંબર પ્લેટ વગરની ક્રેટા કાર લઈને આવેલો અને બેઉને ફોન કરી આશાબા વે બ્રિજ પાસે બોલાવેલાં.
રમજુએ બેઉને ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે એક કેબિન આગળ થેલાં લઈને ઊભેલાં બે માણસો પાસેથી દસ લાખ લઈને નકલી નોટોના બંડલ પધરાવી દઈ ત્યાંથી તરત નીકળી જવા સૂચના આપીને ગાંધીધામ મોકલેલાં. જો કે, હકીકતમાં તે માણસો ડીઆરઆઈના માણસો હતા અને જેવા બેઉ જણ સ્વિફ્ટ કારમાં નોટોની હેરાફેરી કરવા માટે આવ્યાં કે તરત બેઉને પકડી લેવાયાં હતા.
પોલીસે ઠગ ત્રિપુટી સામે ગુનો દાખલ કર્યો
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પાંચસોના દરની અસલી ૧૨ નોટ, સ્વિફ્ટ કાર, બે મોબાઈલ ફોન વગેરે સાથે ધરપકડ કરી રમજુ શેખ સહિત ત્રણે વિરુધ્ધ ગુનાહિત કાવતરું રચીને, પોતાના આર્થિક ફાયદા માટે ઠગાઈના ઈરાદે નકલી નોટોના બંડલ પધરાવી અસલી નોટો પડાવવાની કોશીશ કરવા બદલ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Share it on
|