click here to go to advertiser's link
Visitors :  
07-Aug-2026, Friday
Home -> Gandhidham -> East Kutch Police Nab 5 more accused in 5.55 Crore Extortion Case
Friday, 07-Aug-2026 - Gandhidham 1121 views
૫.૫૫ કરોડના ખંડણીકાંડમાં વધુ પાંચ આરોપી ઝડપાયાં: ૧૭ દિવસમાં ૭૫ ટકા રકમ રિકવર
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના શિપીંગ બિઝનેસમેનને બંધક બનાવી, માર મારીને તેના દુબઈ રહેતા ભાઈ પાસેથી ૫.૫૫ કરોડની ખંડણી વસૂલવાના ગુનામાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પૂર્વ કચ્છ પોલીસે વેપારીનું અપહરણ કરી, માર મારનારા મુખ્ય આરોપી જાવેદ અભુ સાયચા અને તેના બે સાગરીતો સોહિલ જુસબ બુચડ અને રીઝવાન હુસેન કીચાની પંજાબના ભટીંડાથી ધરપકડ કરી છે.

એટલું જ નહીં, ખંડણીરૂપે વસૂલાયેલાં USDTને ક્રિપ્ટોમાં ટ્રાન્સફર કરનારાં જામનગર અને અમદાવાદના વધુ બે આરોપીને ઝડપી પાડી ૩ કરોડ ૬૮ લાખ ૬૫ હજાર રૂપિયા રિકવર કર્યાં છે.

૨૧-૦૭-૨૦૨૬ના રોજ બનેલા બનાવના પગલે ત્રણ લોકો સામે નોંધાયેલાં આ ગંભીર ગુનામાં પૂર્વ કચ્છ પોલીસ દળની વિવિધ ટુકડીઓએ ખંતપૂર્વક ઝડપી તપાસ હાથ ધરીને કેવળ ૧૭ દિવસની અંદર કાવતરું ઘડનારા સૂત્રધાર સહિત કુલ ૧૫ લોકોની અરેસ્ટ કરીને ખંડણી પેટે વસૂલાયેલા નાણાંમાંથી ૭૫ ટકા રકમ રિકવર કરીને પ્રજાના રક્ષક તરીકે નમુનેદાર કામગીરી કરી દેખાડી છે.

શિપીંગ બિઝનેસમેન દિલીપભાઈ મજેઠીયાને બંધક બનાવી દુબઈ રહેતા તેના ભાઈ નરેશ ઊર્ફે લાલો પાસેથી ખંડણી વસૂલવાનું ષડયંત્ર દિલીપભાઈના જ પરમ મિત્ર હર્ષ સદાદપુરીએ રચ્યું હતું. દિલીપભાઈને ઉપાડીને, બંધક બનાવવાનું કામ હર્ષે જાવેદ અભુ સાયચાને સોંપેલું. જાવેદે અન્ય બે સાગરીતો સોહિલ બુચડ અને રીઝવાન કીચાને ગુનામાં સામેલ કરેલાં. ગુનો આચર્યાં બાદ જાવેદ અને તેના બે સાગરીતો કચ્છ છોડી ફરાર થઈ ગયેલાં.

ગુનો નોંધાયાના એક જ સપ્તાહમાં પોલીસે નરેશ પાસેથી USDTમાં વસૂલેલી ખંડણીને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરાવી અલગ અલગ વોલેટમાં તબદીલ કરાવનાર હર્ષ સહિતના ૭ આરોપીઓની સંડોવણીના તાર ખોલીને તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ, ચોથી ઑગસ્ટે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસે ગુજરાત ATS અને પંજાબ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સની મદદથી ભટીંડાથી જાવેદ, સોહિલ અને રીઝવાનની ધરપકડ કરી છે. તો, પોતાના વોલેટમાં ક્રિપ્ટો ટ્રાન્સફર કરાવનાર જામનગરના મુનાવર મન્સુર બુચડ અને અમદાવાદના નાગજી બળદેવભાઈ દેસાઈની ધરપકડ કરી છે.

મુનાવર પાસેથી પોલીસે ૫૭.૫૦ લાખ રોકડાં રૂપિયા રિકવર કર્યાં છે. તેના વોલેટમાંથી ૧ લાખ ૩૦ હજાર ૧૨૮ USDT (ભારતીય ચલણમાં રૂપિયા ૧ કરોડ ૨૩ લાખ ૬૨ હજાર ૧૬૦) રિકવર કર્યાં છે. એ જ રીતે, જાવેદના સાયચાના વોલેટમાંથી ૧ લાખ ૯૭ હજાર ૪૦૭ USDT (ભારતીય ચલણમાં રૂપિયા ૧ કરોડ ૮૭ લાખ ૫૩ હજાર ૬૬૫) રિકવર કર્યાં છે.

અગાઉના આરોપીઓ પાસેથી રિકવર કરેલાં ૪૪.૬૬ લાખ રોકડાં રૂપિયા સાથે અત્યારસુધીમાં કુલ રિકવર કરેલી રકમનો આંકડો ૪ કરોડ ૧૩ લાખ ૩૧ હજાર ૮૨૫ રૂપિયા પર પહોંચ્યો છે.

અત્યારસુધી પકડાયેલાં તમામ ૧૫ આરોપીના નામ

(૧) હર્ષ કિશોરભાઈ તુલસીદાસ સદાદપુરી (૨) રાજ દીપક ધનવાણી (૩) ઈબ્રાહિમ જુસબ બુચડ (૪) હુસેન જુસબ બુચડ (૫) શબ્બિર અભુ સાયચા (૬) લક્ષ્મણ ઊર્ફે લચ્છુ લીલારામ હેમનાણી (૭) સચિન વિકાસ આનંદાની (૮) વિનીત લક્ષ્મણભાઈ જાદવાણી (સિંધી) (૯) અનમોલ આનંદકુમાર નંદા (ભાનુશાળી) (૧૦) વિશાલ ધનરાજ ગોસ્વામી (૧૧) જાવેદ અભુ સાયચા (૧૨) સોહિલ જુસબ બુચડ (૧૩) રીઝવાન હુસેન ખીચા (૧૪) મુનાવર મન્સુર બુચડ અને (૧૫) નાગજી બળદેવ દેસાઈ

અત્યારસુધીમાં જપ્ત થયેલો અન્ય માલ

૧૦ લાખ ૩ હજારની કિંમતના કુલ ૩૦ મોબાઈલ ફોન અને ૧૨ લાખની થાર ગાડી

Share it on
   

Recent News  
NO ONE KILLED JYOTI નાળામાંથી મળેલી અજાણી લાશના કેસમાં કોઈ ગુનો ના નોંધાયો!
 
ગાંજાની કમાણીથી વસાવેલી મિલકતો જપ્તઃ પૂર્વ કચ્છ પોલીસે પિન્ટુને રસ્તે લાવી દીધો!
 
રામમંદિરમાં ચંદા ચોરી બદલ કચ્છના સંતો સનાતનીઓની લાગણીઓ ના દુભાઈ!