કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પૂર્વ કચ્છમાં એક મહિના બાદ ગાંધીધામ નજીકથી ફરી આધુનિક હથિયારોના ફૂટેલાં કાર્ટ્રીજ બુલેટનો જંગી જથ્થો મળી આવ્યો છે. પૂર્વ કચ્છ એસઓજીએ બાતમીના આધારે કંડલાથી તુણા જતા હાઈવે પર આવેલા પુલ નીચે પાણીમાં ફેંકી દેવાયેલા પ્લાસ્ટિકના કોથળામાંથી ૪૨ કિલોગ્રામ ફૂટેલાં કારતૂસ અને તેના ખોખાં જપ્ત કર્યાં છે. પીઆઈ ડી.ડી. ઝાલાએ જણાવ્યું કે AK 46 અને AK 47 જેવા વિવિધ આધુનિક બંદુકો અને મશીનગનમાં વપરાતાં ફૂટેલાં કારતૂસનો જથ્થો છે. પોલીસ માની રહી છે કે વિદેશથી આયાત થયેલાં સ્ક્રેપમાં આ જથ્થો નીકળ્યો હશે અને પોલીસ કામગીરીથી બચવા માટે કોઈએ કોથળો પુલ નીચે ફેંકી દીધો હશે. ઉલ્લેખનીય છે કે ૧૬-૦૯-૨૦૨૪ના રોજ એસઓજીએ મીઠીરોહર ઓવરબ્રિજ નીચે આવેલા એક ભંગારવાડામાં દરોડો પાડી ગૃહયુધ્ધગ્રસ્ત યમનથી ઈમ્પોર્ટ થયેલા સ્ક્રેપમાંથી પણ આવા ફૂટેલાં કારતૂસનો જથ્થો જપ્ત કર્યો હતો.
Share it on
|