click here to go to advertiser's link
Visitors :  
24-May-2025, Saturday
Home -> Gandhidham -> East Kutch Police detects Angadiya firm robbery within 10 days Six held
Friday, 02-Jun-2023 - Gandhidham 81191 views
ગાંધીધામમાં ૧ કરોડની આંગડિયા લૂંટનો ભેદ ૧૦ દિવસમાં ઉકેલાયોઃ ૬ ઝડપાયાં
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં ગત ૨૨ મેના રોજ પી.એમ. આંગડિયા પેઢીમાં પિસ્ટલના નાળચે ચાર હેલ્મેટધારી યુવકોએ કરેલી ૧ કરોડ ૫ લાખ રૂપિયાની ચકચારી લૂંટના ગુનાનો ભેદ પોલીસે ૧૦ દિવસમાં ઉકેલી નાખ્યો છે. સીસીટીવીમાં કેદ થયેલાં ચાર લૂંટારા સામે હકીકતમાં પડદા પાછળ ૧૨ લૂંટારા સામેલ હતાં. પોલીસે કર્ણાટકના બેંગ્લોર, ઉત્તરપ્રદેશના લખનૌ અને બનાસકાંઠાના અમીરગઢથી ત્રણ મળી ૬ આરોપી ઝડપી પાડ્યાં છે. અન્ય ૬ હાથમાં આવ્યાં નથી.

અદ્દલ હિન્દી ફિલ્મના પ્લોટની જેમ લૂંટનું જડબેસલાક આયોજન થયેલું પરંતુ પૂર્વ કચ્છ પોલીસે પણ આંખમાં સૂરમો આંજી, રાત-દિવસ જાગીને હોલિવુડ ફિલ્મના સુપરકોપની જેમ શાતિર આરોપીઓની ટોળકીને પકડી પાડી છે.

લૂંટ બાદ પોલીસે કલાકોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં

ભરબપોરે સાડા ત્રણના અરસામાં પિસ્તોલના નાળચે થયેલી લૂંટ બાદ એક્શનમાં આવી ગયેલી પોલીસે સૌપ્રથમ સીસીટીવી ચેક કરવાનું શરૂ કરેલું. રેન્જ આઈજી જે.આર. મોથલીયા અને એસપી મહેન્દ્ર બગડીયાની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત દસ અલગ અલગ ટીમો બનાવી વિવિધ મુદ્દે તપાસ શરૂ કરાયેલી. પોલીસે લૂંટ બાદ આરોપીઓ જે રૂટ પર બાઈક લઈને નાઠાં તે રૂટ સાથે લૂંટ કરતાં અગાઉ જે રૂટ પરથી આવેલાં તે બેઉ રૂટના સીસીટીવી ચેક કર્યાં. બંને રૂટ અલગ અલગ હતાં. પરંતુ, બેઉ રૂટ મીઠીરોહર તરફ જતાં હતાં. બીજા દિવસે મીઠીરોહર નજીક શિવમ્ પ્લાય નજીક બાવળોની ઝાડીમાંથી બે હેલ્મેટ મળી આવ્યાં હતા. પોલીસે ગાંધીધામમાં અલગ અલગ હેલ્મેટ વિક્રેતાઓના ત્યાં તપાસ કરતાં બહાર આવ્યું હતું કે ૧૬મી મેના રોજ એક શખ્સે એકસાથે ચાર હેલ્મેટ ખરીદયાં હતાં.

સૌથી પહેલાં સૂત્રધાર જ ઝડપાઈ ગયો

પોલીસે મીઠીરોહર પર તપાસનું ફોકસ સેટ કરતાં સીસીટીવીમાં લૂંટના થોડાંક સમય અગાઉ એક ઈન્ડિગો કાર અને લૂંટમાં વપરાયેલી બે મોટર સાયકલ જોવા મળેલી. કારચાલક કારની ડેકી ખોલી બાઈકચાલકોને જેકેટ અને હથિયાર આપતો હોય તેવું જોવા મળેલું. કારચાલક સાથે ટૂંકા વાર્તાલાપ બાદ ચારે લૂંટારા બે મોટર સાયકલ પર લૂંટને અંજામ આપવા રવાના થઈ ગયેલાં. પોલીસ લૂંટમાં વપરાયેલાં બાઈક ટ્રેસ કરી શકી નહોતી તેથી ઈન્ડિગો કારમાં કોણ હતું તે ચેક કર્યું ને પહેલાં જ ધડાકે લૂંટનો માસ્ટર માઈન્ડ ઉજ્જવલ અમરેન્દ્ર પાલ હાથમાં આવી ગયો.

