click here to go to advertiser's link
Visitors :  
18-Jan-2026, Sunday
Home -> Gandhidham -> East Kutch Police Detects Temple Theft Arrests Two Member Of Garasiya Gang
Saturday, 29-Nov-2025 - Gandhidham 31329 views
ભચાઉના દેરાસરમાં ચોરી કરનાર ગરાસીયા ગેંગ ઝડપાઈઃ પોલીસે વેશપલટો કરી બેને ઝડપ્યાં
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ભચાઉના છાડવાડા નજીક આવેલા નમસ્કાર જૈન તીર્થમાં દેવ પ્રતિમાઓ પર ચઢાવાયેલા ઘરેણાં અને દાન પેટીની રોકડની ચોરી કરનાર રાજસ્થાનની ગરાસીયા ગેંગને પૂર્વ કચ્છ પોલીસે એક સપ્તાહની અંદર ઝડપી પાડી છે. મંદિરોના પથ્થરો પર કોતરણી કામ કરતી આ ગેંગ પાછળથી એ જ મંદિરોમાં ચોરી કરવા માટે કુખ્યાત છે. ગત ૨૧-૨૨ નવેમ્બરની રાત્રે આ ગેંગે જૈન તીર્થમાં પથ્થરની જાળી તોડી અંદર પ્રવેશીને ચોરી કરી હતી. ચોરી કરનાર બે જણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયાં હતા.

ઘટનાના પગલે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર સ્થળ પર દોડી ગયા હતા અને ભચાઉના નાયબ પોલીસ અધીક્ષક સાગર સાંબડાના નેતૃત્વમાં ભચાઉ પીઆઈ એ.એ. જાડેજા અને એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમાની આગેવાનીમાં બે ટીમ બનાવી હતી.

CCTV ફૂટેજ ને ટેકનિકલ સર્વેલન્સથી પગેરું દબાવાયું

પોલીસે સીસીટીવી ફૂટેજનું ઝીણવટભર્યું આકલન કરતાં બેઉ શખ્સ રાજસ્થાન બાજુના હોવાનું વર્તાઈ આવ્યું હતું. મંદિરના ટ્રસ્ટીઓની પૂછપરછ કરતાં જાણવા મળેલું કે ગયા મહિને દિવાળી પર જ રાજસ્થાનનો મોહનલાલ મંદિરમાં કોતરણીને લગતું કામ કરીને ગયેલો.

ટેકનિકલ સર્વેલન્સમાં મોહનલાલે જ તેના બે સાગરીતો ભીમારામ ઊર્ફે ભીમો ગરાસીયા અને હીરારામ ગરાસીયાને મોકલીને ચોરી કરાવી હોવાનું સ્પષ્ટ થયું હતું.

પોલીસની વિશેષ ટીમે વેશપલટો કરીને સ્થાનિક લોકો જેવો દેખાવ ધારણ કરીને, ગોગંદાના ડુંગરાળ જંગલ વિસ્તારમાં જઈને સર્ચ ઓપરેશન હાથ ધરીને ભીમા અને સૂત્રધાર મોહનલાલને ઝડપી પાડ્યાં હતા. હીરારામ હજુ હાથ આવ્યો નથી.

બેઉ પાસેથી ચોરી કરેલા ત્રણ મુગટ, સોના ચાંદીના વરખવાળા બે હાર, કર્ણકુંડળો, મોબાઈલ ફોન વગેરે મળી ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ત્રણે આરોપી પાલી જિલ્લાના બાલી તાલુકાના નાણા પોલીસ મથકની હદમાં આવતા ગામના રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે ગયા નવેમ્બર માસમાં પૂર્વ કચ્છ પોલીસે ચિત્રોડ અને કાનમેરના ૧૧ મંદિરોમાં ચોરી લૂંટ સબબ આ જ રીતે રાજસ્થાન જઈ ગરાસીયા ગેંગ ૬ શખ્સની ધરપકડ કરી લાવી હતી.

Share it on
   

Recent News  
પીપરાપાટીમાં યુવકના માથામાં ધારિયું ઝીંકી ટ્રેલર ચડાવી બેઉ પગ કચડી દેવાયાં
 
પોલીસથી બચવા બૂટલેગરે ઘરના પેટી પલંગ નીચે ભોંયરુ બનાવી ૨.૬૧ લાખનો બિયર છૂપાવ્યો!
 
ગાંધીધામમાં ૬.૧૩ લાખના ૧૨ કિલો ગાંજા અને ૬૪ હજાર રોકડાં સાથે બે યુવકો ઝડપાયાં