|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ચોપડાં પર ખોટું લખાણ કે દસ્તાવેજ કર્યો હોય તો તેનું ભૂત કદી પીછો છોડતું નથી. ગાંધીધામની પૂર્વ નગરસેવિકાને ચૂંટણી ફોર્મમાં મિલકતની વિગત છૂપાવવાના મામલામાં એક દાયકા બાદ ફોજદારી ફરિયાદનો સામનો કરવાનો વારો આવ્યો છે. પૂર્વ નગરસેવિકા ચંદ્રિકાબેન કિશોરભાઈ દાફડાએ ફોજદારી કાર્યવાહીથી બચવા માટે હાઈકૉર્ટમાં ખોટાં સાટા કરાર રજૂ કર્યા હોવા મામલે ફરિયાદ દાખલ થઈ છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ઈપીકો કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૮ અને ૪૭૧ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પાલિકા ચૂંટણીના ઉમેદવારી ફોર્મમાં વિગત છૂપાવેલી
ગાંધીધામ નગરપાલિકાની ૨૦૧૫ની ચૂંટણીમાં વૉર્ડ નંબર ૧૧માંથી ચંદ્રિકાબેન દાફડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મમાં ચંદ્રિકાબેને મિલકતની સંપૂર્ણ વિગતો જાહેર ના કરી હોવાનું ધ્યાને આવતા ગાંધીધામના નાગરિક વેલજી નામોરી મહેશ્વરીએ ચૂંટણી અધિકારી સમક્ષ આરટીઆઈ કરીને વધુ વિગતો મેળવી હતી. ચંદ્રિકાબેને તેમના નામે ભચાઉના છાડવાડા ગામે આવેલી સર્વે નંબર ૪૮૨/૧/૧ જમીનની વિગતો ઉમેદવારી ફોર્મમાં ના દર્શાવી હોવા મુદ્દે વેલજી મહેશ્વરીએ વાંધો લઈને ચૂંટણી અધિકારી સમક્ષ કાર્યવાહી કરવા રજૂઆત કરેલી.
ગાંધીધામ કૉર્ટમાં ફરિયાદ દાખલ કરાયેલી
સમય મર્યાદા બાદ રજૂઆત આવી હોવાનું જણાવી ચૂંટણી અધિકારીએ પગલાં લેવાનો ઈન્કાર કરતાં વેલજીભાઈએ ગાંધીધામની લૉઅર કૉર્ટમાં ક્રિમિનલ ઈન્કવાયરી દાખલ કરેલી. કૉર્ટે ક્રિમિનલ કેસ રજિસ્ટર કરી કાર્યવાહી હાથ ધરતાં ચંદ્રિકાબેને આ કેસને રદ્દબાતલ ઠેરવવા ૨૦૧૮ના વર્ષમાં હાઈકૉર્ટમાં અરજી દાખલ કરેલી. હાઈકૉર્ટે તેના પર સ્ટે ફરમાવ્યો હતો.
હાઈકૉર્ટમાં નકલી સાટા કરાર રજૂ કર્યાનો આરોપ
હાઈકૉર્ટમાં કરેલી ક્વૉશિંગ પિટિશન સાથે ચંદ્રિકા દાફડાએ ભચાઉની તે જમીન લક્ષ્મીબેન વાછીયાભાઈ મહેશ્વરીને ૨૯-૦૨-૨૦૧૨ના રોજ વેચી હોવાના પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરેલા નોટરાઈઝ્ડ સાટા કરારની નકલ જોડી હતી. ગાંધીધામના નોટરી સપના ડી. દાદલાણી પાસે નોટરી કરાવાઈ હતી, જેમાં કુલ ચાર લોકોની સહી હતી.
એક જ સિરિયલ નંબર પર બે દસ્તાવેજ બનેલાં
અરજદારે નોટરીના રજિસ્ટરની વિગત તપાસતાં જાણવા મળેલું કે સાટા કરારના નોટરી દસ્તાવેજમાં જે સિરિયલ નંબર દર્શાવાયો હતો તે જ સિરિયલ નંબરવાળું તે જ દિવસે અન્ય એક સોગંદનામું બન્યું હતું.
આ સોગંદનામું સુભાષભાઈ દેવશીભાઈ ઉકાણી અને રસિલાબેન માવજીભાઈ કાનાણીના નામનું હતું જેમાં ‘લગ્ન થયાં બાદ અમો બેઉ પતિ પત્ની તરીકે સાથે રહીએ છીએ’ તે મતલબનું લખાણ અને તેમની સહી હતી!
જેથી ચંદ્રિકાબેને જમીનના કેસમાંથી બચવા માટે સાટા કરારનો નકલી દસ્તાવેજ પાછળથી તૈયાર કરીને હાઈકૉર્ટ સમક્ષ રજૂ કર્યો હોવાનો ફરિયાદમાં જણાવાયું છે.
૨૦૨૨માં જમીન વેચી, સાટા કરારનો કોઈ ઉલ્લેખ નહીં
ફરિયાદમાં આરોપ કરાયો છે કે ૨૦-૦૬-૨૦૨૨ના રોજ છાડવાડાની એ જમીન રાજદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા નામના શખ્સને વેચી મરાઈ હોવાનો ભચાઉ સબ રજિસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ નોંધાયો હતો. આ દસ્તાવેજમાં ક્યાંય જણાવાયું નથી કે આ જમીન અગાઉ સાટા કરારથી લક્ષ્મીબેન મહેશ્વરીને વેચવામાં આવેલી અને તે સાટા કરાર પાછળથી રદ્દ કરાયાં છે.
આમ, ચંદ્રિકાબેન દાફડાએ ગાંધીધામ કૉર્ટમાં ચાલતાં કેસને રદ્દ કરાવવા હાઈકૉર્ટમાં કરેલી અરજી સાથે સાટા કરારનો ખોટો કે પાછળથી ઊભો કરેલો દસ્તાવેજ સાચાં દસ્તાવેજ તરીકે જોડીને હાઈકૉર્ટ જોડે ઠગાઈ કરવા પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
૨૨-૦૮-૨૦૨૫ના રોજ હાઈકૉર્ટે ચંદ્રિકા દાફડાની પિટિશન ફગાવી દઈ, અગાઉ આપેલો સ્ટે દૂર કરી દેવાનો હુકમ કર્યાં બાદ વેલજીભાઈના ૬૫ વર્ષિય ભત્રીજા નાગશી હમીરભાઈ ચુણા (મહેશ્વરી)એ ફરિયાદ નોંધાવી છે. પીઆઈ એમ.ડી. ચૌધરીએ તપાસ હાથ ધરી છે.
Share it on
|