ઉજ્જવલે લૂંટ કરવા યુપીથી ખાસ સાગરીત બોલાવેલો

૩૨ વર્ષિય ઉજ્જવલ પાલ મૂળ યુપીના સંત કબીરનગરનો વતની છે અને છેલ્લાં પાંચ સાત વર્ષથી તે પડાણાની સીમમાં સંબંધીની માલિકીની તિરુપતિ ડૉર કંપનીનું સંચાલન કરે છે. ઉજ્જવલ અવારનવાર નાણાંના હવાલાની લેતી-દેતી કરવા પીએમ આંગડિયા પેઢીમાં જતો હતો. ગત વર્ષથી તેણે અહીં લૂંટ કરવાનું પ્લાનીંગ કરી રાખેલું. આ માટે તેણે યુપીના ગોરખપુરમાં રહેતાં પોતાના ખાસ સાગરીત યોગેન્દ્ર ઊર્ફે યોગી પહેલવાન શ્યામલાલ ચૌહાણને એક માસ અગાઉ બોલાવ્યો હતો. યોગી સામે ૨૦૨૧-૨૦૨૨માં યુપીના ચાર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ, મારામારી, લૂંટના પાંચ ગુના નોંધાયેલાં છે. ૨૦૧૬માં યુપીમાં થયેલી હત્યાના એક ગુનામાં પાછળથી ઉજ્જવલનું નામ ખુલેલું અને ૨૦૨૧માં પોલીસે ઉજ્જવલની ધરપકડ કરેલી. તે સમયે જેલમાં કેદ યોગી પહેલવાન અને ઉજ્જવલ બેઉ એકમેકના મિત્રો બની ગયેલાં. ઉજ્જવલે લૂંટના આયોજનમાં હનીફ ઈસ્માઈલ સોઢા (રહે. મીઠીરોહર)ને પણ સામેલ કર્યો હતો.

આરોપીઓએ MPથી પાંચ પિસ્ટલ ખરીદેલી

લૂંટ કરવા માટે ઉજ્જવલને પિસ્ટલ ખરીદવી હતી. યોગીએ એમપીમાં રહેતાં તેના હમવતની મિત્ર નઈમખાન ઊર્ફે સુદુને વાત કરતાં નઈમખાને તેને સેંધવા (એમપી)થી પિસ્ટલ ખરીદીનું સેટીંગ કરી આપ્યું હતું. સેટીંગ થયાં બાદ ઉજ્જવલે વિપુલ રામજીભાઈ બગડા કે જે મૂળ જામનગરના લાલપુરનો છે અને મીઠીરોહરની ફેક્ટરીમાં કામ કરે છે તેને પિસ્તોલ ખરીદવા હેતુ એમપી આવવા-જવા માટે ગાડી ભાડે કરી આપવા વાત કરેલી. વિપુલે આ અંગે મેઘપર બોરીચીમાં રહી ડ્રાઈવીંગ કરતાં મૂળ વાયોરના ઉકીરના વતની હનીફ સીધીક લુહારને વાત કરેલી. હનીફે હા પાડતાં ઉજ્જવલ, યોગી અને વિપુલ તેની ઈન્ડિકા કારને ભાડે કરી એમપીના સેંધવા જઈ પાંચ પિસ્ટલ ખરીદી લાવેલાં.

સામાન ખરીદી UPના બે શખ્સ બોલાવાયાં

પાંચ પિસ્ટલ ખરીદી લાવ્યાં બાદ યોગીએ લૂંટને અંજામ આપવા યુપીના આંબેડકરનગરમાં રહેતાં મુકેશસિંગ ઊર્ફે બીપી અને શિવમ સુભાષ યાદવને ગાંધીધામ બોલાવ્યાં હતાં. મુકેશસિંગ ૪૭ લાઈવ કાર્ટ્રીજ સાથે લાવ્યો હતો. મુકેશ અને શિવમ ગાંધીધામ આવી ગયાં બાદ ઉજ્જવલ, યોગી અને હનીફ સોઢાએ લૂંટનું જડબેસલાક પ્લાનીંગ કરી ટાર્ગેટના રૂટની રેકી કરી હતી. લૂંટ માટે બે બાઈકની જરૂર હોઈ હનીફ સોઢાએ તેની ખરીદી કરી આપી હતી. ઉજ્જવલ અને હનીફે લૂંટના ગુનામાં મદદ માટે પડાણામાં રહી મજૂરી કરતાં યુપીના આલોક રામપ્રસાદ ચૌહાણ, અરુણ પ્રેમકુમાર ચૌહાણ, દીપક રામભવન રાજભર અને જુણસ ઈસ્માઈલ સોઢા (રહે. મીઠીરોહર)ને પણ સામેલ કર્યાં હતાં.

