|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ રાપર તાલુકાના આડેસર ગામે આજે પરોઢે સર્જાયેલી દુર્ઘટનામાં બે બાળકીઓ અને માતાના ઘરના પાણીના ભૂગર્ભ ટાંકામાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. આડેસર પોલીસ સ્ટેશને આપેલી માહિતી મુજબ સવારે સાડા છના અરસામાં બનાવ બન્યો હતો. આડેસરમાં રહેતા રૈયાબેન રવાભાઈ મકવાણા (આહીર) (ઉ.વ. ૨૮) અને તેમની બે દીકરીઓ આરતીબેન (ઉ.વ. પાંચ વર્ષ) તથા આયુષી (ઉ.વ. 3 માસ)ના ઘરના પાણીના ટાંકામાંથી ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાં હતા. મૃતક રૈયાબેનના પતિ ખાનગી કંપનીમાં નાઈટ શિફ્ટમાં નોકરી પર હતા. દીકરી રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી ગઈ હોય અને તેને બચાવવા જતાં દુર્ઘટના સર્જાઈ હોય તેવી શક્યતા પોલીસ સમક્ષ દર્શાવાઈ છે. જો કે, બનાવ ખરેખર અકસ્માતનો છે કે આપઘાતનો તે અંગે આડેસર પીઆઈ જે.એમ. વાળાએ ગહન તપાસ હાથ ધરી છે.
ઘરમાં સૂતેલી એક દીકરીનો થયો બચાવ
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મૃતક રૈયાબેનને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. બનાવ સમયે વચેટ દીકરી ઘરમાં સૂતી હતી અને તે બચી ગઈ છે. દંપતીને એકમેક સાથે ખૂબ સારો મનમેળ હતો. પોલીસે વિવિધ એંગલ પર તપાસ શરૂ કરી છે.
મુંદરામાં મોર્નિંગ વૉકર બે મહિલાને ટ્રકે ટક્કર મારી, એકનું મોત
પોર્ટ સીટી મુંદરામાં ભારેખમ માલવાહક વાહનોની અવરજવરથી અવારનવાર પ્રાણઘાતક અકસ્માતો સર્જાય છે. આજે પરોઢે સાડા છના અરસામાં મોર્નિંગ વૉક પર નીકળેલી બે મહિલાને એક ટ્રકે પાછળથી ટક્કર મારતાં એક મહિલાનું ગંભીર ઈજાથી સ્થળ પર મૃત્યુ નીપજ્યું છે. અન્ય મહિલાને ગંભીર હાલતમાં ગાંધીધામની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે. પોલીસે જણાવ્યું કે દુર્ઘટના બારોઈ રોડ પર શિશુ મંદિર સ્કુલના ગેટ સામે સર્જાઈ હતી. મરણ જનાર વૈશાલીબેન ભૂપેન્દ્રભાઈ પીપરાણી (ઠક્કર) (ઉ.વ. ૪૮) તેમની સખી અરુણાબેન અનિલભાઈ ઠક્કર સાથે મોર્નિંગ વૉક પર નીકળ્યાં હતા. પાછળથી આવી રહેલી GJ-27 TA-1741 નંબરની ટ્રકના ચાલકે બેઉને જોરદાર ટક્કર મારી હતી. જેમાં માથામાં ગંભીર ઈજાથી વૈશાલીબેનનું સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક લોહાણા સમાજના પ્રમુખ હતા
અરુણાબેનને પણ મોંઢા અને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે. તેમને નાજૂક હાલતમાં ગાંધીધામની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે. મરણ જનાર વૈશાલીબેન મુંદરા તાલુકા લોહાણા સમાજના મહિલા પ્રમુખ હતા. દુર્ઘટનાથી સમસ્ત લોહાણા સમાજમાં ઘેરો આઘાત છવાઈ ગયો છે.
Share it on
|