લૂંટ કરી આ રીતે સાધનો કર્યાં સગેવગે

યોગીએ પોતાની પાસે બે પિસ્તોલ રાખી એક-એક પિસ્તોલ મુકેશ, શિવમ અને વિપુલ બગડાને આપેલી અને બાદમાં ચારે જણે આંગડિયા પેઢીમાં ધસી જઈ લૂંટ ચલાવી હતી. જે રૂટથી આવેલાં તેના બદલે શાંતિધામવાળા માર્ગે નાસી છૂટી આરોપીઓ મીઠીરોહર જતાં બીજા રસ્તે ગયાં હતાં. આયોજન મુજબ અહીં હનીફ સોઢા ભાડે કરેલાં બોલેરો પીકઅપ ડાલા સાથે અગાઉથી હાજર હતો. યોગીએ સીમાડે જેકેટ સળગાવી નાખ્યું હતું. ત્યારબાદ પીકઅપ ડાલામાં બંને મોટર સાયકલ, લૂંટના નાણાંના થેલા, પિસ્ટલ નાખી દીધાં હતા. બાદમાં ચારે જણ ડાલામાં આડા સૂઈ ગયાં હતાં. હનીફ તેમના પર ઘાસચારો ઢાંકીને બોલેરોને ચુડવા સીમમાં આવેલા પોતાના પ્લોટ પર લઈ આવેલો. પહેલાંથી જ કરી રાખેલાં ખાડામાં બેઉ બાઈક દાટી દીધી હતી. ઉજ્જવલે લૂંટના નાણાંમાંથી હનીફને ૫ લાખ, વિપુલને ૩.૭૫ લાખ, આલોક અને અરુણને અઢી લાખ, શિવમ અને મુકેશસિંગને ૫૦-૫૦ હજાર તથા યોગીને ૧૦ હજાર રૂપિયા આપ્યાં હતાં. પિસ્ટલ અને ૪૭ કાર્ટ્રીજ હનીફ સોઢાએ પોતાના પ્લોટમાં છૂપાવેલાં. ત્યારબાદ હનીફ અને વિપુલ બેઉ જણ મુકેશસિંગને બસમાં બેસાડવા ભચાઉ મૂકવા ગયેલાં. ઉજ્જવલ શિવમ યાદવને ગાંધીધામ રેલવે સ્ટેશન અને યોગીને સામખિયાળી રેલવે સ્ટેશને ઉતારી આવ્યો હતો.

બાઈકના ટૂકડાં કરી નિકાલ કરાયો

ગુનામાં ચાર મોટર સાયકલનો ઉપયોગ થયેલો. ખાસ કરીને, લૂંટમાં વપરાયેલી બે મોટર સાયકલ પકડાઈ ના જાય તે હેતુથી હનીફે પહેલાં તેને ખાડામાં દાટી દીધેલી. પરંતુ, કોઈ જોઈ ગયું હોવાના કાલ્પનિક ડરથી તેણે બંને મોટર સાયકલને બહાર કાઢી પાર્ટ્સ છૂટાં પાડી તેના ટૂકડાં કરી ભુવડ હાઈવે પર અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. એ જ રીતે, બે હેલ્મેટને પોતાના વાડામાં સળગાવી દીધાં હતાં. પૂરાવાઓનો નાશ કરી હનીફ પણ પરિવાર સાથે અજમેર જવા નીકળી ગયો હતો.

૮૯ લાખ છૂપાવેલો પલંગ લખનૌ મોકલ્યો

ઉજ્જવલે નાણાંની ભાગબટાઈ યુપીમાં કરવાનું નક્કી કરેલું. બાકી વધેલાં ૮૯ લાખ રૂપિયા કોઈને ગંધ ના આવે તે રીતે યુપી મોકલવા માટે ઉજ્જવલે એક સેટી પલંગ ખરીદયો હતો. સેટી પલંગના ખાનાં-ગાદલાની આડમાં ૮૯ લાખ રૂપિયાના અલગ અલગ બંડલો છૂપાવી, જાતે જ પલંગનું પેકિંગ કરી સેફ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ મારફતે લખનૌ રવાના કરી દીધો હતો. પોલીસે પહેલાં જ ધડાકે માસ્ટર માઈન્ડ ઉજ્જવલને દબોચી લેતાં અન્ય આરોપીઓને ટ્રેક કરવાનું કામ સરળ થઈ ગયું હતું. પોલીસે તુરંત લખનૌ મોકલાયેલાં પલંગના પાર્સલને કંપનીમાં જાણ કરી પરત ગાંધીધામ મગાવ્યું હતું. તો, નાસી ગયેલાં મુકેશસિંગને લખનૌથી, યોગીને બેંગાલુરુથી અને અજમેર જતાં હનીફ સોઢાને અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડ્યાં હતાં. સ્થાનિકેથી વિપુલ બગડા અને એમપી જવા ભાડે કાર આપી પિસ્ટલ ખરીદવામાં મદદ કરનાર હનીફ સીધીક લુહાર મળી કુલ છ આરોપીની ધરપકડ કરી લીધી છે.

૯૬.૯૦ લાખ રોકડાં રૂપિયા રીકવર કરાયાં

ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલાઈ જતાં મોટાભાગની રોકડ રકમ રીકવર થઈ ગઈ છે. પોલીસે કુલ ૯૬.૯૦ લાખ રોકડાં સાથે ગુનામાં વપરાયેલી ઈન્ડિગો કાર, ઈન્ડિકા કાર, બોલેરો પીકઅપ, ચાર પૈકી બે મોટર સાયકલ, પાંચ પિસ્ટલ અને ૪૭ કાર્ટ્રીજ, સેટી પલંગ, ૬ મોબાઈલ ફોન મળી ૧ કરોડ ૭ લાખ ૪૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઑગસ્ટ ૨૦૨૨માં લૂંટનો પ્લાન કરેલો

ઉજ્જવલ અને યોગીની પૂછતાછમાં બહાર આવ્યું છે કે બેઉ જણે ઑગસ્ટ ૨૦૨૨માં જ્યારે પીએમ મોદી ભુજની મુલાકાતે આવવાના હતા ત્યારે પી.એમ. આંગડિયામાં લૂંટનો પ્લાન બનાવેલો. આ માટે દીપક નામના એક યુવકને પિસ્ટલ સાથે યુપીથી બોલાવ્યો હતો. જો કે, દીપક ગાંધીધામ પહોંચે તે પહેલાં અજમેર રેલવે સ્ટેશને પિસ્ટલ સાથે પકડાઈ જતાં તેમનો પ્લાન અમલી થઈ શક્યો નહોતો.

આ રહ્યાં સફળ ડિટેક્શન કરનારાં હિરો

IG મોથલીયા, SP મહેન્દ્ર બગડીયા અને DySP મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ LCB PI એમ. એમ. જાડેજા, PSI એસ.એસ. વરુ, વી.આર. પટેલ, નેત્રમ કમાન્ડ સેન્ટરના PSI જે.જી. રાજ, પેરોલ ફર્લો સ્ક્વૉડના PSI ડી.કે. બ્રહ્મભટ્ટ, ગાંધીધામ એ ડિવિઝન PI સી.ટી. દેસાઈ, PSI એમ.વી. જાડેજા સાથે બી ડિવિઝન અને સંબંધિત પોલીસ મથક-બ્રાન્ચોનો સ્ટાફ જોડાયો હતો.

Share it on
   

Recent News  
ચોરી, મારામારીમાં સામેલ લાકડીયાના ત્રણ શખ્સ કચ્છ સહિત પાંચ જિલ્લામાંથી તડીપાર
 
પ.કચ્છમાં દારૂની રેલમછેલ! SMCનો કટિંગ ટાણે ત્રગડીમાં દરોડો ૮૩.૭૮ લાખનો દારુ જપ્ત
 
પંજાબથી શરાબ ભરી મુંદરા આવતી બલ્કર ટ્રકમાંથી ૧.૩૧ કરોડનો ઈંગ્લિશ દારૂ ઝડપાયો